Get The App

મમતાના વાડામાં સફાયો કરીને ટાઇગર ઉદ્ધવના તંબૂમાં પ્રવેશ્યો

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
મમતાના વાડામાં સફાયો કરીને ટાઇગર ઉદ્ધવના તંબૂમાં પ્રવેશ્યો 1 - image

- પ્રાદેશિક પક્ષના અનેક સભ્યોમાં બળવાનો સળવળાટ 

- પ્રસંગપટ

- જનતા દળ (યુ) અને તેલુગુ દેશમ્ પક્ષનો બાર્ગેર્નિંગ પાવર ઉત્તરોત્તર મંદ પડી રહ્યો છે

ભાજપે પશ્ચિમબંગાળમાં માત્ર મમતા બેનરજીને નથી હરાવ્યાં, પણ વિપક્ષી ગઠબંધનમાં અનેક ગાબડાં પણ પાડયાં છે. વિપક્ષી એકતાના મજબૂત ગઢ સમાન તમિલનાડુના ડીએમકે પક્ષે ગઠબંધન છોડયું છે, તો બીજી તરફ તમિલનાડુના અન્નાડીએમકેના સભ્યો પણ તૂટીને અભિનેતા વિજયની ટીવીકે પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં તો તૃણમૂલ કોંગ્રેસ વેરવિખેર થઈ ગઈ છે અને હવે તેના ખરા માલિક કોણ તેની ચર્ચા ચાલે છે. જે પક્ષના ૮૦માંથી ૫૮ વિધાનસભા સભ્યો અને ૨૦ સાંસદો પક્ષ છોડીને જતા રહ્યા હોય, તે પક્ષનાં પ્રમુખ મમતા બેનરજી પાસે હવે કશું બચ્યું નથી.

જેમ પશ્ચિમ બંગાળમાં તોડફોડ શરૂ થઈ છે, એમ હવે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષની દશા બેઠી છે. બંને પક્ષોને પોતાના સભ્યોને સાચવવા ભારે પડી રહ્યા છે. બીજી તરફ, પંજાબમાં પણ પડદા પાછળ તોડફોડ કરવાનું કામ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં પ્રવેશેલા રાઘવ ચઢ્ઢાને સોંપાયું હોવાનું મનાય છે. પ્રાદેશિક પક્ષના નેતાઓ સગાવાદને વરેલા હોવાથી તેમના સભ્યોમાં નારાજગીની હવા ચાલતી હતી, પરંતુ હવે જ્યારે તૃણમૂલ કોંગ્રેસના સભ્યોનો સામૂહિક પક્ષપલટો જોઈને અન્ય પ્રાદેશિક પક્ષોના અનેક સભ્યોમાં બળવાનો સળવળાટ જોવા મળે છે.

આવી તોડફોડ માટે ભાજપને જવાબદાર ગણવામાં આવે છે. આવા સાંસદો અને ધારાસભ્યોને તોડવાની ચાલને 'ઓપરેશન ટાઈગર' નામ અપાયું છે. મમતા અને ઉદ્ધવ ઠાકરેના પક્ષના સાંસદો તૂટવાના કારણે અન્ય એક પોલિટિકલ ડેવલપમેન્ટ તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે. સત્તાધારી એનડીએ હાલમાં જનતાદળ (યુ) અને તેલુગુ દેશમ પાર્ટીનો ટેકો મેળવીને ટકી છે. આ બંને પક્ષ જાણતા હતા કે ભાજપને દબાવી શકાય છે, તેથી કહેવાય છે કે પડદા પાછળ આ બંને પક્ષો વિવિધ ડિમાન્ડ કર્યા કરતા હતા. જોકે હવે જ્યારે તૃણમૂલના સાંસદો સામે ચાલીને એનડીએમાં જોડાવા તૈયાર થયા છે, અને તેમાં હવે ઉદ્ધવ ઠાકરેના સાંસદો પણ જોડાવાની શક્યતા પણ વધી ગઈ છે, ત્યારે એનડીએનું સંખ્યાબળ ૨૭૨ને વટાવવા જઈ રહ્યું  છે.

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ આજે સંસદીય પક્ષની બેઠક રાખી હતી. તેમાં દરેક સાંસદ હાજર રહેશે એમ મનાતું હતું, પરંતુ લોકસભાના માત્ર ૩ સાંસદો હાજર રહીને ઉદ્ધવ ઠાકરેની ઊંઘ હરામ કરી નાખી હતી. હાજર રહેલા સાંસદોમાં બહુ બોલકા એવા સંજય રાઉતનું મોં પણ સિવાઈ ગયું હતું, જે દર્શાવે  છે કે ઉદ્ધવ ઠાકરેની પકડ ઢીલી પડી ગઈ છે. 

એક અહેવાલ અનુસાર, જે છ સાંસદો ગેરહાજર રહ્યા છે તે અલગ ચોકો બનાવી રહ્યા છે અને તેનું નેતૃત્વ પરભણીના સાંસદ સંજય જાદવ સંભાળવાના છે. આ છ સાંસદો શિંદેની શિવસેના સાથે જોડાવાના હોવાથી શિંદેના પક્ષના સાંસદોની સંખ્યા ૧૪ પર પહોંચશે. આ ૧૪ સાંસદોમાં તૃણમૂલ કોંગ્રેસના ૨૦ સાંસદો ઉમેરાતાં સંખ્યા ૩૪ થશે. હાલમાં એનડીએ પાસે લોકસભામાં ૨૪૦ બેઠકો છે, તેમાં ૩૪ ઉમેરાશે તો કુલ સંખ્યા ૨૭૪ થશે, જે સ્પષ્ટ બહુમતીના સંકેત આપે છે.

આ ડેવલપમેન્ટની આડકતરી અસર એ થઈ છે કે જનતા દળ (યુ) અને તેલુગુ દેશમનો બાર્ગેનિંગ પાવર મંદ પડી ગયો છે. પહેલાં એનડીએ પાસે તેમની માંગને પૂરી કર્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો, પરંતુ હવે જ્યારે એનડીએનું સંખ્યાબળ વધ્યું છે ત્યારે તેમની માંગ તરફ કોઈ ધ્યાન આપવાનું નથી. 

રાજાશાહી ઠાઠથી જીવતા લોકોના ગઢમાં ગાબડાં પડે તો તેમની ઊંઘ હરામ થઈ જાય તે સ્વાભાવિક છે. મમતા બેનરજી અને ઉદ્ધવ ઠાકરે હાલમાં એક જ નાવમાં સવાર હોય એમ લાગે છે, ને તેમાં અખિલેશ યાદવ પણ જોડાય તેવી શક્યતા છે.

વિપક્ષી ગઠબંધન તૂટી રહ્યું છે છતાં તેને બચાવવા કોઈ વિપક્ષી નેતા મેદાનમાં નથી આવતો, કેમ કે  વિપક્ષો પાસે કોઈ પ્રભાવી નેતા રહ્યા નથી. કોંગ્રેસ પાસે અનુભવી નેતાઓ છે, પરંતુ કોંગ્રેસે ડીએમકેનો સાથ છોડીને અભિનેતા વિજયના પક્ષ ટીવીકેને ટેકો આપીને ડીએમકે સાથેના વિપક્ષી જોડાણને ફટકો માર્યો હતો. પ્રાદેશિક પક્ષોને સગાવાદ નડયો છે. મમતા પોતાના ભત્રીજા અભિષેકને સાચવવા જતાં એમનો તૃણમૂલ કોંગ્રેસપક્ષ તૂટયો છે, તો સમાજવાદી પક્ષમાં પણ આવી જ સ્થિતિ છે. 

ભાજપ બહુ આસાનીથી અને વ્યુહાત્મક રીતે લોકસભા તેમજ રાજ્યસભામાં પોતાનું સંખ્યાબળ વધારી રહ્યો છે.