OTT કોન્ટેન્ટની પ્રસ્તુતિ અતિ અરૂચિકરઃ સ્વયંશિસ્ત જરૂરી


- આ સામગ્રી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી 

- પ્રસંગપટ

- કોમર્સ પ્રધાન પીયૂષ ગોયલ કહે છે કે ગાળાગાળીવાળા ડાયલોગ બિનજરૂરી રીતે ઘૂસાડાય છે

ભારતમાં ઓવર ધ ટોપ યા તો ઓટીટી વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સનું અને સેસમાર્કેટ ૨૦૨૭ સુધીમાં સાત અબજ ડોલરને વટાવી શકે તેમ છે. હાલમાં તે ૩ અબજ ડોલરનું છે. નામાંકિત એન્ટરટેઇનમેન્ટ કંપનીઓ તેમાં ઝૂકાવી ચૂકી છે અને વ્યાપ વધારી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ પર મૂકાતા વેબ શોઝ અને ઇવન ફિલ્મોમાં ચાલતી ગાળાગાળી તેમજ સેક્સના ભરમાર બાબતે કોમર્સ પ્રધાન પીયૂષ ગોયલે તાજેતરમાં કહ્યું હતું કે કેટલાક ઓટીટી પ્લેટફોર્મ ભારતની સંસ્કૃતિની વિરૂદ્ધ જઇને કોન્ટેન્ટ બનાવે છે. ભારતની પ્રજા માટે તે અરૂચિકર હોય છે. 

પીયૂષ ગોયેલે બાંધી મુઠ્ઠીએ ઘણું બધું કહી દીધું છે. તેમણે ઓટીટી પ્લેટફોર્મ સાથે સંકલાયેલાઓને કહ્યું હતું કે તમે સ્વયં-શિસ્ત જાળવો, સ્વ-નિયંત્રણમાં રહો. 

આ વાત સાચી છે. ઓટીટી પ્લેટફોેર્મવાળા માંતેલા સાંઢ જેવા છે. ગાળાગાળીવાળા ડોયલોગ બિનજરૂરી રીતે ઘૂસાડાય છે અને તેને તેઓ વ્યક્તિ-સ્વાતંત્ર્ય સાથે સરખાવે છે. ભારતીય કોન્ટેન્ટ ભારતની સંસ્કૃતિ સાથે સુસંગત હોવું હોવું જોઇએ, તેના બદલે તે વલ્ગર બની રહ્યું છે. કેટલાક ઓટીટી પ્લેટફોર્મ સ્વયંશિસ્ત બતાવે છે અને મર્યાદામાં રહીને સીન તેમજ ડાયલોગ ડિલીવર કરે છે, જ્યારે કેટલાક પ્લેટફૉમ્સ બેકાબુ હોય છે. 

ઓટીટી પ્લેટફોર્મ અંકુશ વિનાના હોય છે. ભારતના સમાજના સામાન્ય ધારાધોરણને નજરમાં રાખ્યા વિના શોઝ અને ફિલ્મો બનાવાય છે અને આ 'મસાલેદાર' દશ્યો-સંવાદોનો પ્રચાર પણ કરાય છે. 

ભારતની સંસ્કૃતિના પાયા બહુ ઉંડા છે. તેની મશ્કરી કરતું કોન્ટેન્ટ  બનાવનારાઓ હકીકતે તો ભારતનું અપમાન કરી રહ્યા છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે ભારતની સંસ્કૃતિને અનુરૂપ ફિલ્મો-શોઝ બનાવવાના બદલે લોકો ક્રિયેટિવિટીના નામે સંસ્કૃતિને ખોટી ચીતરે છે. 

આશ્ચર્ય તો એ વાતનું પણ  છે કે ઓટીટી ફિલ્મોમાં વપરાતી ગંદી ભાષા સરેરાશ ભારતીય પરિવારમાં બોલાતી નથી. તો પછી શા માટે તેનો ઉપયોગ કરાય છે તેજ ખબર નથી પડતી.

આવી ગાળાગાળીથી ફિલ્મ કે શો વધારે જોવાય છે એ માન્યતા ખોટી છે. સામાન્ય રીતે સરકાર કેટલીક ઓટીટી સ્વચ્છંદતા સામે આંખ આડા કાન કરતી આવી છે પરંતુ બહુ ઉહાપોહ થાય ત્યારે નિયંત્રણો લાદે છે.

કેટલુંક કોન્ટેન્ટ ઇન્ટરનેશનલ માર્કેટ માટે બનાવાયું હોવાનું કહીને ભારતના દર્શકોના માથે ફટકારાય છે. કેટલીક વિકૃતિ ભરેલી ફિલ્મો-શોઝને દર્શકો પણ સ્વીકારતા નથી, છતાંય મેકર્સને તે એકધારા બનાવતા રહ છે. જાણે કે ભારતની સંસ્કૃતિને ખોેટી ચીતરવાનો તેમને શોેખ છે. 

જોકે ઓટીટીનું ભાવિ બહુ ઉજળું છે. ૨૦૨૭માં જ્યારે આ ક્ષેત્ર સાત અબજ ડોેલરનો બિઝનેસ કરવાનું હોય ત્યારે તેને મળેલી સ્વતંત્રતાનો દુરૂપયોગ ના કરવા જોઇએ. અહીં  ઉલ્લેખનીય છે કે વિશ્વના મનોરંજનના માર્કેટમાં ભારતનો ફાળો એક ટકા જેટલો છે. એટલે જ આ ક્ષેત્રે ગ્રોથ વધે તે માટે મેકર્સ તેમજ સરકારે સાથે મળીને પ્રયાસ કરવાની જરૂર છે. 

ઓટીટી પ્લેટફોર્મ પર આવતા શોઝ અને ફિલ્મો પર સેન્સરશિપની માંગ ઉઠી છે. ઓનલાઇ કોન્ટેન્ટમાં ભારોભાર અશ્લીલતા હોવાને કારણે દેશમાં ઉહાપોહ ઉભો થયો છે તે પણ હકીકત છે. ઇન્ટરનેટ પર પર ઘણું ગાંડુઘેલું-જોખમી ને વિકૃત પિરસાતું રહે છે. ઓટીટીનું કોન્ટેન્ટ તેમાનું એક છે. 

ઓનલાઇન કોન્ટેન્ટ પર નિયંત્રણ ચીન અને નોર્થ કોરિયા રાખી શકે છે. ઓસ્ટ્રેલિયાએ ઇ-સેફ્ટી કમિશ્નરની નિમણૂક કરી છે. તે ડિજિટલ મીડિયા પર વોચ રાખે છે. 

ભારતમાં બોલિવૂડના વળતાં પાણી છે. ફિલ્મો ધડાધડ ફ્લોપ જઇ રહી છે. લોકો સાઉથની ફિલ્મોને વધુ ચાન્સ આપતા થયા છે. જો ઓટીટી પ્લેટફોર્મ્સ સરકારી નિયંત્રણોથી  દૂર રહેવા  માગતી  હોય તો સ્વયંશિસ્ત પાળવું પડશે. ઓટીટી પ્લેટફોર્મ ખુદને સ્વતંત્ર માનતા આવ્યા છે માટે સ્વચ્છંદ બની ગયા છે, પરંતુ સરકાર ગમે ત્યારે ત્રાટકીને તેના પર નિયંત્રણો લાદી શકે છે એવું પીયૂષ ગોયલની વાતો પરથી લાગી રહ્યું છે.

City News

Sports

RECENT NEWS