- હવે હાફૂસની જગ્યાએ કેસરનો સ્વાદ વિશ્વની દાઢે વળગ્યો છે
- પ્રસંગપટ
- ભારતે કેરીના સ્વાદને શસ્ત્ર બનાવીને સફળતાપૂર્વક વાપર્યો અને તેને રાજદ્વારી સંબંધોનો હિસ્સો બનાવ્યો
ભારતથી અમેરિકા એક્સપોર્ટ કરવામાં આવતી ૨૫ મેટ્રીક ટ્રન કેરીના કન્ટેનર ગયા મહિને કેન્સલ કરવામાં આવ્યા હતા. તેના કારણે ભારતીય નિકાસકારોને પાંચ લાખ ડોલરનો ફટકો પડયો હતો. અનેક દેશોેમાં ભારતની કેસર કેરી એક્સપોર્ટ થાય છે. હાલ અમેરિકાની દાઢે ભારતની કેસર કેરી વળગેલી છે. એકવાર કેરી ખાનારા પછી હાફૂસને ભૂલી જતા હોય છે. અમેરિકનોને જેમ કેસરનું ઘેલું લાગ્યું છે એમ લંડનના લોકો પણ કેસરના શોખીન બની ગયા છે.
આપણે ત્યાં વરસાદની શરૂઆત થતાં અને આદ્રા નક્ષત્ર બેસતાં જ જૈન સમુદાય માટે તો કેરીની સિઝન પુરી થવા આવશે. કેરીની વાત નીકળી છે ત્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરવાલ નેહરૂએ દર્શાવેલી મેંગો ડિપ્લોમસી યાદ કરવા જેવી છે.
૧૯૫૫નું વર્ષ નહેરૂની મેંગો ડિપ્લોમસી સાથે વણાયેલું છે. ૧૯૫૫માં નેહરૂજી મોસ્કો ગયા ત્યારે હાફૂસ કેરીના ટેાપલા સાથે લઈ ગયા હતા અને ત્યાંના વડાઓને હાફૂસનો સ્વાદ ચખાડયો હતો. એવી જ રીતે ચીનના વડા માઓ ઝેડોંગને પણ નેહરૂએ હાફૂસનો ટેસ્ટ કરાવ્યો હતો. ચીનના વડા પહેલી વાર કોઈ નોન-કમ્યુનિસ્ટ દેશની મુલાકાતે આવ્યા હતા અને તેથી તેઓ જરા અતડા રહેતા હતા, પણ નેહરૂજીએ ચીનના વડાની સામે બેસીનેે એમને કેરી ખવડાવી હતી. માઓ ઝેડોંગ તો પછી કેરીને 'ન્યુ સ્વીટનર' કહેતા થઇ ગયા હતા.
ઓર એક કિસ્સો છે, ૨૬ એપ્રિલ, ૧૯૫૫નો. ઐતિહાસિક ગણી શકાય તેવી એફ્રો-એશિયન કોન્ફરન્સ ઇન્ડોનેશિયાના બાંડુંગ ખાતે યોજાઈ હતી. આ કોન્ફરન્સનું મહત્ત્વ એટલા માટે હતું કે તેના પગલે બિનજોડાણવાદી ચળવળ (નોન-અલાઇન મુવમેન્ટ) માટેનો માર્ગ સ્પષ્ટ થવાનો હતો. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ ચાવીરૂપ નેતા બનીને ઉભર્યા હતા. તેઓ પોતાની સાથે કેરીની ૧૩ પેટીઓ લઇને ગયા હતા. સૌના આશ્ચર્ય વચ્ચે તેમણે દરેક દેશ સાથે ડિપ્લોમેટીક સંબંધો વધાર્યા હતા અને મેંગોનેા એક સાયલન્ટ શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હતો. એક અંગ્રેજી અખબારે આ ગતિવિધિને 'મેંગો ડિપ્લોમસી' તરીકે વર્ણવીને કેવી રીતે મેંગોને હાથો બનાવીને ભારત વતી નહેરૂએ પોતાની વાતને મજબૂત રીતે આગળ વધારી તેનો અહેવાલ આપ્યો હતો.
૧૯૫૫માં પહેલી વાર ચીનના વડા (જેને ચાઇનીઝ ભાષામાં ચાઉ એન-લાઇ કહે છે) માઓ ઝેડોંગ દિલ્હી આવ્યા હતા. તે વખતે જવાહરલાલ નહેરૂએ જાતે કેરીની ચીરીઓ કરીને તેમને ખવડાવી હતી. કેરી ચાખતાંજ માઓ ઝેડોંગની આંખોમાં ચમક આવી ગઇ હતી. તેમને તો હાફૂસ કેરીના સ્વાદનો ચટકો લાગ્યો હતો. તે દરમ્યાન થયેલી વાતચીત બાદ ચીનના માઓ ઝેડોંગ બાંડુંગમાં યોજાનાર કોન્ફરન્સમાં હાજરી આપવા તૈયાર થયા હતા.
કોન્ફરન્સમાં ભાગ લેવા ચીનના વડા જે પ્લેનમાં આવવાના હતા તે એર ઇન્ડિયાના કાશ્મીર પ્રિન્સેસ નામના પ્લેન પર ૧૧ એપ્રિલે ૧૯૫૫ના રોજ બોંબથી હુમલો થયો હતો, જેમાં ૧૪ પ્રવાસીઓ મોતને ભેટયા હતા. જોકે ચીનના વડાને ગુપ્તચર ખાતાએ હુમલાની આગતોરી સંભાવના વ્યક્તિ કરતી સૂચના આપી હોવાથી તેમણે આ પ્લેનમાં મુસાફરી નહોતી કરી અને તેઓ તેઓ બીજી ફ્લાઇટમાં બાંડુંગ પહોંચ્યા હતા.
જવાહરલાલ નહેરૂએ ભારતની કેરી ચખાડીને ચીન અને રશિયાના નેતાઓ સાથે ચર્ચા કરવાની તક ઝડપી લીધી હતી. બાંડુંગ કોન્ફરન્સમાં ભારત યોગ્ય રીતે ડિપ્લોમસી કરી શક્યું હતું. બાંડુંગમાં ભારતને ખ્યાલ આવ્યો હતો કે અન્ય દેશના નેતાઓ સાથે મેંગો ડિપ્લોમસી અજમાવી શકાય છે! તે વખતે જોકે કેસર કેરીએ નહીં, પણ હાફૂસે રંગ રાખ્યો હતો. ૨૯ દેશોએ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને સૌએ હાફૂસને એન્જોય કરી હતી.
ભારતના વડાપ્રધાન વિશ્વના નેતાઓને મળે છે ત્યારે સામાન્યપણે ભગવદ્ગીતા ભેટમાં આપતા હોય છે. આ જ વાત અન્ય દેશોના નેતાઓને લાગુ પડે છે. રાજદ્વારી પુરુષો પોતપોતાના દેશની પ્રસિદ્ધ વસ્તુને ભેટ તરીકે પસંદ કરતા હોય છે. ભારતની કેરી ડિપ્લોમસીનો એક ભાગ બને અને વિદેશના નેતાઓના દિલ જીતી લે તે બાબત પ્રશંસનીય તો ખરી જ.


