ડેટીંગ એપ ખલનાયક બની વિકૃત માનસને પોષતું દૂષણ
- ડેટીંગ એપ્સ ઓનલાઇન વ્યભિચાર કરવાનું આમંત્રણ આપે છે
- પ્રસંગપટ
- નેટફિલક્સની 'ટિન્ડર સ્વિન્ડલર' ડોક્યુમેન્ટરીમાં ઓનલાઇન ડેટીંંગની જોખમી બાજુ બતાવાઇ છે
અફતાબ પૂનાવાલા વિલન બની ગયો છે. પોતાની પ્રેમિકા શ્રદ્ધાના ૩૫ ટુકડા કરીને હત્યા કરનાર અફતાબ પૂનાવાલા પર દેશમાં થૂ થૂ થઇ રહ્યું છે. કહે છે કે આ ઘૃણાસ્પદ કેસનો એક ખલનાયક એક ડેટીંગ એપ પણ છે. દિલ્હીની પોલીસ અફતાબની પ્રોફાઇલ ડેટીંગ એપ બમ્બલ પરથી મેળવશે. ડેટીંગ એપ્સ અને વેબસાઇબ્સ ઓનલાઇન વ્યભિચાર કરવાનું આમંત્રણ આપે છે. આવી એપ્સ સેક્સ અને સહવાસ માટેના પાર્ટનર શોધી આપે છે. ડિજિટલ બની રહેલા ભારતમાં આવી એપની એન્ટ્રી ૨૦૧૪માં થઇ હતી. ઇન્ટરનેટ સાથે આવેલાં આ પણ એક દૂષણ છે, જેનું વ્યસન ભારતના હજારો લોકોને લાગ્યું છે. લોકો તેની પાછળ કલાકો બગાડે છે અને પૈસાનો ધૂમાડો કરે છે.
બમ્બલ, ટિન્ડર જેવી મોબાઇલ ડેટીંગ એપ્લિકેશન પર લોકો કલાકો બેસી રહે છે અને પોતાનું ગમતું પાત્ર શોધ્યા કરે છે. ડેટીંગ સાઇટ, મેટ્રીમોનિયલ સાઇટ અને ઇરોટીક સાઇટ વગેરે એક જ વેવલેન્થ પર ડેવલપ થઈ છે. દરેકમાં ખોટી પ્રોફાઇલ મુકનારાઓનો રાફડો ફાટયો હોય છે. તેમાં રજીસ્ટ્રેશન મફત હોય છે અને અમુક સાઇટ પર કોઇનો સંપર્ક કરવાની વાત આવે ત્યારે પૈસા જમા કરાવવા પડે છે.
અફતાબે ડેટીંગ એપ્લિકેશન બમ્બલ મારફતે અન્ય યુવતીઓ સાથે પણ સંપર્ક કર્યો હશે એમ મનાય છે. કહે છે કે શ્રદ્ધાના બોડી પાર્ટ ઘરના ફ્રિજમાં પડયા હતા ત્યારે પણ બમ્બલ પર સંપર્કમાં આવેલી યુવતીઓ તેને મળવા આવી હતી. અફતાબને ડેટીંગ એપ્લિકેશનોનો નશો હતો.
સાવ અજાણી વ્યક્તિઓ સાથે સેક્સના સંબંધોે ગોેઠવી આપતી ડેટીંગ સાઇટોમાં કોઇ પોતાની સાચી ઓળખ આપતુંં નથી. આવી સાઇટો એવા ખુલાસા કરે છે કે અમે અજાણ્યા લોકો સાથે સેક્સના સંબંધોેને કોઇ પ્રોત્સાહન નથી આપતા. અજાણ્યા સાથે સંબંધો રાખતી વખતે ચેતતા રહેવું જોઇએ જેવી સુફિયાણી વાતો શરૂઆતના એગ્રીમેન્ટમાં કહેવાય છે. આ સાઇટ પર અલગ ચેટ રૂમની વ્યવસ્થા હોય છે.
ડેટીંગ એ આપણી સંસ્કૃતિનો વિષય નથી. કામચલાઉ ફ્રેન્ડશીપ, વન-નાઇટ- સ્ટેન્ડ વગેરે વિકૃતિ ફેલાવતી પ્રવૃત્તિઓછે. લોકો મેટ્રિમોનિયલ સાઇટ પર ખોટા પ્રોફાઇલ અને ફોટા મૂકીને છેતરવાનો ધંધો કરે છે. શરૂઆતમાં એમ મનાતું હતું કે લોકો કેવળ જીજ્ઞાાસા સંતોષવા ડેટીંગ સાઇટ પર જાય છે, પરંતુ હકીકત એ છે કે મોટા ભાગના લોકો ઓનલાઇન સેક્સ પાર્ટનર શોધવા ફાંફા મારતા હોય છે.
જ્યારે ફ્રેન્ડ યા તો પાર્ટનરને શોધવા માટે સર્ચ કરાય છે બન્ને બાજુની વ્યક્તિઓએ પોતાના વિશે ખોટી વિગતો આપી હોય તેવા ચાન્સ પૂરેપૂરા હોય છે. કાગળ ઉપર તો ડેટીંગ એપ્લિકેશનનો મૂળ આશય દોસ્તી, પ્રેમસંબંધ અને ઇવન લગ્ન માટે જેન્યુઇન વ્યક્તિ શોધવાનો હતો, પણ આ સાઇટ્સ અને એપ્સ સેક્સ એન્જોય કરવા માટેના પાર્ટનર શોધવાનું તે પ્લેટફોર્મ બની ગયાં છે. ડેટીંગ દર વખતે, દરેક માટે ખરાબ જ હોય તે જરુરી નથી, પરંતુ ડેટીંગ એપ્સ ડિઝાઇન કરનારા બરાબર જાણતા હોય છે કે માણસની નજર આખરે તો સેકસ જ શોધતી હોય છે. તે માટે તગડો ચાર્જ ચૂકવવા પણ તેઓ તૈયાર હોય છે. ડેટીંગ એપ્સ લપસણી હોય છે. સર્ચ કરનારા તેમાં ઊંડા ખૂંપતા જાય છે. લોકો ડેટીંંગ એપ્સ પર કેવી સર્ચ કરે છે તેનો સર્વે પણ થયેલો છે, જેના પરથી જાણવા મળ્યું છે કે પ્રૌઢ લોકો યુવાન વયની યુવતી શોધતા હોય છે અને યુવાનો વિધવા મહિલો કે મોટી ઉંમર સુધી સિંગલ રહી ગયેલી સ્ત્રીઓ શોધતા હોય છે.
એક માન્યતા એવી છે કે લાઇફ પાર્ટનર શોધવા માટે ડેટીંંગ સાઇટ બેસ્ટ છે, કેમ કે મેટ્રીમોનિયલ સાઇટ કરતાં અહીં વધુ બ્રોડમાઇન્ડેડ લોકો આવે છે. સેકન્ડ ટાઇમના મેરેજ ઇચ્છતા લોકો માટે આવી સાઇટો ઉપયોગી બને છે, પરંતુ આ એપ્સ કે સાઇટ્સ સેકસના વ્યસન માટેનું આસાન માધ્યમ બની શકે છે. માણસ સતત સાથી શોધતો ફરે છે. ઓનલાઇન ડેટીંગ માણસની માનસિક વિકૃતિ સંતોષે છે. અજાણી વ્યક્તિ સાથે સેક્સ માણવામાં માણસ વધારે કમ્ફર્ટેબલ હોય છે. ઘણીવાર આ એપ્સથી ખરેખર સારી મૈત્રીઓ પણ થતી હોય છે, પણ પરંતુ સમગ્રપણે આ એપ્સને કેન્દ્રમાં સેક્સના સંબંધો હોય છે.
નેટફિલક્સ પરની ડોક્યુમેન્ટરી 'ટિન્ડર સ્વિન્ડલર'માં ઓનલાઇન ડેટીંગની કાળી બાજુ બતાવાઇ છે. અફતાબ જેવાઓ ડેટીંગ એપ્સનો લાભ ઉઠાવીને પોતાની મેલી મુરાદને અંજામ આપે છે.