- ગયા વર્ષે 11 વિદ્યાર્થીઓની અમેરિકામાં હત્યા થઇ હતી
- પ્રસંગપટ
- અમેરિકામાં ભારતીય સંગઠનો છે પરંતુ ટ્રમ્પ સરકાર સામે કોઇ ખુલાસો કરવા જઇ શકતું નથી
અમેરિકામાં જ્યારથી ભારતના વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે ત્યારથી કોઇ પણ દેશમાં ભણતા ભારતના વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતા ઉભી થઇ છે. પોતાના સંતાનો સાથે દરેક સવાર સાંજ સંપર્કમાં રહેવા લાગ્યા છે અને તેમને ચેતવવા લાગ્યા છે. આ ચિંતા વાજબી છે કેમકે જો અમેરિકા જેવા દેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓની સલામતી ના હોય તો અન્ય નાના દેશ પાસે તો સલામતીની
અપેક્ષા કેવી રીતે રાખી શકાય?
દરેક વાલી અને વિદ્યાર્થી જાણે છેકે જ્યારે આપણે ઉચ્ચ શિક્ષણ લેવા ગયા હોઇએ ત્યારે સ્થાનિક લોકો સાથે વાદ વિવાદથી દુર રહેવું અને સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે બહુ મતભેદમાં ના ઉતરવું. અમેરિકા બહુ શિક્ષિત હોવા છતાં ત્યાં બેકારીનું પ્રમાણ વધુ છે. અમેરિકામાં બેરોજગારી અને નોકરીની અછતની સમસ્યા મોટા પાયે છે. ત્યાંના રખડુ છોકરાઓ પૈકી ઘણા ડ્રગ્સના રવાડે ચઢેલા હોય છે.
આ લોકો રોજગારી માટે પ્રયાસો કરવાના બદલે રોજ નશો કરવાના પૈસા મેળવવા વધુ પ્રયાસ કરે છે. અમેરિકાના ઓબામા જેવા રાજકારણીઓએ અમેરિકાના બેરોજગાર યુવાનોના મનમાં એવુ ઠસાવી દીધું છે કે વિદેશથી અમેરિકા ભણવા આવનારા સાઇડમાં જોબ પણ કરે છે.
આ લોકો ભણ્યા પછી અમેરિકામાંજ નોકરી મેળવી લેતા હોય છે. જેના કારણે અમેરિકાના સ્થાનિક યુવાનો બેરોજગાર રહેવું પડે છે.
નફરતની એવી ગોળી અમેરિકાના બેરોજગારોને પીવડાવાઇ છે કે તેમનામાં ભારતના વિદ્યાર્થીઓ પ્રત્યે નફરતના બીજ રોપાયા છે.
ગયા વર્ષે ૨૦૨૪માં ભારતના ૧૧ વિદ્યાર્થીઓની અમેરિકામાં હત્યા થઇ હતી.
ગયા વર્ષના ડિસેમ્બર અને ૨૦૨૫માં અત્યાર સુધી છ જેટલા વિદ્યાર્થીઓની હત્યાના અહેવાલો છે. અહીં કેટલીક ઘટનાઓ આપી છે.
....જાન્યુઆરી ૨૦૨૫માં એઅમબીએનો અભ્યાસ કરતો ૨૫ વર્ષના વિદ્યાર્થી વિવેક સાઇનીની એક નશાખોરે હત્યા કરી હતી. સાઇનીએ તેને જવા દેવા જકેટ અને ખાવાનું આપ્યું હોવા છતાં નશાખોરે સાઇની પર હથોડીથી હુમલો કર્યો હતો.
......ગઇ ૩૦ નવેમ્બરે ૨૨ વર્ષના સાઇ તેજા નુકારૂપુ નામના વિદ્યાર્થીને પેટ્રોલ પંપ પાસે ઠાર મરાયો હતો. તે પેટ્રોલ પંપ પર પાર્ટ ટાઇમ જોબ કરતો હતો.
.......સીયેટલના એક પોલીસઅધિકારીની ટક્કરથી ૨૩ વર્ષની જ્હાનવી કંડુલા નામની વિદ્યાર્થીની ૧૦૦ ફૂટ દુર ફેંકાઇ ગઇ હતી. જ્યારે તે રસ્તો ક્રોસ કરતી હતી ત્યારે પોલીસ અધિકારીની કાર તેની સાથે ટકરાઈ હતી. તે આન્ધ્ર પ્રદેશની હતી.
અમેરિકામાં ૨,૭૫,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. કહે છે કે આ વિદ્યાર્થીઓના કારણે અમેરિકા દર વર્ષે ફી અને ખર્ચના ૩ અબજ ડોલર કમાય છે. વિદ્યાર્થીઓની સંખ્યા દરવર્ષે વધતી જાય છે. અમરિકાની સરકાર જ્યારે વર્ષે ૩ અબજ ડોલર કમાતી હોય ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી પણ લેવી જોઇએ.
એક કેસ એવો છે કે જેમાં ઓહીયો ખાતે રહેતો ભારતનો ૨૫ વર્ષનો વિદ્યાર્થી મોહમ્મદ અબ્દુલ અરફાત એક મહિનાથી ગુમથઇ ગયો હતો અને પછી તેનો મૃતદેહ મળી આવ્યા હતો.
અમેરિકાના ભારતીય સંગઠનો બહુ એકિટીવ અને રાજકીય સત્તાધારીઓ પર બહુ પ્રભાવ ધરાવે છે પરંતુ પ્રમુખ પદેે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી વિદેશથી આવેલા લોકોની કોઇ સ્થાનિક ભારતીય સિફારીશ કરી શકતો નથી. અમેરિકામાં ગુજરાતી સંગઠનો પણ છે પરંતુ ટ્રમ્પ સરકાર સામે કોઇ સંગઠન ખુલાસો કરવા જઇ શકતું નથી.
બાઇડન સરકાર હતી ત્યારે પણ ભારતના વિદ્યાર્થીઓ પર હુમલા થતા હતા આ સિલસિલો ટ્રમ્પ સરકાર વખતે પણ ચાલી રહ્યો છે.
અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓએ અજાણ્યા પર ભરોસો નહીં મુકવા અને સંગઠિત રહેવાની સલાહ અપાય છે.


