દેશમાં તાપમાન વધતાં વિજળી ઉત્પાદકો દ્વારા કોલસાની આયાતમાં વૃદ્ધી
- ભારતમાં ક્રૂડ પછી વપરાશમાં બીજા ક્રમે કોલસો આવે છે
- એપ્રિલમાં આવા થર્મલ કોલસાની ઈમ્પોર્ટ વધી ૧૧ મહિનાની ટોચે પહોંચીઃ પાવર પ્લાન્ટો ક્ષમતાનો ૧૦૦ ટકા વપરાશ કરતા થયા
- પ્રસંગપટ
દેશમાં કોલસાનું ઉત્પાદન વધ્યું છે. પરંતું સામે માગમાં પણ ખાસ્સી વૃદ્ધી થતાં આપણે દરિયાપારથી કોલસાની આયાત પણ કરતા રહ્યા છીએ. દેશમાં તાજેતરમાં એપ્રિલ મહિનામાં કોલસાની આયાત વધી ૧૧મહિનાની ટોચે પહોંચ્યાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ઘરઆંગણે ઉનાળાની ગરમી વધતાં દેશમાં વિજળીનો વપરાશ વધ્યો છે તથા તેના પગલે વિજળી ઉત્પાદક કંપનીઓની કોલસામાં માગ વધી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. પાવર ક્ષેત્ર દ્વારા કોલસાનું સ્ટોકિંગ વધ્યું છે દેશમાં તાપમાન વધતાં પાવરની ઈલેકટ્રીસિટીની દૈનિક માગ વધી ૨૭૦ ગીગાવોટસ (જીડબલ્યુ) સુધી પહોંચી જવાની શક્યતા પાવર ક્ષેત્રના જાણકારો બતાવી રહ્યા હતા.
કોલસા બજારના જાણકારોના જણાવ્યા મુજબ ભારતમાં એપ્રિલમાં થર્મલ કોલસાની આયાત મંથલી ધોરણે આશરે ૬થી ૭ ટકા વધી ૧૫૪થી ૧૫૫ લાખ ટનની સપાટીએ પહોંચી છે. માર્ચની સરખામણીએ એપ્રિલમાં આવી આયાતમાં ૬થી ૭ ટકાની વૃદ્ધી થઈ છે. જોકે ગયા વર્ષના એપ્રિલની આયાત ગણતાં તેની સરખામણીએ આ વર્ષે આવી આયાત એપ્રિલમાં આશરે ૩ ટકા જેટલી ઘટી હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા હતા. થર્મલ કોલસાનો વપરાશ મોટાભાગે વિજળી ઉત્પાદકો કરતા હોય છે. આયાતી કોલસા પર આધારીત આઈસીબી પાવર પ્લાન્ટ તરીકે ઓળખાતા પાવર પ્લાન્ટો-વિજ ઉત્પાદકો હાલ સ્થાપીત ક્ષમતાનો ૧૦૦ ટકા ઉપયોગ કરતા જોવા મળ્યા છે અને આવી સ્થિતિ જૂન અંત સુધી ચાલુ રહેવાની શક્યતા છે એ જોતાં એપ્રિલ પછી હવે મે તથા જૂનમાં પણ આવા થર્મલ કોલસાની ઈમ્પોર્ટ ઉંંચી રહેવાની શક્યતા બજારના તજજ્ઞાો બતાવી રહ્યા હતા, દરમિયાન, દેશના સ્ટીલ (લોખંડ) ઉત્પાદકો દ્વારા પણ હાલ ઉત્પાદનમાં વૃદ્ધી કરાઈ છે અને આવા સ્ટીલ ઉત્પાદકો દ્વારા પણ કોલસાની માગ તાજેતરમાં વધતી જોવા મળીહોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. થર્મલ કોલસા ઉપરાંત અન્ય કોલસાની આયાત ગણીએ તો એપ્રિલ મહિનામાં વિવિધ કોલસાની કુલ આયાત વધી ૨૨૧થી ૨૨૨ લાખ ટન નોંધાઈ છે જે મે-૨૦૨૪ પછીની સૌથી મોટી મંથલી આયાત મનાઈ રહી છે. દરમિયાન, દેશમાં એપ્રિલ મહિનામાં કોલસાનું ઘરઆગણે ઉત્પાદન પણ વધ્યાના વાવડ મળ્યા હતા. એપ્રિલ માટે આવી સ્થાનિક ઉત્પાદન વૃદ્ધી આશરે ૪થી ૫ ટકાની નોંધાઈ છે. મે મહિનામાં દેશમાં થર્મલ કોલસાની આયાત ૧૫૦થી ૧૬૦ લાખ ટન આસપાસ થવાની શક્યતા છે. ગયા વર્ષે મે મહિનામાં આવી આયાતનો આંકડો ૧૭૬થી ૧૭૭ લાખ ટનનો નોંધાયો હતો. દેશમાં ડિસેમ્બર, જાન્યુઆરી તથા ફેબુ્રઆરીમાં થર્મલ કોલસાની આયાત ઓછી રહ્યા પછી માર્ચ-એપ્રિલમાં આયાતમાં ખાસ્સી વૃદ્ધી જોવા મળી હતી. દરમિયાન, ૨૦૨૫-૨૬ના નાણાં વર્ષમાં વિજળીની માગ દૈનિક ૨૭૦ મેગાવોટથી વધુ રહેવાનો અંદાજ બતાવાયો છે. તાજેતરમાં ૨૫મી એપ્રિલે આ આંકડો નોંધપાત્ર ઉંચો નોંધાયો હતો. દરમિયાન, કૃષી ક્ષેત્રે હવે સોલાર પાવરનો વપરાશ પણ વધ્યાના વાવડ હતા. જો કે ગયા વર્ષના એપ્રિલથી ગણતાં આ વર્ષના ફેબુ્રઆરી સુધીના ગાળામાં કોલસાની આયાત આશરે ૯થી ૧૦ ટકા જેટલી ઘટી છે તથા આના પગલે દેશને આશરે ૬થી ૭ અબજ ડોલર જેટલા વિદેશી હુંડિયામણની બચત થઈ હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા હતા.