Get The App

આફતોના વરસાદનો હવે વિરામ સત્તાવાળાઓ સામે અનેક પડકારો

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
આફતોના વરસાદનો હવે વિરામ સત્તાવાળાઓ સામે અનેક પડકારો 1 - image

- વાદળ ફાટવાની આગાહી વિશે વિચારવું પડશે

- પ્રસંગપટ

- ધર્મસ્થળોએ જવા બનાવેલા 629 કિલોમીટર લાંબા માર્ગો પર ભેખડ ઘસી પડવાની 800થી વધુ ઘટનાઓ

૨૦૨૫માં વરસાદે જોખમ વરસાવીને ઘણી હોનારતો પેદા કરી. વરસાદના અતિરેકે માનવ જીવન છિન્નભિન્ન કરી નાખ્યું. ક્યાંક વાદળ ફાટયાં, ક્યાંક પૂર આવ્યું તો ક્યાંક ભેખડો ધસી પડી. અમુક વિસ્તારોમાં રોગચાળો ફેલાવવામાં વરસાદે મુખ્ય ભૂમિકા ભજવી.  

'વાદળ ફાટવા'નો સિલસિલો આ વરસે ધારાલીથી શરૂ થયો હતો જે છેક ગયા મંગળવારે દહેરાદૂનમાં બનેલી દુર્ઘટના સુધી ચાલતો રહ્યો છે. પર્વતીય વિસ્તારોમાં સર્જાયેલી ખાનાખરાબી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકાશનનો અંદાજ કાઢી શકાય એમ નથી. જ્યાં આખેઆખાં ગામ તણાઇ ગયાં હોય ત્યાં માનવજીવનનું કેવું બેહાલ હશેે તે કલ્પી શકાય છે. 

સરકારે વરસાદી આફતથી થયેલા નુકશાનને પહોંચી વળવા દરેક રાજ્યમાં જંગી બજેટ ફાળવવું પડશે. ગંગોત્રી જતા શ્રદ્ધાળુઓ માટે ધારાલી હોટલમાં રહેવાનું છેલ્લું સ્પોટ હતું. આ કારણે અહીં બિલાડીના ટોપની જેમ હોટલો ઊભી કરી દવામાં આવી હતી. પર્વતીય વિસ્તારોમાં ખીણની સાવ ધાર પાસે ઊભા થઈ ગયેલાં મોટાં મકાનો કેટલું વજન ઉપાડી શકશે તેની સત્તાવાળાઓેે સહેજે દરકાર કરી નહોતી. 

પર્વતીય ન હોય તેવા વિસ્તારો પર વરસાદની ઝપટમાં આવી ગયા છે. પંજાબનાં અનેક નગરોમાં પૈસાપાત્ર લોકો સેવાકેન્દ્રોનો સહારો લઇને લગભગ એક અઠવાડીયાથી ખીચડી-શાક ખાઇ રહ્યા છે. નોઈડાના સૌથી પોશ વિસ્તારમાં લોકોને પીવાના પાણીના ફાંફાં પડી ગયા હતા. કુદરતી હોનારત સમાજના દરેક વર્ગને એક પંગતમાં બેસાડી દે છે. પાણીના ધસમસતા પ્રવાહમાં ભલભલાનો અહમ્ ખેંચાઈ જાય છે. 

બનાસકાંઠાના સૂઈ ગામ સહિતના પૂરગ્રસ્ત વિસ્તારમાં ઘણી ખાનાખરાબી થઈ. કેટલાંય ગાય, ભેંસ, કૂતરા મોતને ભેટયાં. માનવ-બચાવ માટે તંત્ર સાબદું હતું, પરંતુ પાણીમાં ડૂબવાના કારણે અબોલ જીવોના તો આંખના ડોળા બહાર નીકળી ગયા હતા.  

સરકારે અમુક મુદ્દે નવેસરથી વિચારવાની જરૂર છે, જેમ કે- 

૧. તમામ પ્રકારનું હવામાન એેટલે કે સખતે ગરમી અને વરસાદનો સામનો કરી શકે તેવા માર્ગો તૈયાર કરવા. સખત ગરમીમાં રોડનો ડામર પીગળી જવાથી  ખાડા પડે છે, તો વરસાદમાં પાણી ભરાતાં ખાડા પડે છે.

૨. પર્વતીય વિસ્તારોમાં નવા રોડ જોખમી બન્યા છે. કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી જવા માટે બનાવેલા ૬૨૯ કિલોમીટરના માર્ગ પર ભેખડ ધસી પડવાની સૌથી વધુ ૮૦૦ કરતાંય અધિક નાનીમોટી ઘટનાઓ બની છે.

૩. કેટલાક રોડ જંગલો કાપીને બનાવાય છે. તેનું તાત્કાલીક કોઇ નેગેટીવ પરિણામ જોવા નથી મળતું, પરંતુ વરસાદી સિઝનમાં આવા રોડ ધોવાઇ જાય છે. 

૪. વિકાસનાં કામો વખતે રોડ પરની માટી નદીમાં નાખી દેવાય છે. પૂર દરમ્યાન ધસમસતા પાણીની સાથે આ માટી પણ ગામ પર ફરી વળે છે.

 ઉપરોક્ત સ્થિતિ પર્વતીય વિસ્તારોની છે, જ્યાં આખે આખા ગામ ધોવાઇ ગયા છે. શહેરોમાં તળાવો પૂરી દેવાં તેમજ વસતી અનુસાર ગટર લાઇનની વ્યવસ્થા ન કરવી, નવી વસાહતો ઊભી કરતી વખતે વૃક્ષોનું નિકંદન કાઢી નાખવું વગેરે સામાન્ય બની ગયું છે. 

નદીકિનારાના વિસ્તારો પરનાં બાંધકામો અને દબાણો સામે આંખ બંધ કરીને બેસી રહેતા સત્તાવાળાઓે માટે ૨૦૨૫નો વરસાદ અનેક પડકારો લઇને આવ્યો. વરસાદે લગભગ અલવિદા કહી દેતાં સત્તાવાળાઆએેે હવે હાશકારો અનુભવ્યો છે. સેવાભાવી સંગઠનો હવે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય વિસ્તરણ કરી શકશે. સરકારી એજન્સીઓ નુકશાનનો અંદાજ મેળવી શકશે. જોકે જમીનદોસ્ત થયેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરોને ફરી ઊભાં કરવામાં કદાચ ૨૦૨૬ની વરસાદની સિઝન ફરી અંતરાય પેદા કરશે. 

આપણે જેને 'વાદળાં ફાટયાં' કહીએ છીએ તેવી વિનાશક સ્થિતિનો સામનો કરવાનું તેમજ તે વિશેની સચોટ આગાહી માટેની નક્કર વ્યવસ્થા વિકસાવવી પડશે. વરસાદી આફતોનો સામનો કેવી રીતે કરવો તે માટે નવેસરથી વિચારવાનો સમય આવી ગયો છે.