પર્યાવરણ સાથે સંકળાયેલું શ્રાધ્ધના કાગવાસનું વિજ્ઞાન

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
પર્યાવરણ સાથે સંકળાયેલું શ્રાધ્ધના કાગવાસનું વિજ્ઞાન 1 - image


- પૂર્વજો કાગડા બનીને ક્યારેય આવતા નથી

- પ્રસંગપટ

- નવી પેઢી ધાર્મિક વિધીઓ અને માન્યતાઓ અંગે ખૂબ સવાલો કરે છે, પણ તેમને જવાબ આપવાને બદલે ચૂપ કરી દેવાય છે 

ગણપતિના વિશાળ માંડવા આજે ભેંકાર બની ગયા છે. જે ટેન્ટમાં દસ દિવસ અને રાત ધમાલ ચાલી હતી તથા જ્યાં શ્રધ્ધાળુઓ દર્શનનો લ્હાવો લેવા લાંબી લાઇનોમાં ઊભા રહેતા હતા તે હવે ખાલીખમ થઈ ગયા છે. 

સામાન્યપણે ધાર્મિક પ્રસંગોનો વહિવટ  કુશળ લોકો પોતાના હાથમાં રાખતા હોય છે. ક્યાંથી કેટલા પૈસાનું ડોેનેશન આવશે અને ડોેનેશન લેવા કોને મોકલવો તે આ ચતુર લોકો સારી રીતે સમજતા હોય છે. જોકે આ પ્રકારનાં ઉઘરાણાં શ્રાધ્ધના દિવસોમાં જોવા મળતાં નથી. શ્રાધ્ધ એ સાયલન્ટ તહેવાર છે. શ્રાધ્ધના દિવસેામાં અન્ય દિવસોની જેમ કોઇ ભીડભાડ કે ધક્કામુક્કી થતી નથી.  ગણપતિ બાપ્પાના દર્શન કરવા હજારો-લાખો લોકો જાય છે, પણ શ્રાધ્ધ પક્ષમાં માંડ એના પાંચ-દસ ટકા સંખ્યા લોકો વિધિઓ કરતા જોવા મળે છે. 

દરેક તહેવાર પાછળ તર્ક અને વિજ્ઞાન હોય છે, પરંતુ તહેવારોની સાયન્ટિફીક સમજ નવી પેઢી સુધી પહોંચાડવામાં વડવાઓ નિષ્ફળ ગયા છે. પૂર્વજો માટે શ્રાધ્ધ કરવાથી તેમનો આત્મા તૃપ્ત થાય છે - આવી વાતોથી નવી પેઢી દૂર ભાગે છે. 

ગુજરાતીઓ શ્રાધ્ધના ભોજનથી માહિતગાર છે. કુટુંબના બધા સભ્યો સાથે બેસીને પૂર્વજોની સ્મૃતિમાં બાસુંદીના સબડકા લગાવતા જાય અને જુની વાતો યાદ કરતા જાય ત્યારે  સાથે બેઠેલી નવી પેઢીને ખ્યાલ આવે છે કે આપણા પૂર્વજો કેવા હતા. કમબખ્તી એ છે કે શ્રાધ્ધ પક્ષના નામ માત્રથી લોકોને ડરાવીને રાખવામાં આવ્યા છે. 

ખરેખર તો શ્રાધ્ધ પૂર્વજોનો ઇતિહાસ અને સંઘર્ષ કથાઓ જાણવાની માટેની તક પૂરી પાડે છે. કુટુંબના સભ્યોને પૂર્વજો વિશે  માહિતગાર કરવાને બદલે તેમને માત્ર ફોટામાં દેખાડી દેવામાં આવે છે. 

શ્રાધ્ધના દિવસોમાં આપણા પૂર્વજ કાગડા બનીને કાગવાસ રુપી ભોજન ગ્રહણ કરવા આવે છે જેવી વાતો નવી અને ઇવન સિનિયર પેઢીને પણ હાસ્યાસ્પદ લાગે તે સ્વાભાવિક છે. કોણ જાણે શા માટે, પણ આપણા વડવાઓેએ શ્રાધ્ધના વાસ્તવિક મહત્ત્વથી લોકોને દૂર રાખી દીધા. એટલે જ શ્રાધ્ધના દિવસોમાં કેટલાક શુભ કામોની બાદબાકી કરી દેવાઇ છે. શ્રાધ્ધના દિવસોમાં લોકો દૂધપાક કે બાસુંદી ખાઇ શકે પણ શુભ કામ ન કરી શકે એ કેવું? શ્રાધ્ધના નામે માત્ર કર્મકાંડ અને વિધિઓને મહત્ત્વ અપાતું રહ્યું, એક પ્રકારનો ડર ઊભો કરવામાં આવ્યો ને આપણી ધર્મભીરૂ પ્રજા ચુપચાપ  પરંપરાને અનુસરતી રહી. 

હવે સમય પલટાયો છે. નવી પેઢી ધાર્મિક વિધિઓ અને માન્યતાઓ અંગે અનેક સવાલો કરે છે. તે વાત અલગ છે કે તેમને જવાબ આપવાને બદલે ચુપ કરી દેવામાં આવે છે. તાર્કિક ઉત્તરો ન મળવાને કારણે જ નવી પેઢી ધાર્મિક ક્રિયાઓથી દૂર ભાગી રહી છે. 

શ્રાધ્ધ પક્ષ સાથે સંકળાયેલા કાગડાના વિજ્ઞાનને સમજવા જેવું છે. વૃક્ષારોપણ અને ગ્લોબલ વોર્મિંગની વાતો કરનારે પણ શ્રાધ્ધ નિમિત્તે પર્યાવરણ અંગેની જાગૃતિ ફેલાવવાની જરૂર છે. પીપળો કે વડના બીજ આજે આસાનીથી મળતા નથી. તેના ટોટા રોપશો તો પણ તે નહીં ઊગે, કારણ કે કુદરતે આ બંને લોકોપયોગી વૃક્ષોના ઉછેર માટે અલગ વ્યવસ્થા કરી છે. આ બંને ઝાડના ટેટા કાગડા ખાય છે. આ ટેટા કાગડાના પેટમાં જાય પછી એક ચોક્કસ પ્રોસેસમાંથી પસાર થાય છે. ત્યાર બાદ આ કાગડા જ્યાં પણ વિષ્ટા કરે ત્યાં આ ઝાડ ઊગી નીકળવાની સંભાવના પેદા થાય છે. 

કેટલાક મકાનોની તિરાડોમાં કે અગાશીમાં પીપળાનો નાનો છોડ ઉગતો જોઇને સૌને આશ્ચર્ય થાય છે. પીપળો રાઉન્ડ-ધ-ક્લોક ઓક્સિજન આપે છે, જ્યારે વડમાં ઓષધીય ગુણો ભરેલા છે. કાગડા ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં ઇંડાં મુકે છે. બચ્ચાં બહાર આવ્યા પછી નજીકના મકાનની  છત પર બેસીને ખેરાક ખાઇ શકે તે માટે અગાસી પર કાગવાસ મુકાય છે. આ રીતે પર્યાવરણ માટે જરૂરી એવા કાગડાની વસ્તી વધારવામાં મદદ મળે છે. 

હિન્દુ સંસ્કૃતિની તમામ ધાર્મિક પરંપરાઓ બહુ સમજીવિચારીને તૈયાર કરેલી છે. એટલે જ કહે છે કે શ્રાધ્ધમાં માનતા હોય કે ના માનતા હો, પણ કાગવાસ જરૂર નાખજો.

Prasangpat

Google NewsGoogle News