Get The App

દેવ ગૌડા મોહબ્બત હમ સે કરતે થે ઔર શાદી મોદી સાહબ કે સાથ: મલ્લિકાર્જુન

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
દેવ ગૌડા મોહબ્બત હમ સે કરતે થે ઔર શાદી મોદી સાહબ કે સાથ: મલ્લિકાર્જુન 1 - image

- રાજ્યસભાના 37 સાંસદોને ભાવભીની વિદાય

- પ્રસંગપટ

- જ્યારે સાંસદો કેન્ટીનમાં જમવા જાય છે ત્યારે 'આવ ભાઇ હરખા આપણે બેઉ સરખા' જેવાં દ્રશ્યો જોવા મળે છે

- દેવ ગૌડા અને મલ્લિકાર્જુન ખડગે

ભારતની સંસદીય પ્રણાલીની પ્રશંસા કરીએ એટલી ઓછી છે. સ્કૂલના લોકપ્રિય શિક્ષક કે વિસ્તારના લોકપ્રિય પોલીસ અધિકારીની બદલી થાય ત્યારે તેમના ગુણગાન ગાઇને તેમને ભાવભીની વિદાય અપાતી હોય છે. આ તેમની લોકપ્રિયતાની નિશાની છે. લોકપ્રિય થવું બહુ અઘરૃં કામ છે. જેનું બહુમાન થાય છે તેણે પોતાના કાર્યકાળ દરમ્યાન સૌને સાથે રાખીને કામ કર્યું હોય છે. રાજ્યસભામાંથી નિવૃત થઇ રહેલા સંાસદ સભ્યોને અપાયેલી વિદાય પણ બહુ ભાવભીની રહી હતી. બુધવારે વિદાય લઇ રહેલા રાજ્યસભાના ૩૭ સાંસદોએ સૌનું અભિવાદન સ્વીકાર્યું હતું. વડાપ્રધાન, વિપક્ષના નેતા વગેરે વિદાય લઈ રહેલા સાંસદોના કામની પ્રશંશા કરે એવી પરંપરા છે.  

કોંગ્રસના વડા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જે લોકો જાહેર જીવન સાથે કે રાજકારણ સાથે જોડાયેલા હોય છે તે ક્યારેય થાકતા નથી કે ક્યારેય નિવૃત્ત થતા નથી. મલ્લિકાર્જુને પોતાના વક્તવ્યમાં  ભૂતપૂર્વ વડા પ્રધાન દેવે ગૌડાને ટાંકીને કહ્યું હતું કે હું તેમને છેલ્લાં ૫૪ વર્ષથી ઓળખું છું. મેં તેમની સાથે રહીને ઘણું કામ પણ કર્યું છે. મલ્લિકાર્જુને પછી ઉમેર્યું હતું કે કોણ જાણે કેમ, પણ મને  ખબર પણ ના પડી કે દેવગૌડા ક્યારે ભાજપ તરફ ઢળવા લાગ્યા. આ વાતને મલ્લિકાર્જુને પોતાની લાક્ષણિક શૈલીમાં રજૂ કરતાં કહ્યું હતું કે, વો મોહબ્બત હમસે કરતે થે ઔર શાદી કી મોદી સાહબ કે સાથ! 

રાજ્યસભામાં દિવસ દરમ્યાન વિવિધ કામો પર ચર્ચા થઇ હતી, પરંતુ બુધવારનો દિવસ મુખ્યત્વે વિદાય સાથે સંકળાયેલો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે  રાજકારણમાં વિદાય એ પૂર્ણવિરામ નથી. વિદાય લેનારાઓને તેમણે કહ્યું તે તમારી સેવા અને દેશને કરેલું દિશાસૂચન હંમેશા યાદ રખાશે. 

મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે વિદાય લઇ રહેલા સાંસદો અનેક તેજાબી અને ખટમીઠી વાતોના સાક્ષી બન્યા છે. આપણે ત્યાં દર બે વર્ષે રાજ્યસભાના સાંસદોના વિદાયની ક્ષણો આવે છે. દાયકાઓથી ચાલી આવતી નિવૃત્તિ લેતા સાંસદોના સન્માનની પરંપરાની વડાપ્રધાને પ્રશંસા કરી હતી.

રાજ્યસભામાં સભ્યો એકબીજાને ભેટયા હતા તે દર્શાવે છે કે રાજકારણમાં ક્યારેય કોઇ ંકાયમી દોસ્ત કે દુશ્મન હોતા નથી. વિદાય લેનારા ક્યા પક્ષના છે તેની દરકાર કર્યા વગર કે મોવડીઓની ફિકર કર્યા વગર તમામ પક્ષના સભ્યો એકબીજાને મળતા હતા. 

સંસદનું સત્ર ક્યારેય સરળતાથી પસાર થતું હોતું નથી. વિવિધ સળગતા વિષયો પર સત્તાધારી પક્ષ અને વિપક્ષ સામસામે બાંયો ચઢાવે છે, પરંતુ જ્યારે બધા કેન્ટીનમાં જમવા જાય છે ત્યારે 'આવ ભાઇ હરખા આપણે બેઉ સરખા' જેવાં દ્રશ્યો જોવા મળે છે. રાજકારણીઓ જાહેરમાં ભલે લડતા ઝગડતા દેખાય પરંતુ અંદરખાને બધા સરખા હોય છે. સંસદમાં એકબીજાને ઉતારી પાડતા અને ેસામસામી હૂંસાતૂંસી કરતા જોઇને આપણને લાગે કે આ સાસંદો અંદરોઅંદર એકબીજાના સખત વિરોધી હશે, પરંતુ લોકસભામાં સામસામે ગમે તેટલું ગર્જ્યા હોય તો પણ સંસદની કેન્ટીનમાં તો તેઓ સાથે બેસને જ જમતા હોય છે, પોતાની થાળીમાંથી  વાનગીઓ એકબીજા સાથે શેર કરતા હોય છે. કેન્ટીનાં તમામ રાજ્યોને અનુરૂપ  વાનગીઓ ઉપલબ્ધ હોય છે. 

કોઈ પણ સાંસદ પોતાના વિસ્તારનું કામ લઇને કોઇ પણ પ્રધાનની કેબિનમાં જઇ શકે છે. પછી ભલે તે વિરોધ પક્ષનો હોય. સૌ એકબીજાના  કુટુંબની મર્યાદા સાચવે છે, તેમનાં દીકરા-દીકરીનાં લગ્ન સમારંભોમાં હાજરી આપતા હોય છે. 

 સામસામે બાખડતા રાજકારણીઓ જાણે છેકે સત્તાની લક્ષ્મી સ્થિર બેસી શકતી નથી. આજનો સત્તાધારી પક્ષ જાણે છે કે આપણે પણ ક્યારેક વિપક્ષી પાટલી પર બેસવાનું છે. જાહેરમાં કે સંસદમાં એકબીજા પર આક્ષેપબાજી કરવાની સૂચના તેમને પક્ષ તરફથી જ મળતી હોય છે. 

સાંસદના બન્ને ગૃહોમાં ઊહાપોહ પણ થતો રહે છે અને કામકાજ પણ ચાલતું રહે છે. ભારતની સંસદીય પ્રણાલીનું આ જમાપાસું છે, જેમાં કાર્યકાળ પૂરો કરી ચૂકેલા સાસંદોને પૂરા સન્માન સાથે વિદાય અપાય છે.