- માઇક્રોસોફ્ટને નિર્ણય પાછો ખેંચવા માટે માગણી
- પ્રસંગપટ
- 14 ઓક્ટોબર પછી વિન્ડોઝ-10ના ટેકનિકલ અપડેટ મેળવવા માટે પૈસા ખર્ચવાની તૈયારી રાખવી
બહુ વપરાશમાં લેવાતા માઇક્રોસોફ્ટના વિન્ડોઝ-૧૦ ઓપરેટિંગ સિસ્ટમની માયા આગામી ૧૪ ઓક્ટોબરથી સંકેલાઇ રહી છે. માઇક્રોસોફ્ટની વેબસાઇટ પર જાહેરાત થઈ છે કે વિન્ડોઝ-૮.૧ અને વિન્ડોઝ-૭ પણ 'બંધ' થઇ જશે. ધ્યાન રહે, આ ઘોષણાનો અર્થ એ નથી કે ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ-૧૦ સમૂળગી કામ કરતી અટકી પડશે. આ ઘોષણાનો અર્થ એ છે કે કંપની તરફથી કરવામાં આવતાં ફ્રી ટેકનિકલ અપડેટ બંધ થઈ જશે. આ સિવાય ટેકનિકલ આસિસ્ટન્ટ પણ નિષ્ક્રિય થઈ જશે.
ટેકનિકલ આસિસ્ટન્ટમાં ફ્રી સિક્યોરિટી ફીચર્સનાં અપડેટ થંભી જવાથી વિન્ડોઝ-૧૦ વાપરનારા યુઝર્સની સિસ્ટમ જોખમમાં મુકાઇ શકે છે. તેથી કંપનીએ યુઝર્સને વધારે સલામત એવા વિન્ડોઝ-૧૧ પર શિફ્ટ થવાની સલાહ આપી છે.
વિન્ડોઝ-૧૦ માયા સંકલી રહ્યું છે તે અહેવાલોથી કરોડો વપરાશકારોની કમ્પ્યુટર સિસ્ટમ સામે જોખમ ઊભું થયું છે. વિન્ડોઝ-૧૦, જુલાઇ ૨૦૧૫ના રોજ લોન્ચ થયું હતું, જેણે વિન્ડોઝ-૮.૧નું સ્થાન લીધું હતું.
કેટલાક ગ્રાહક સંગઠનોએ માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાને પત્ર લખીને આ નિર્ણય પાછો ખેંચવાની વિનંતી કરી છે, કેમ કે અન્યથા વિન્ડોઝ-૧૦ના વપરાશકારો મુશ્કેલીમાં મુકાઇ શકે છે. વિન્ડોઝ-૧૦ને ફ્રી સપોર્ટ આપવાનું ચાલુ રાખવાની માગણી થઈ છે. જો વિન્ડોઝ-૧૦ના વપરાશકારોને સિક્યોરિટી કવરનાં અપડેટ નહીં મળે તો તેમની કમ્પ્યુટર સિસ્ટમ ઠપ્પ થઈ શકે છે.
એક અંદાજ મુજબ, વિશ્વમાં કોમ્પ્યુટર વપરાશકારો પૈકી ૪૬.૨ ટકા લોકો તેમના કોમ્પ્યુટરમાં વિન્ડોઝ-૧૦ અને વિન્ડોઝ-૭નો ઉપયોગ કરે છે. તેમાંના અસંખ્ય યુઝર્સ વિન્ડોઝ-૧૧માં અપગ્રેડ થઈ શકે તેમ નથી, કારણે કે તે માટે હાર્ડવેર સંબંધિત અવરોધ આવી શકે છે. આર્થિક બોજની સમસ્યા તો ખરી જ.
માઇક્રોસોફ્ટના આ નિર્ણયની ટીકા થઇ રહી છે. કેટલાકે તેને દંભી નિર્ણય લેનાર કંપની કહી છે તે કેટલાકે તેને વપરાશકારોને હેરાન કરનાર કંપની કહી છે.
માઇક્રોસોફ્ટ-૧૦ની માફક વિન્ડોઝ-૧૧ પણ ફ્રીમાં ડાઉનલોડ થઈ શકે છે. બંનેમાં ટેકનિકલ અપડેટ પણ ફ્રી છે. ખાટલે મોટી ખોડ એ છે કે આ ડાઉનલોડ તો જ શક્ય બને, જો કમ્પ્યુટરનું હાર્ડવેર કમ્પેટિબલ હોય, એટલ કે સાદી ભાષામાં, એક નિશ્ચિત કક્ષાનું હોય. તેનો અર્થ એ થયો કે વિન્ડોઝ-૧૧ ડાઉનલોડ કરવું હોય તો હાર્ડવેર બદલવું પડે.
કોઈ પણ કમ્પ્યુટર માટે સાયબર સિક્યોરિટી બહુ મહત્ત્વની છે. સાયબર ક્રિમિનલો માટે અપડેટ થયા વિનાની કમ્પ્યુટર સિસ્ટમનો ગેરલાભ ઉઠાવવાનું પ્રમાણમાં આસાન હોય છે. સિસ્ટમ અપડેેટેડ ન હોય એટલે તેમને વાઇરસ પમ્પ કરવાના મામલમાં દોડવું હતું ને ઢાળ મળ્યો જવો ઘાટ સર્જાય.
પબ્લિક ઇન્ટરેસ્ટ રીસર્ચ ગુ્રપ (ઁૈંઇય્)ના જણાવ્યા અનુસાર વિશ્વમાં ૪૦ કરોડ વપરાશકારો એવા છે જેમના કમ્પ્યુટર વિન્ડોઝ-૧૧માં અપગ્રેડ થઇ શકે એમ નથી. ગુજરાતી ભાષાની વાત કરીએ તો પ્રમાણમાં જૂનાં કમ્પ્યુટરો પણ ગુજરાતી ભાષા સારી રીતે કંપોઝ થઈ શકે છે. અમુક જૂનાં કમ્પ્યુટરનો મુખ્યત્ત્વે ઉપયોગ જ કંપોઝ કરવા માટે કે સાદાં કાર્યો કરવા માટે થતો હોય છે.
વળી, ઉદાહરણ તરીકે, ભાષાભારતી સોફ્ટવેરના કેટલાક ફોન્ટ વિન્ડોઝ-૧૧ સમાવી શકતું નથી. તેથી કમ્પ્યુટર લેટેસ્ટ હોય તો પણ તેમને વિન્ડોઝ-૭ વાપરવાની સલાહ અપાતી હોય છે. ૧૪ ઓક્ટોબર પછી આ તમામ કમ્પ્યુટર પર વાઇરસનું જોખમ ઊભું થશે.
માઇક્રોસોફ્ટે એવો વિકલ્પ આપ્યો છે કે જેમને વિન્ડોઝ-૧૦ અને વિન્ડોઝ-૭નો ઉપયોગ ચાલુ રાખવો હોય એ વાર્ષિક ૩૦ ડોલર (લગભગ ૨૬૦૦ રૂપિયા) ભરીને પોતાની સિસ્ટમનો ઉપયોગ ચાલુ રાખી શકે છે.
૧૪ ઓક્ટોબર પાસે આવી રહી છે, પણ કેટલીય કંપનીઓ, સંસ્થાઓ અને સ્કૂલો-કોલેજો સુધી વિન્ડોઝ-૧૦નું પેકઅપ થઈ રહ્યું છે તે માહિતી પહોંચી જ નથી. હાલમાં તો માઇક્રોસોફ્ટે લીધેલા નિર્ણયનો વિરોધ થઇ રહ્યો છે અને માઇક્રોસોફ્ટને સમજાવાઇ રહ્યું છે કે લોકોને ખાટોે ખર્ચો ન કરાવે.


