Get The App

700 બેંકમાંથી 8,50,000 જેટલાં મૂલે એકાઉન્ટ જપ્ત કરાયા

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
700 બેંકમાંથી 8,50,000 જેટલાં મૂલે એકાઉન્ટ જપ્ત કરાયા 1 - image

- 2.10 લાખ જેટલી શેલ કંપનીઓને તાળાં મારી દેવાયા

- પ્રસંગપટ

- ખાતામાં એક કરોડથી વધુ બેલેન્સ હોય તેવા સિનિયર સિટીઝનો યાદી ગુનેગારો પાસે યેન કેન પ્રકારેણ પહોંચી જાય છે 

સાયબર ક્રાઇમ કરતી ગેંગ પોલીસની પિદ્દૂડી કાઢી રહી છે. શિડયૂલ બેંન્કોનાં ખાતાં નંબરો પર લોકો ભરોસો મુકે છે, સાયબર ક્રિમિનલ્સની જાળમાં ફસાઈ ગયેલા લોકો સામે ચાલીને આ બેન્કોમાં પૈસા જમા કરાવે છે, કેમ કે બેંકોની કામગીરી પર તેમને ભરોસો હોય છે. બંેકોનો કેટલોક સ્ટાફ સાયબર ક્રિમિનલો સાથે મળેલો હોય છે. તેઓ બેંકને અંધારામાં રાખીને ક્રિમિનલ્સ સાથે સેટીંગ કરે છે. સાયબર ક્રિમિનલ્સ આ ખાતાના જોરે કરોડોની હેરાફેરી કરે છે.

ખાસ છેતરપીંડી માટે વપરાતાં  બેંક એકાઉન્ટને મૂલે અકાઉન્ટ કહે છે. સાયબર ફ્રોડ કરનારા આવાં બેંક ખાતાંનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા ખેંચી લે છે. સાયબર પોલીસ આ ક્રિમિનલના પૈસાની ગતિવિધિ ટ્રેક કરતા હોય છે. સાયબર ક્રાઇમનો ભોગ બનેલાઓના કેસની તપાસ કરાય છે ત્યાં સુધીમાં એના બેંક એકાઉન્ટમાંથી નાણું સફાચટ થઈ ચૂક્યું હોય છે. આ પૈસો અન્ય પાંચ-છ ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ચૂક્યા હોય છે.

આર્થિક ક્ષેત્રે લોકોને છેતરનારાઓ મૂલે એકાઉન્ટ, શેલ કંપની વગેરેનો ઉપયોેગ કરીને કરોડોની હેરાફેરી કરે છે. ભારતમાં ૨.૧૦ લાખ જેટલી શેલ કંપનીઓને તાળાં મારી દેવાની ફરજ પડાઇ છે. સરકારે કંપનીઓ સામે પગલાં લઇને તે બંધ કરાવી છે. આવી કંપનીઓનું કામ કમિશન લઇને ખોટાં બિલો બનાવી આપવાનું હતું. હવે સાયબર ક્રિમિનલો મારફતે ઉપયોગમાં લેવામાં આવતા મૂલે એકાઉન્ટ્સની તપાસ શરૂ કરવામાં આવી છે.

સીબીઆઇએ અત્યાર સુધીમાં ૭૦૦ બેંકમાંથી ૮,૫૦,૦૦૦ જેટલા મૂલે એકાઉન્ટ પકડી પાડયા છે.  સીબીઆઇએ ૪.૫ લાખ જેટલા એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. સરકારે જ્યારે જનધન બેંક એકાઉન્ટ ખોલાવવાનું શરૂ કર્યું ત્યારે કેટલાક જરૂરીયાતમંદ લોકો ક્રિમિનલ ગેંગની ટ્રેપમાં ફસાઈ ગયા હતા. મહિને પાંચક હજાર જેવી રકમ આપીને તેમનું ખાતું ભાડે લેવાયું હતુંં. માસિક પાંચ હજાર રૂપિયા શ્રમજીવી માટે બહુ મોટી રકમ ગણાય. તેમને ઘેર બેઠા મહિને પૈસા મળવા લાગ્યા હતા. તેમનાં ખાતાં સાથે ભળતોસળતો મોબાઇલ નંબર જ લિન્ક કરવામાં આવતો હતો કે જેથી બેંકના કોઇ એસએમએસ તેમને ન મળે. 

આ ખાતેદારની ચેકબુક લઇ લેવાય, ડેબિટ કાર્ડ પણ આંચકી લેવાય. ખાતેદારને બેંક સાથે આમેય કશો પનારો પડતો નહોતો. તેઓ ભાડાના પાંચ હજાર રૂપિયા લઈને ચુપચાપ બેસી રહેતો હતો. સરકાર તરફથી આવતા રાહતના પૈસા પોતાના ખાતામાં જમા થઈ જતા હોવાથી તેમને ભરોસો બેસી ગયો. 

જ્યારથી ડિજિટલ એરેસ્ટ અને ઓનલાઇન છેતરપીંડીના કિસ્સા વધ્યા છે ત્યારથી સાયબર પોલીસ પૈસા ક્યાં જાય છે તેનું પગેરું શોધતી હતી. સાયબર કૌભાંડીઓ સિફતપૂર્વક મૂલે એકાઉન્ટમાં જમા થયેલા પૈસા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને પછી કંબોડિયામાં બેઠેલી મુખ્ય ગેંગને મોકલી દેતા હતા.

દિલ્હીની પોલીસે ૧૦૦૦ કરોડના સાયબર ફ્રોડનું પગેરૃં શોધતાં શોધતાં ૭૦૦ લોકોને પકડયા છે, જેમાં બેંકનો કેટલોક સ્ટાફ પણ આવી ગયો. બેંકના સ્ટાફ પાસે દરેક એકાઉન્ટની વિગતો હોય છે. સાયબરમાં ફ્રેાડ કરનારાઓ પાસે બેંકખાતાંની આ વિગતો પહોંચી જાય છે. 

મૂલે એકાઉન્ટ ભાડે આપનારા જાણે- અજાણે ટ્રેપમાં ફસાય છે. તેમને ખબર નથી હોતી કે તેમના ખાતામાંથી લાખોની હેરાફેરી થઇ રહી છે. ડિજિટલ એરેસ્ટના કિસ્સામાં ફ્રોડ કરનારાઓ પોતાને સરકારી અધિકારી ગણાવીને નિર્દોષ માણસને ફોન પર ખખડાવે છે. તેમને નજીકની સ્ટેટ બેંક કે અન્ય શિડયુલ બેંકમાં પૈસા જમા કરાવવાનું કહે છે. મોટી અને નામાંકિત બેંકનું નામ સાંભળીને ટ્રેપમાં ફસાયેલી વ્યક્તિ પૈસા જમા કરાવવા તૈયાર થઇ જાય છે.

છેલ્લા કેટલાક સમયથી સિનિયર સિટીઝનોને વિશેષપણે ટાર્ગેટ બનાવવામાં આવે છે. જેમના ખાતામાં એક કરોડથી વધુ રકમનું બેલેન્સ હોય તેવા સિનિયર સિટીઝનોની યાદી સાયબર ગુનેગારો પાસે યેન કેન પ્રકારેણ  પહોંચી જાય છે. સાયબર ગુનેગારોને ડિજિટલ એરેસ્ટ કરવામાં ફાવટ આવી ગઇ છે. ગુજરાતમાં મૂલે એકાઉન્ટ્સ પર પસ્તાળ પડવાનું શરૂ થઈ ચુક્યું છે.