Get The App

ઓનલાઇન જુગારની એપ પર પ્રતિબંધ છતાં વિદેશની એપ પર લૂંટ ચાલુ રહી

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
ઓનલાઇન જુગારની એપ પર પ્રતિબંધ છતાં વિદેશની એપ પર લૂંટ ચાલુ રહી 1 - image

- વિદેશની એપ જમૈકા, કુરાકાઓ, જિબ્રાલ્ટર જેવા દેશોમાં રજીસ્ટર 

- પ્રસંગપટ

- વિદેશની બેટીંગ એપ વપરાશકારો સાથે છેતરપીંડી કરતી હોવાની 6841 ફરિયાદો સત્તાવાળાઓને મળી છે

જુગાર અને સટ્ટાબાજી સાથે ભારતના જુગારના રસીયાઓનો નાતો વર્ષો જુનો છે. મહાભારતના કાળમાં અનુભવી અને ચાતુર્યથી ભરેલા પાંડવોએ જુગાર રમવામાં રાજપાટ ગુમાવ્યા હતા અને બહુ પ્રચલિત મહાભારત રચાયું હતું. જન્માષ્ટમીએ ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ મનાવનારા  જુગાર રમવા પાછળ સમય અને બજેટ ફાળવે છે.સોરાષ્ટ્રમાં જુગાર બહુ મોટા પાયે રમાય છે. જુગાર શોખથી રમવો અને ઘરબાર વેચવા સુધીનો રમવો તેમાં આસમાન જમીનનો ફર્ક છે.

ટાઉન લેવલે જુગાર રમતા લોકોને પકડવામાં આવે છે પરંતુ ઓનલાઇન જુગાર રમનારાઓને ઉની આંચ નહોતી આવતી. લાખો લોકો ઓનલાઇન જુગાર રમે છે અને જીતવાની આશામાં ને આશામાં પૈસા ગુમાવે છે. ઓનલાઇન જુગારમાં અનેક લોકોના ઘર બરબાદ થયા છે. 

ભારત સરકારે ગયા સંસદ સત્રમાં ઓનલાઇન જુગાર પર પ્રતિબંધ મુક્યો છે. જેમાં ભારતની કોઇ બેટીંગ એપ જુગાર રમાડી શકે નહીં પરંતુ કાયદો એટલો લૂલો તૈયાર કરાયો હતો કે વિદેશની એપ ભારતમાં જુગાર રમાડી શકે કે નહીં તેનો કોઇ ઉલ્લેખ નહોતો.

સરકારે કાયદા અનુસાર ભારતની એપ પર પ્રતિબંધ મુકી દીધો પરંતુ વિદેશની બેટીંગ એપ પર કોઇ પગલાં ભરવાનું વિચાર્યું નહોતું. જેના કારણે વિદેશની બેટીંગ એપ મારફતે લોકોને રમાડવાનું અને લૂંટવાનું ચાલુ રખાયું હતું. હાર્યો જુગારી બમણો રમે તે કહેવત પણ જુગાર રમવાનો નશો ધરાવતા લોકોની સ્થિતિ જોઇને રચાઇ હશે એમ માનવામાં આવે છે.

ભારતમાં વિદેશની એપના પ્રચાર પ્રસાર પાછળ સેલિબ્રીટીઓના નામ સપાટી પર આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે ક્રિકેટર સુરેશ રાયના અને શેખર ધવનની ૧૧ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ૧ટમ્ીા નામની એપ સાથે તે જોડાયેલા હતા. કુરાકાઓ દેશમાં રજીસ્ટર્ડ થયેલી  એપના ભારતમાં ચાર લાખ વપરાશકારો છે. ઇડીએ કહ્યું છેકે બંને ક્રિકેટરોને ખબર હતી કે ભારતમાં બેટીંગ પર પ્રતિબંધ છે છતાં વિદેશની એપને કમાણી કરી આપવા તેમણે તેની સાથે જાહેર ખબરો આપવાનું જોડાણ કર્યું હતું.

માત્ર સુરેશ રાયના અને શેખર ધવનની તપાસ નથી કરાઇ પણ યુવરાજ સિંહ અને રોબિન ઉથ્થપા પણ સાણસામાં આવી ગયા છે. અન્ય સેલિબ્રીટીમાં સોનુ સુદ, ઉર્વશી રાઉતેલા, તૃણમૂલ કોંગ્રેસના સાસંદ મીમી ચક્રવર્તીની સામે પણ તપાસ ચાલે છે.

સરકારે ઓનલાઇન બેટીંગ ગેમ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કર્યા પછી પણ વિદેશની ગેમીંગ એપને ટેકો આપવાનું સેલિબ્રીટીઓએેે ચાલુ રાખ્યું હતું. તેમના પ્રચારના કારણે લોકો ઓનલાઇન બેટીંગમાં પૈસા ગુમાવતા હતા. સરકારે કાયદો બહાર પાડયો ત્યારે જાહેર કર્યું હતું કે ૧૫૨૪ જેટલી ઓનલાઇન બેટીંગ એપને બ્લોક કરાઇ છે પરંતુ વિદેશની એપ વિશે સ્પષ્ટતા કરી નહોતી. ભારતની એપ બંધ થઇ તે સાથે જે વિદેશની એપ આવી ગઇ હતી જેનો પ્રચાર સેલિબ્રીટીઓએ કર્યો હતો.

ઇન્ટરનેટ પર ગેમીંગ રમાડનારાઓેે તેને ઇ સ્પોર્ટની કેટેગરીમાં સમાવીને લોકોને ગેરમાર્ગે દોરતા હતા.ઓનલાઇન ગેમ્બલીંગ પ્લેટફોર્મ જાહેરાતો તેમજ સોશ્યલ નેટવર્ક પરની જાહેરાતોના જોરે વધુ ચાલતી હોય છે. વિદેશની એપ જમૈકા, કુરાકાઓ, જિબ્રાલ્ટર જેવા દેશોમાં રજીસ્ટર કરાયેલી હોય છે. તેનું હોસ્ટીંગ પણ ભારત બહાર હોય છે.

વિદેશની જે ઓનલાઇન ગેમ લોકોને લૂંટી રહી છે તેમાં 1xBet, 1xWin, Stake અને Parimatch  નો સમાવેશ થાય છે.

હવે આવી વિદેશની એપની જાહેરાતો પર વોચ રખાશે. ફેસબુક અને ઇન્સટાગ્રામ પર જાહેરાતો કરીને તે બેટીંગ માટે લોકોને આકર્ષે છે. વિદેશની બેટીંગ એપ છેતરપીંડી કરતી હોવાની ૬૮૪૧ ફરિયાદો સત્તાવાળાઓને મળી છે.