- દિલ્હીમાં ચાલી રહેલી AI સમિટ એક દિવસ લંબાવાઇ
- પ્રસંગપટ
- 2000 જેટલા વિદ્યાર્થીઓે આકર્ષણનું કેન્દ્ર : 75 મિનિટમાં AI આધારિત એપ બનાવી કાઢી
AI ઇમ્પેક્ટ સમિટમાં વિશ્વના ખાસ કરીને ભારતના ટેકનોલોજીસ્ટોએ ભરપૂર જીજ્ઞાાસા દેખાડી છે. તમામ મોટી કંપનીઓ AI સંબંધિત નવાં ઇનોવેશન વિશે વધારે જાણવા માટે બ્રેઇન સ્ટોર્મિંગ કરી રહી છે. સમિટમાં નાના ઇન્ફોર્મેટીવ સ્ટોર ઊભા કરનાર કંપનીઓને મળી રહેલા પ્રતિભાવને નજરમાં રાખીને દિલ્હીમાં ચાલી રહેલી સમિટને ૨૧ ફેબુ્રઆરી સુધી લંબાવવામાં આવી છે. સમયઅવધિ પણ સાંજે છ વાગ્યાના બદલે રાત્રે ૮ વાગ્યા સુધી ખેંચવામાં આવી છે.
દેશમાં હાલમાં બે જ મુદ્દે સૌથી વધુ ચર્ચા ચાલે છે. એક છે, ટી-૨૦ના જંગમાં ભારતે પાકિસ્તાન સામે મેળવેવો વિજય, અને બીજો મુદ્દો છે, દિલ્હીમાં ચાલી રહેલી AI ઇમ્પેક્ટ સમિટ. બંને મુદ્દે ભારત ચોમેરથી વાહવાહી મેળવી રહ્યું છે. અત્યાર સુધીમાં૩૦ વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા ત્રણ લાખથી વધુ યુવાનો ઇમ્પેક્ટ સમિટનાં પ્રદર્શનો જોવા આવી ચૂક્યા છે. લોકો લગભગ આખો દિવસ પ્રદર્શન જોવા પાછળ ફાળવે છે.
AI સાથે સંકળાયેલી લગભગ બધી શિક્ષણ સંસ્થાઓના ટીચર્સ અને વિદ્યાર્થીઓ પ્રદર્શન જોવા ઉમટયા છે. જ્યાં લાખો મુલાકાતીઓ હોય ત્યાં થોડુઘણું મિસમેનેજમેન્ટ તો થવાનું. અહીં પણ થયું, જે સોશિયલ નેટવર્ક પર પણ ખૂબ ગાજ્યું. આયોજકોએ માફી માંગીને થોડા સુધારા કર્યા. જોકે પ્રદર્શનમાં ભાગ લેનારાઓેએ આ ગરબડને બહુ ગંભીર ગણાવી નહોતી.
AIનો ઉપયોગ માત્ર ટેકનોલોજી સાથે સંકળાયેલા લોકો જ કરી શકે છે તેવી માન્યતા દૂર કરવાના સરકાર પ્રયાસ કરી રહી છે. નવાં સંશોધનોનો ઉપયોગ જનસામાન્ય સુધી પહોંચે તેવા પ્રયાસો કરાઇ રહ્યા છે. દેશ આઝાદ થયા પછી શહેરના લોકોને મળતા લાભો આંતરિયાળ ગામોમાં વસતા નાગરિકો માટે સપનાં સમાન હતા. વિકાસના ફળ તેમના સુધી પહોંચતાં દાયકા વીતી જતા હતા, પણ હવે AIનાં ઇનોવેશન્સ, ઉપયોગ અને સમજણ દેશના પાયા સમાન ગામડાઓ સુધી પહોંચાડવા પડશે. આ સભાનતા અત્યારથી જ વર્તાઈ રહી છે તે સારી બાબત છે.
'ટાટા સખી' ઇનિશિયેટિવ શરૂ કરવા પાછળનો આશય ગામેગામ પહોંચીને સ્ત્રી સશક્તિકરણની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવાનો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે ટેકનોલોજી ગામડાની મહિલાઓમાં ભરોસા પાત્ર બની શકે છે. સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે જેમ અર્જુન માટે કૃષ્ણ સારથી હતા એમ AI ટેકનોલોજી ગામડાની મહિલાઓ માટે સારથી બની શકે છે. ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવામાં નવી ટેકનોલોજી બહુ મહત્ત્વની બની શકે છે. ટાટા સખી પ્રોજેક્ટ મહિલાઓનાં કૌશલ્યોને સમજશે અને ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવશે.
AI ઇમ્પકેટ સમિટ ખાતે ટાટા ભારત યુવા AI હેકેથોનમાં ભાગ લેનારા ૨,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ તો ૭૫ મિનિટમાં AI આધારિત એપ બનાવી નાખી હતી. ભારતના વિદ્યાર્થીઓ કેટલી ઝડપથી નવાં ઇનોવેશનને ગ્રાસ્પ કરી શકે છે તે આ હેકેથોનમાં જોવા મળ્યું. અનેક વિદ્યાર્થીઓને અહીં પહેલી વાર કોડિંગ કરવાનો ચાન્સ મળ્યો હતો. કોઇએ ગામડામાં મેડિકલ સર્વિસ ઝડપથી કેવી રીતે મળી રહે તે મુદ્દો હાથમાં લીધો હતો, તો કોઈએ સિનીયર સિટીઝનોને મેડિકલ સવલતો આસાનીથી મળે તે મુદ્દો ધ્યાનમાં રાખ્યો હતો. છેલ્લા એક વર્ષમાં ભારતના ૧૨ નવાં AI સ્ટાર્ટઅપ લોન્ચ થયાં છે. સરકારે સૂચના જાહેર કરી છે કે ગ્રામ્ય ભારતીયાના રોજીંદા જીવનમાં સુધારો આવે અને તેમની આર્થિક સમૃધ્ધિ વધે તેવા AI પ્રોજેક્ટ હાથમાં લેવા.
સરકાર જો AIના ઉપયોગથી સમાજના પાયામાંથી સુધારો લાવવા પ્રયત્નશીલ બને તો તેનાં બહુ સારાં પરિણામો મળી શકે તેમ છે. વિશ્વભરની આઇટી કંપનીઓ અને તેમનાં સ્ટાર્ટઅપ માટે ભારત બહુ મહત્ત્વનું માર્કેટ છે. ભારત અત્યારથી જ AIને દેશના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવાના પ્રયાસ કરી રહ્યું છે તે મજાની વાત છે. ગામડાના વિકાસ વગર સમગ્રપણે આખા ભારતનો વિકાસ થશે.


