FOLLOW US

500 કરોડ રૂપિયાનો બિઝનેસ લઇને આવેલો ગણપતિ મહોત્સવ

Updated: Sep 19th, 2023


- આજે ગણેશ સ્થાપન: આખો દેશ ગણપતિમય

- પ્રસંગપટ

- સૌથી વધુ ગણપતિ સ્થાપન વડોદરામાં: ચીનથી આયાત થતી મૂર્તિઓ પર પ્રતિબંધથી ગ્રામીણ અર્થતંત્રમાં તેજી 

આજે મંગળવાર અને ગણેશ સ્થાપન. આ યુતિ વિજય યોગ લઇને આવી છે. દેશના ખૂણે ખૂણે વિઘ્નહર્તા ભગવાન ગણપતિનું સ્થાપન કરાશે. આજે શેરબજાર સહિતના આર્થિક વ્યવહારો બંધ રહેશે. આગામી  આખું અઠવાડિયું ગણપતિના લાલન પાલનમાં પસાર થવાનું  છે. 

૫૦૦ કરોડનો બિઝનેસ લઇને આવેલો ગણપતિ ઉત્સવ સુશોભનની ચીજો બનાવનારા અનેક વેપારીઓ તેમજ મીઠાઇની વેપારીઓને તગડું ટર્નઓવર કરી આપશે. વિસર્જન સુધીનો સમય ઉત્સાહના માહોલમાં પસાર થશે તે નક્કી છે. પહેલે સમરું ગણપતિ દેવા... અર્થાત  દરેક શુભ કામમાં ભગવાન ગણપતિનું સ્મરણ સૌથી પહેલાં કરવામાં આવે છે. ભગવાન ગણપતિ 'ઇન્ટરનેશનલ ગોડ' છે. વિશ્વમાં જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં ગણપતિની સ્થાપના થાય છે. 

મુબઇમાં લાલ બાગ ચા રાજાનાં દર્શને દેશભરના લોકો આવે છે. કલાકો સુધી કતારમાં ઊભા રહીને તેઓ ગણપતિની ભવ્ય મૂર્તિને થોડી પળો માટે અત્યંત શ્રદ્ધાપૂર્વક નીરખે છે. આખું મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઇ આજથી ગણપતિમય બની જવાનું છે. ગુજરાતમાં પણ લોકો મોડી રાત સુધી જાગશે  અને ભગવાન ગણપતિની સ્તુતિ કરશે. વડોદરામાં ગણપતિ સ્થાપનની હોડ શરૂ થઇ હોય એમ દેખાઇ રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ ગણપતિ સ્થાપન વડોદરામાં થાય છે.

 જાણકારો તો ત્યાં સુધી કહે છે કે વડોદરામાં ગણપતિ સ્થાપનનો મોહ એટલો તીવ્ર છે કે આગામી પાંચ વર્ષમાં તે મુબઇને ટક્કર મારીને આગળ નીકળી જાય તો નવાઈ નહીં! અમદાવાદમાં પાંચ કરોડ રૂપિયાના પ્રસાદમાં અપાતા મોદકનું વેચાણ થશે એવો અંદાજ છે. પ્રસાદના પેંડા તેમજ શીંગ સાકરીયાનો ઉપાડ પણ મોટા પાયે જોવા મળશે. 

છેલ્લા અઠવાડિયામાં ગણપતિની ૨૦ કરોડ રૂપિયાની મૂર્તિઓ વેચાઇ હોવાનો અંદાજ છે. અગાઉનાં વર્ષોમાં પ્લાસ્ટર ઓફ પેરિસ, સ્ટોન અને માર્બલમાંથી બનેલી કરોડો રૂપિયાની મૂર્તિઓ ચીનથી આવતી હતી. મૂર્તિઓ બનાવવાનો આખો બિઝનેસ ચીને ભારતનાં ગામડાઓ પાસેથી હાઇજેક કરી દીધો હતો.

 મૂર્તિઓ બનાવનારાઓના વ્યવસાય પર ચીને મરણતોલ ફટકો માર્યો હતો. ચીનથી આવતી ગણપતિની મૂર્તિઓ ફિનિશિંગની દૃષ્ટીએ આકર્ષક બનતી હતી, પરંતુ ભારત સરકારે ચીનથી આવતી મૂર્તિઓ સહિતની કેટલીક બનાવટો પર પ્રતિબંધ મૂકીને મૂર્તિઓ બનાવતાં ગામડાઓના અર્થતંત્રને પુનર્જીવિત કર્યું છે.

ચીનથી આવતી મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકીને સરકારે સ્થાનિક મૂર્તિકારોની કલાને નિખારવાનો નવો અવસર આપ્યો છે. લાંબા સમયથી ચીનની આયાતી ચીજો સ્થાનિક બિઝનેસને ફટકો મારી રહી છે એવી રજૂઆતો બાદ સરકાર એલર્ટ બની હતી. ચીનની ચીજો પર પ્રતિબંધ મુકવાનું પગલું આજે રંગ લાવી રહ્યું છે.

 સરકારે 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' ઇનિશિએટિવમાં ગણપતિની મૂર્તિઓ બનાવવાનો સમાવેશ કરીને ગામડાંના અર્થતંત્રમાં પૈસો ફરતો કર્યો છે. મૂર્તિઓ બનાવવાનો મુખ્ય વ્યવસાય જે ગામોમાં થતો હતો ત્યાં ચીનના કારણે બેકારી આવી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. જોકે મંડપ સુશોેભન માટે વપરાતી નેવું ટકા ચીજો આજે પણ ચીનની બનાવટો છે. ઝગમગ લાઇટોવાળો શણગાર બહુધા ચીનની  બનાવટનો હોય છે. 

છેલ્લાં બે વર્ષથી ગણપતિની મૂર્તિઓ ચીનથી આવતી બંધ થઇ ગઇ છે. હવે તો લોકો ખુદ સ્વદેશી બનાવટની મૂર્તિઓ ખરીદવાનો આગ્રહ રાખે છે. મુંબઇ-મહારાષ્ટ્રથી મૂર્તિઓ વિવિધ પ્રદેશોમાં જાય છે. મૂર્તિઓ લઇ જવા માટે ટ્રેનોમાં વિશેષ બેઠકની વ્યવસ્થા કરવામાં આવે છે. મુંબઇથી વિમાન માર્ગે મૂર્તિઓ દુનિયાભરના દેશોમાં પહોંચાડાય છે. 

 કેટલીય રેસિડેન્શિયલ સોસાયટીઓ અને પોળમાં ઘર દીઠ ચોક્કસ રકમ ઉઘરાવીને આગામી દસ દિવસ સુધી ઉજવણીનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં રાસગરબા જેવા મનોરંજક કાર્યક્રમોનો સમાવેશ પણ થઈ ગયો.  અંગ્રેજોના શાસનકાળ દરમિયાન લોકોને એક સ્થળે એકત્ર કરવાના મૂળ હેતુથી શરૂ કરાયેલો ગણપતિ મહોત્સવ આજે સમાજના તમામ વર્ગોમાં લોકપ્રિય બની ગયો છે.ગણપતિ મહોત્સવ ધાર્મિક મનોસ્થિતિને ઘૂંટશે અને ધાર્મિક અર્થતંત્રને વેગ આપશે તે તો નક્કી. 

Gujarat
English
Magazines