- ડોલો 650 લોકો કેડબરીની જેમ્સની જેમ ખાય છે
- પ્રેગનન્ટ કે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓે માટે પેરાસીટામાોલ જેવી દવાઓ જોખમી બની શકે છે
- પ્રસંગપટ
અમેરિકાના એક ડોક્ટરે ટિપ્પણી કરી છે કે ભારતીયો તાવ અને દુખાવા માટે ઉપયોગમાં લેવાતી ડોલો ૬૫૦ જેવી દવાઓ કેડબરી જેમ્સની જેમ ખાઇ રહ્યા છે. માત્ર ડોલો નહીં, પણ શરદી, પેટનો દુખાવો મટાડતી દવા, ઝાડા બંધ કરવાની દવા વગેરે સૌ કોઈના ઘરમાં જોવા મળે છે. મોટી ઓફિસોમાં રખાતી ઇમર્જન્સી કિટમાં પણ ઉપરોક્ત દવાઓ જોવા મળે છે. નાનાં મોટાં શહેરોના મેડિકલ સ્ટોર્સમાં વાઇરલ ઇન્ફેક્શનની માટે બે દિવસ ત્રણ ટાઇમ ચાલે એટલી દવાનું તૈયાર પેકેટ મળે છે. એલોપેથી દવાના આવાં પેકેટો લોકો ઇમર્જન્સીમાં કામ આવે તે રીતે ઘરમાં રાખતા હોય છે.
વિદેશમાં સામાન્ય તાવ કે દુખાવા માટેની દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોર્સમાં ઓવર-ઘ-કાઉન્ટર મળી શકતી નથી. ભારતમાં મોક્સ (એન્ટિબાયોટિક્સ અમોક્સિન ટ્રાયહાઇડ્રેડ) જેવી એન્ટિબાયોટિક્સ કેપ્સ્યુઅલ પણ મેડિકલ સ્ટોર્સમાં મળી આવે છે.
વિદેશ કે ધાર્મિક પ્રવાસે જનારાઓ મહિનાની દવાઓ સાથે લઇને જાય છે. એક સમયે લોકો મેલેરીયા જેવા ટાઢ સાથે આવતા તાવ માટે સુદર્શન ચૂરણ વાપરતા હતા, આજે તેઓ નીવાક્વીન વાપરતા થઈ ગયા છે. ભારતીયો પાસે સમય નથી. તેઓ ક્વિક એક્શનમાં માને છે. માથાના દુખાવા માટે કે પેટની બળતરા માટે તો સમાચાર માધ્યમો પર જાહેેરાતો આવે છે. લોકો તે જોઈ-વાંચીને મેડિકલ સ્ટોર્સ પર જઇને તે દવાઓ ખરીદી લે છે.
ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક રૂલ્સ ૧૯૪૫ હેઠળ કેટલીક શિડયુલ ડ્રગ મેડિકલ સ્ટોર પર ડેાક્ટરના પ્રિસ્ક્રિશન વગર વેચી શકાતી નથી. જોકે ભારતમાં કોઇ પણ શિડયુલની દવા ખરીદવા લોકોને કોઇ મુશ્કેલી પડતી નથી.
વિદેશમાં, ખાસ કરીને કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં નાગરિકો માટે મેડિકલ સુવિધાઓ મફત છે, પરંતુ અહીં તાત્કાલિક જરૂરિયાત માટે સવલતો બહુ કંટાળાજનક છે. આપણે ત્યાં કોઇ પણ હોસ્પિટલ ત્વરિત ઓપરેશન માટે તૈયાર હોય છે.
રોબોટિક સર્જરીમાં ભારત અગ્રેસર છે. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન જેવા શહેરમાં કિડની માટે રોબોટિક સર્જરી થતી નથી. એવું જ મેલબોર્નમાં છે, જ્યારે ભારતમાં વાઢકાપથી થતી સર્જરી હવે પછાત સિસ્ટમની યાદીમાં આવે છે. આપણે ત્યાં લગભગ દરેક પ્રકારનાં ઓપરેશન રોબોટિક સર્જરી હેઠળ થઇ રહ્યાં છે.
કેનેડામાં ઇમર્જન્સી ઓપરેશન માટે તારીખ આપવામાં આવે છે. ત્યાં સુધીમાં તો દર્દીનું રામનામ સત્ય થઈ જઇ શકે છે.
અમેરિકા જેવા સમૃદ્ધ દેશોમાં મેડિકલ સુવિધાના પૈસા એડવાન્સમાં કાપી નાખવામાં આવે છે, પરંતુ ઇમર્જન્સી મેડિકલ સર્વિસમાં ધાંધિયા જોવા મળે છે. તાવ આવવો કે માથું દુખવા જેવી સામાન્ય આરોગ્ય સમસ્યા માટે ડોક્ટરને મળીને તેમનું પ્રિસ્ક્રિપ્શન લેવું ફરજીયાત છે.
વિદેશમાં રહેતા અનેક ભારતીયો મેડિકલ સવલતો માટે ભારત આવે છે અને સારવાર કરાવીને જતા રહે છે.
પેરાસીટોમોલ જેવી દવાઓને વધુ પડતો ડોઝ આરોગ્ય માટે હાનિકારક છે. પ્રેગનન્ટ કે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓે માટે પેરાસીટામોલ જેવી દવાઓ જોખમી બની શકે છે. સેલ્ફ મેડિકામેન્ટ હેઠળ લોકો જાતે જ ડોક્ટર બની જાય છે, જેના કારણે કેટલીક વાર અમુક દવાઓનો તેઓ વ્યસની બની જાય છે. ડોલો ૬૫૦ એ પોરાસીટામોલનું બ્રાન્ડ નેમ છે.
ભારત મેડિકલ ટુરીઝમ માટેનું અગત્યનું સેન્ટર ભારત બની ગયું છે. નેચરોપેથી, યોગ થેરાપી, આયુર્વેદિક સારવાર, દાંત માટેની સારવાર, ઘૂંટણ- કિડની- પથરી વગેરેનાં ઓપરેશનની સારવાર માટે લોકો ભારત આવે છે. એનું દેખીતું કારણ એ છે કે ભારતની મેડિકલ સિસ્ટમ દર્દીતરફી છે તેમજ વિદેશની સરખામણીમાં સસ્તી છે.
વિદેશના ડોક્ટરો શરીરના ઓટોમેટિક હીલીંગમાં વધુ માને છે, પરંતુ સ્પીડના આ યુગમાં સૌ કોઈને સવાર પડે એટલે કામકાજ માટે દોડવાનું હોય. એટલે જ લોકો ડોક્ટર પાસે જવાને બદલે સીધા જ મેડિકલ સ્ટોરમાં જઇને જોઇતી દવાઓ ખરીદી લે છે.


