બિહારમાં મહારાષ્ટ્રવાળી થવાની દહેશત: નીતિશની પકડ તૂટી છે

Updated: Jan 19th, 2023


- નિતીશનું બાવાના બેઉ બગાડયા જેવું છે

- પ્રસંગપટ

- બિહારની આજની ડામાડોળ રાજકીય સ્થિતિ જોઇને બિહારના ચાણક્ય એવા શરદ યાદવ યાદ આવે છે 

બિહારમાં મહારાષ્ટ્રવાળી થવાની દહેશતના કારણે નીતિશકુમાર અને તેજસ્વી યાદવ એમ બંનેની ઉંઘ હરામ થઇ ગઇ છે. નીતિશકુમાર જાહેરમાં આવીને કહે છે કે અમારા પક્ષના વિધાનસભ્યો ભાજપની લાલચમાં ફસાઇ રહ્યા છે, જ્યારે તેજસ્વી યાદવ કહે છે કે અમને અમારા જોડાણવાળા રાજકારણના નેતા નીતિશકુમારથી સંતોષ છે.      જનતાદળ(યુ)ના અડધોઅડધ વિધાનસભ્યો તેજસ્વી યાદવના વધી રહેલા પ્રભુત્વથી નારાજ ચાલે છે. તેમની માગણી છે કે વધુ એક નાયબ મુખ્યપ્રધાન બનાવો અને તે જનતાદળ (યુ)નો હોવો જોઇએ. બિહારના રાજકારણના પાયાના નેતાઓ જેવા કે લાલુપ્રસાદ યાદવ, દિવંગત રામ વિલાસ પાસવાન, શરદ યાદવ વગેરે હવે રાજકીય તખ્તા પર નથી માટે રાજકીય રમતમાં નીતિશકુમાર કાચા દેખાઇ રહ્યા છે. બિહારની આજની ડામાડોળ રાજકીય સ્થિતિ જોઇને બિહારના ચાણક્ય એવા શરદ યાદવ યાદ આવે છે. 

બિહારના રાજકારણમાં આજે ભલે નીતિશકુમારનું શાસન હોય અને એ ઊંચા ગજાના ખેલાડી કહેવાતા હોય, પરંતુ બિહારના ખરા ચાણક્ય તો શરદ યાદવ હતા. ગરૂગ્રામ ખાતેની હોસ્પિટલમાં ગયા ્અઠવાડિયે તેમનું અવસાન થયું, પણ તેેમણે ભારતના રાજકારણમાં ચાલેલી ચાલના લિસોટા પાછળ રહી ગયા છે. બિહારમાં લાલુપ્રસાદ યાદવને મુખ્યપ્ર ધાન બનાવનાર શરદ યાદવની રાજકીય ચાલને નવોદિત રાજકારણીઓએ સમજવા જેવી છે. જ્યારે ૨૦૦૫માં શરદ યાદવ જનતાદળ (યુ)ના પ્રમુખ હતા ત્યારે નીતિશકુમાર બિહારના મુખ્યપ્રધાન હતા. આપણે અહીં ૧૯૯૦ની વાત કરવી છે. આ સમય રાજકીય રીતે બહુ મહત્ત્વનો હતો. ત્યારે નવું રચાયેલું જનતાદળ રાષ્ટ્રીય તખ્તા પર વિજયના ટ્રેક પર હતું. આ પક્ષે  ત્યારે બિહારમાં પણ વિજય મેળવ્યો હતો. રાજીવ ગાંધીએ હાર જોઇ હતી, તો બિહારમાં તેમના ખાસ એવા જગન્નાથ મિશ્રાએ પણ મુખ્યપ્રધાનપદું ગુમાવ્યું હતું. બિહારના  મુખ્યપ્રધાનપદ માટે રામ સુંદર દાસ લગભગ નિશ્ચિત મનાતા હતા. શરદ યાદવ  જાણતા હતા કે રામ સુંદરની પસંદગી માટે વોટિંગ કરાય તો એ જીતી જાય એમ છે. શરદ યાદવ એવા નેતાને શોધતા હતા કે જે તેમની મદદ કરે. તેમની નજર ભૂતપૂર્વ વડાપ્રધાન ચન્દ્રશેખર પર પડી હતી. વડાપ્રધાનપદુ નહીંં મળતા એ થોડા નારાજ ચાલતા હતા. 

રામ સુંદર દાસને કેન્દ્રના નેતાઓ જ્યોર્જ ફર્નાન્ડીસ અને અજીત સિંહ જેવાઓનો ટેકો હતો. આ નેતાઓ ઇચ્છતા હતા કે રામ સુંદર દાસ બિહારના મુખ્યપ્રધાન પદે શપથ લે. તે અરસામાં શરદ યાદવ નાયબ વડાપ્રધાન દેવીલાલથી ખાસ્સા નિકટ હતા. આ ઉપરાંત શરદ યાદવ વડાપ્રધાન વી.પી. સિંહને ટેકો આપતા હતા. જોકે શરદ યાદવ એમ ઇચ્છતા હતા કે  સાંસદ લાલુપ્રસાદ યાદવને બિહારના મુખ્યપ્રધાન બનાવાય. તે વખતે શરદ યાદવ બિહારના નિરીક્ષક તરીકે કાર્યરત હતા.  તેમણે એવું ચક્કર ચલાવ્યું હતું કે સૌથી વધુ લોકોનો ટેકો મેળવનાર સુંદર દાસ હાર્યા અને લાલુ પ્રસાદ જીતી ગયા.  

જીત્યા પછી તો લાલુપ્રસાદ યાદવનો ડંકો ઠેઠ કેન્દ્ર સુધી વાગવા લાગ્યો હતો. બિહારને તેમણે જંગલ રાજ બનાવી દીધું હતું. જોડાણવાળી સરકારોના રાજકારણમાં લાલુપ્રસાદ ટોપ પર આવી ગયા હતા અને વડાપ્રધાન બનવાનું સપનું સેવતા હતા. જોકેે ઘાસચારા કૌભાંડે તેમની રાજકીય કારકિર્દી ચાવી નાખી હતી. બિહારમાં હાલની સ્થિતિ બહુ પ્રવાહી છે. તેજસ્વી યાદવના સમર્થકોને ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે. પોલીસ કશું કરી શકતી નથી, કેમ કે ગુંડાઓ તેજસ્વી યાદવનું પીઠબળ ધરાવે છે. નીતિશકુમાર હવે રાજકીય દાવ રમી શકે એમ નથી. તેમના પર કોઇ ભરોસો મુકે એમ નથી.

બિહારમાં નીતિશકુમાર નબળા પડે છે અને તેજસ્વીનો પ્રભાવ વધતો જાય છે. કહે છે કે ભાજપે નાણાંની કોથળી ખુલ્લી રાખી છે. ભાજપની ચાલ એવી છે કે બિહારમાં ભલે પોતાની સરકાર ના બને પણ નીતિશની સરકારને રાજ ના કરવા દેવું. બિહારમાં જનતાદળ (યુ) અને તેજસ્વીના રાષ્ટ્રીય જનતા દળના અડધો ડઝન લોકોને મુખ્યપ્રધાન કે નાયબ મુખ્યપ્રધાન બનવું છે. આ દરેકને ભાજપ ટેકો આપી રહ્યું છે. માટે આગામી દિવસોમાં નીતિશકુમાર સંભાળી ના શકે એવી સ્થિતિ ઉભી થવાની છે. વડાપ્રધાન બનવાની લ્હાયમાં નીતિશે લાલુ સાથે હાથ મિલાવ્યા હતા, પરંતુ કોંગ્રેસે તેમની બાજી બગાડી હતી. નીતિશનું બાવાના બેઉ બગાડયા જેવું છે.

    Sports

    RECENT NEWS