Get The App

કૃષિ-ઓટોમેટીવ કમ્પોનન્ટ માટે ભારત બાંધછોડ કરવા તૈયાર નથી

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
કૃષિ-ઓટોમેટીવ કમ્પોનન્ટ માટે ભારત બાંધછોડ કરવા તૈયાર નથી 1 - image


- દ્વિપક્ષીય વેપાર કરાર નિષ્ફળ જાય તેવી શક્યતા

- પ્રસંગપટ

- વિદેશના રોકાણકારોએ ઓગસ્ટના પહેલા પખવાડિયામાં 21,000 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા

અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર કરાર અટવાયેલા છે. કૃષિ અને ઓટોમેટીવ કમ્પોનન્ટ પર ભારત કોઇ બાંધછોડ કરવા તૈયાર નથી. અમેરિકા માટે પણ આ બંને મુદ્દા મહત્વના છે. અમેરિકા સાથેના દ્વિપક્ષીય કરાર બાબતે ભારત બહુ આશાસ્પદ હતું પરંતુ કૃષિના મુદ્દે મામલો અટવાયેલો છે. કૃષિ મુદ્દે ભારતને પોતાનો પક્ષ બહુ નક્કર રીતે રજૂ કર્યો છે.

દ્વીપક્ષીય કરાર માટે ભારત આવનારૃં અમેરિકી પ્રતિનિધિ મંડળ અચાનકજ મુલાકાત રદ કરી દે ત્યારે સમજી લેવાનું કે કરાર ફડચાની દિશામાં જઇ રહ્યા છે. ભારત અને અમેરિકા એમ બંને દેશોના બિઝનેસ સર્કલ મોટી આશા રાખીને બેઠા હતા પરંતુ ભારતે જે રીતે કૃષિનો અને ઓટોમેટીવ કમ્પોનન્ટનો મુદ્દો પકડી રાખ્યો હતો તે અમેરિકા માટે અસહ્ય બની ગયું હતું. અમેરિકા એમ માનતું હતું કે મહાસત્તાની રૂએ તે ધારે તે કરી શકશે પરંતુ તે એ ભૂલી ગયા હતા કે હવેનું ભારત કોઇની શેહ શરમમાં આવે તેમ નથી.

ભારતના આર્થિક તંત્ર પર ઝળુંબી રહેલા ટેરિફના કાળા ડીબાંગ વાદળો ધીરે ધીરે દુર થઇ રહ્યા હોય એમ લાગી રહ્યું છે. આર્થિક નિષ્ણાતોની એવી આગાહી હતી કે રશિયા પાસેથી ઓઇલ ખરીદીના વિવાદમાં ભારતનું આર્થિક તંત્ર લપસી પડશે પરંતુ એક તરફ ભારતે બિન્દાસ્ત રીતે ખરીદી ચાલુ રાખી હતી જેના કારણે અમેરિકાના પ્રમુખ વધુ ભૂંરાટા થયા હતા. પરંતુ રશિયાના વડા પુતીન સાથેની ટ્રમ્પની મુલાકાતમાં શું રંધાયું તેની તો ખબર નથી પડતી પરંતુ એવું રંધાયું છેકે જેના કારણે અમેરિકાના પ્રમુખ કૂણા પડતા જણાઇ રહ્યા છે.

ટેરિફના ડર વચ્ચે વિદેશના રોકાણકારોએ ૧૪ ઓગષ્ટે પુરા થતા પહેલા પખવાડીયામાં ૨૧,૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. હવે જ્યારે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ રાખી રહ્યું છે ત્યારે લોકો સમજી ગયા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કૂણા પડયા છે. ગયા શુક્રવારે જ્યારે અમેરિકાના ટ્રમ્પ અને રશિયાના પુતીન વચ્ચે બંધ બારણે બેઠક થયા પછી ટ્રમ્પે ટેરિફ બાબતે કોઇ વાત નથી કરી પરંતુ એવી વાત વહેતી થઇ હતીકે રશિયા પાસેથી કોઇ પણ દેશ ખરીદી કરી શકે છે. તેમાં ભારત પણ આવી જાય છે. વૈશ્વિક અહેવાલો અનુસાર રશિયાના પ્રમુખ પુતીને એમ કહ્યું હોવાનું મનાય છે કે ટેરિફના કારણે ભારત સાથેના સંબંધો વધુ વણસશે. ભારત તરફનો અણગમો અમેરિકાને ભારે પડી શકે છે કેમકે અમેરિકાની અનેક કંપનીઓના વેચાણ પર ભારત ફટકો મારી શકે છે. ટ્રમ્પના સલાહકારોએ કહ્યું છે કે ભારત જો અમેરિકાની ચીજોના બહિષ્કારનો આદેશ આપશે તો તે વધુ મુશ્કેલ બનશે. બે દિવસ અગાઉ વડાપ્રધાન મોદીએ સ્વદેશી ચીજોની ખરીદી પર ભાર મુક્યો હતો.

સ્વદેશી ચીજોની ખરીદી પર ભારતે ભાર મુક્યો છે પરંતુ તેનું અમલી કરણ થયું હોય એમ લાગતું નથી. ભારત ધારેતો એમેઝોન પરથી માલ ખરીદતા લોકોમાં દેશદાઝ જાગૃત કરીને આ ખરીદી પર બ્રેક મારવાની પહેલ કરી શકે છે. એમેઝોન જેવી જાયન્ટ કંપનીઓને વેચાણ પર ફટકો મારવાની જરૂર હતી. અમેરિકાની ટ્રેડ લોબી કહે છે કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદીને તેને આર્થિક લાભ કરી આપે છે. જેના પગલે રશિયા શસ્ત્રો ખરીદી શકે છે અને તેનો ઉપયોગ યુક્રેન સામેની વોરમાં કરે છે. 

અમેરિકામાં સ્થાનિક સ્તરે ડોનાલ્ડ ટ્રમ્પ સામેનો વિરોધ ભડકો બનીને બહાર આવે તે પહેલાં તેમને કૂણા બનવાની જરૂર છે એવી પણ ટ્રમ્પને સલાહ આપવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ કૂણા પડવાના કારણે  ભારતના શેરબજાર પર તેની પોઝિટીવ અસર જોવા મળી છે. જેના કરાણે ભારતના શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં રૂપિયો ૬ લાખ કરોડનો વધારો થયો હતો. સિક્કાની બીજી બાજુ એ પણ છે કે અમેરિકાએ ભારત પર લાદેલી ટેરિફનો નિર્ણય હજુ ડામાડોળ છે. અમેરિકાની ટ્રેડ લોબી કહે છે કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદીને તેને આર્થિક લાભ કરી આપે છે. 

ભારતમાં વડાપ્રધાનના સમર્થકો બહુ મોટા પાયે છે. તે લોકો એમેઝોન તેમજ તેના જેવી અન્ય ઇ કોમર્સ કંપનીઓનો બહિષ્કાર કરીને તેમને ગૂંગળાવી શકે છે. આ કંપનીઓનું ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રભુત્વ છે.જે ટ્રમ્પને ભારત સાથે સંબંધો નહીં બગાડવા સમજાવી શકે છે.

ભારતને ટેરિફના એપિસોડના કારણે મહાસત્તાઓ સાથે કેવી રીતે ડીલીંગ કરવું  તેની તક સાંપડી છે. ભારતનું અક્કડ વલણ અમેરિકાને અકળાવી રહ્યું છે.

Tags :