Get The App

સત્તાના સોનેરી સપનાનો મહેલ તૂટતાં તેજસ્વી યાદવ ધૂંઆપૂંઆ

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
સત્તાના સોનેરી સપનાનો મહેલ તૂટતાં તેજસ્વી યાદવ ધૂંઆપૂંઆ 1 - image

- પિતાને કિડની આપનાર બહેનને ચંપલ માર્યું

- પ્રસંગપટ

- હાર પચાવવી બહુ અધરી છેઃ સંજય યાદવ અને રમીઝ, તેજસ્વીને ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ

- સંજય યાદવ, રોહિણી અને રમીઝ

હાર બહુ કડવી હોય છે. મુખ્યપ્રધાન બનવાની તૈયારી કરીને બઠેલા લાલુપ્રસાદ યાદવના સુપુત્ર તેજસ્વી યાદવ સામે હાર આવીને ઊભી રહી એટલે એમના ઉશ્કેરાટનો પાર નથી. હારના આઘાતથી તેજસ્વીનું તેજ હણાઇ ગયું છે. તેજસ્વી પિતાની જેમ મુખ્ય પ્રધાનની ખુરસી પર આસનસ્થ થવા માગતા હતા. જોકે ચૂંટણી દરમ્યાન એ ભાઈ તેજપ્રતાપ  સાથે બાખડી પડયા હતા. તેજસ્વી પોતાની બેઠક માંડ બચાવી શક્યા છે, જ્યારે તેજપ્રતાપના ફાળે તો હાર જ આવી છે. 

લાલુપુત્ર તેજપ્રતાપ ચૂંટણી પ્રચાર દરમ્યાન ઘર છોડી ગયો હતો, જ્યારે ચૂંટણી પછી તેમની ચાર પુત્રીઓએ ઘર છોડયુ ંહતું. બિહારનાં પરિણામો પછી ૪૬ વર્ષની રોહિણીએ રડતાં રડતાં ઘર છોડયું, જ્યારે બાકીની ત્રણ બહેનો ઘરમાં કંકાસ જોયા પણ પટણા છોેડીને દિલ્હીમાં પોતપોતાના ઘરભેગી થઇ ગઇ હતી.   રોેહિણીની ત્રણ બહેનો એટલે રાજલક્ષ્મી, રાગિણી અને ચંદા. 

રોહિણીએ પોતાની કિડની પિતા લાલુપ્રસાદને આપીને પુત્રી તરીકેની ફરજ બજાવી હતી. એનું અપમાન એમ કહીને કરવામાં આવ્યું હતું કે કે કિડનીના બદલામાં કરોડો રૂપિયા લેવાયા છે, વારંવાર કિડનીદાન-કિડનીદાનનું રટણ કરવાની શી જરૂર છે? કિડનીદાન કરીને તેં શું ધાડ મારી છે? 

હાર બાદ રાજકીય પરિવારોમાં કકળાટ થાય છે. દેવગૌડા પરિવાર હોય કે લાલુપરિવાર હોય, કોઈને સત્તાથી ઓછું કશું ફાવતું નથી. માત્ર ગાંધી પરિવાર એવો છે કે જે વાંરવાર હારનો સામનો કરે છે છતાં  તેઓ આંતરિક કલહથી દૂર રહે છે, અથવા કહો કે, જનતાની નજરમાં તે કદી આવતો નથી.  

અહેવાલો અનુસાર રોહિણીએ તેજસ્વી યાદવની તેના ઘરમાં જ ટીકા કરી ત્યારે તેજસ્વી યાદવે 'તું ચૂપ રહે' કહીને પોતાનુંે સ્લીપર ઊગામ્યું હતું. કેટલાક અહેવાલો કહે છે કે રોહિણી પર ચંપલથી પ્રહાર કર્યો હતો. પિતાને કિડની આપીને બચાવનાર બહેન પોતાના પોતાના પિયરમાં જ ચંપલથી મારવાની ધમકી સહન કરી શકી નહીં ને એણે ઘર છોડી દીધું હતું.

તેજસ્વી યાદવ જીતી જાત અને મુખ્યપ્રધાન બનવાના શપથ લેત તો  ઘર છોડવા કોઇ તૈયાર ન થાત. મુખ્ય પ્રધાનના કુટુંબીઓને શાહી સવલતો ભોગવવા મળતી હોય છે.  રોહિણીનો સીધો જ આક્ષેપ છે કે તેજસ્વી યાદવને હરાવનારા કુટુંબ બહારની બે વ્યક્તિઓ છે. એક છે, સંજય યાદવ અને બીજો છે રમીઝ નેમત ખાન. આક્ષેપ એવો છે કે આ બંને નામો યાદવ પરિવારમાં ઝગડા કરાવે છે અને તેજસ્વીને ગેરમાર્ગે દોરે છે. આ બંને ખરેખર તો તેજસ્વીના વફાદારો ગણાય છે. 

તેજસ્વીએ બહેન રોહિણીને ક્રોધપૂર્વક કહ્યું હતું કે મારી હાર માટે તું જ જવાબદાર છે, તારી હાય મને લાગી છે માટે હું હારી ગયો છું... એમ કહીને બહેન સામે ચંપલ ફેંક્યું હતું.  ત્રસ્ત રોહિણીએ માત્ર ઘર નથી છોડયું, એણે રાજકારણ પણ છોડી દીધું છે. રોહિણીએ કહ્યું છે કે  એક પુત્રી, એક બહેન, એક માતા અને એક પરિણીત મહિલાનું અપમાન થયું છે.  રોહિણીએ સોશિયલ નેટવર્ક પર લખ્યું હતું કે મારી સામે ચંપલ ફેંકાયું હતું તે વાત સાચી, પણ તે કોણે ફેંક્યું હતું તેની મને ખબર નથી. 

યાદવ પરિવારમાં ઝગડા કરાવનાર તરીકે રમીઝનું નામ લેવાય છે, જે  સમાજવાદી પક્ષના નેતા અને ભૂતપૂર્વ સાંસદ રિઝવાન ઝહીરનો બનેવી છે. રિઝવાન ઝહીર  તેની સામે હત્યાના આરોપ ઉપરાંત ગુનાખોરીના ૧૨કેસ  ચાલે છે. રોહિણીએ  સોશિયલ નેટવર્ક પર લખ્યું છે કે સંજય યાદવ અને રમીઝે મને રાજકારણ છોડવાનું કહ્યું હતું. આ જોડી જે કહે છે તે જ તેજસ્વી કરે છે. લાલુ પ્રસાદ યાદવના ઘરની વાતોમાં પણ આ જોડી ચંચુપાત કરતી હોય તો ઘરના સભ્યો સ્વાભાવિક રીતે વિરોધ કરે જ. સંજય યાદવ પણ સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ મારફતે તેજસ્વીની નજીકમાં આવ્યા હતા અને છવાઇ ગયા હતા. 

લોકો હવે જાણી ચૂક્યા છે કે તેજસ્વીમાં હાર પચાવી શકવાની તાકાત નથી. તેમણે બનાવેલો સપનાંનો મહેલ પત્તાની જેમ તૂટી ગયો છે. આવનારા દિવસો તેજસ્વી માટે બહુ કપરા હશે. તેજસ્વી યાદવ સામે જમીન કૌભાંડ સહિતના કેસ ચાલે છે, જેને હવે ગતિ મળશે.