મુખડા દેખ દર્પણ મેં : ભારતનું સેન્સર બોર્ડના અભિગમ કેમેય સમજાતા નથી
- 'સુપરમેન' ફિલ્મનો એક કિસીંગ સીનને કાપી નખાયો
- પ્રસંગપટ
- અમેરિકનો છંછેડાયા : વિવાદ વધ્યો, ભારત હજુય જાણે 18મી સદીમાં જીવતું હોય એમ લાગે છે
પહેલા ચાર દિવસમાં વિશ્વમાં ૨૦૦ મિલિયન ડોલર અને ભારતમાં ચાર મિલિયન ડોલરની કમાણી કરનાર 'સુપરમેન' ફિલ્મની સફળતાની વાત અહીં નથી કરવી, પરંતુ ભારતના સેન્સર બોર્ડે જેમ્સ ગને ડિરેક્ટ કરેલી આ હોલિવુડની ફિલ્મનો એક કિસીંગ સીન કાપી નાખવાથી જે વિવાદ ઊભો થયો છે તેના વિશે ચર્ચા કરવી છે. આ ફિલ્મમાં સુપરમેન અને નાયિકા એકમેકને ચુંબન કરે છે, જે ૩૩ સેકન્ડ સુધી ચાલે છે. સેન્સર બોર્ડને લાગ્યું કે ભારતીય ઓડિયન્સ માટે આટલું લાંબું ચુંબન દ્રશ્ય 'વધારે પડતું' છે.
આ એ જ સેન્સર બોર્ડ છે, જે હિન્દી અને અન્ય ભાષાઓમાં બનતી ફિલ્મો - કે જેમાં એકાધિક કામુક દ્રશ્યો, કામુક હરકતો અને દ્વિઅર્થી સંવાદો ઠાંસી ઠાંસીને ભરેલાં હોય છે - તેને આંખ મીંચીને સેન્સર સર્ટિફિકેટ આપી દે છે, પણ હોલિવુડના સુપરમેનની પ્રેમચેષ્ટા સામે તેને વાંધો પડી જાય છે.
સીબીએફસી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન)એ મુખડા દેખ દર્પણ મેં જેવો પરિસ્થિતિ સર્જી છે. ભારતીય ફિલ્મોેમાં દાયકાઓથી છૂટથી વિવિધ રીતે સેક્સ પીરસાતું આવ્યું છે. ફિલ્મો વધુ કમાણી કરે એટલા ખાતર સેક્સી આઇટમ સોંગ ભભરાવવામાં આવે છે. એ વાત અલગ છે કે આ બધા તરીકાઓ હાથવગા હોવા છતાં બોલિવુડ દર્શકોને મોટા પાયે થિયેટર તરફ ખેંચી લાવવામાં લાંબા સમયથી નિષ્ફળ જઈ રહ્યું છે.
સિનેમાના માધ્યમ પર સતત આક્ષેપ થતો આવ્યો છે કે સમાજનાં કેટલાંય દૂષણો તેને કારણે વકર્યાં છે. ધૂમ્રપાન અને શરાબ, સ્ત્રીઓની છેડતી, ગાળાગાળી, પ્રેમના નામે કામુકતા ઇત્યાદિને ફિલ્મો ગ્લેમરાઇઝ તથા નોર્મલાઇઝ કરે છે. ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના નામે કેટલીય ફિલ્મોમાં સામાજિક પરંપરાઓની ઠેકડી ઉડાવવામાં આવે છે, લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવાં દ્રશ્યો મૂકવામાં આવે છે. આવી તો કેટલીય સામગ્રીને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન બિન્દાસ લીલી ઝંડી દેખાડી દે છે. આ મામલે સેન્સર બોર્ડ વર્ષોથી બદનામ છે.
સેન્સર બોર્ડની નીતિ ખરેખર અતિવિચિત્ર અને અણધારી છે. 'વીરે દી વેડિંગ' નામની ફિલ્મમાં અભિનેત્રી સ્વરા ભાસ્કરને વાઇબ્રેટરનો ઉપયોગ કરતાં બતાવાઇ હતી. પહેલી વાર કોઈ મેઇનસ્ટ્રીમ હિન્દી ફિલ્મમાં આ પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું હતું. ભારતનું સેન્સર બોર્ડ ખુદને 'પ્રગતિશીલ અને આધુનિક' પૂરવાર કરવા માટે આ પ્રકારનાં દ્રશ્યો પર કાતર ફેરવતું નથી. તેથી જ બોલિવુડની ફિલ્મમાં સેક્સી સીન્સ સામાન્ય બની ગયા છે.
૧૯૮૦ના દાયકાના પ્રારંભિક વર્ષો સુધી ફિલ્મમેકરો બોલ્ડ રોમેન્ટિક સીન આપતાં ડરતા હતા, પણ ધીમે ધીમે આ ડર ઘટતો ગયો. ૧૯૮૮માં આવેલી ફિરોઝ ખાનની 'દયાવાન' ફિલ્મમાં વિનોદ ખન્ના અને માધુરી દીક્ષિતનું લાંબું ચુંબન દ્રશ્ય જોઈને ઓડિયન્સ ચકિત થઈ ગયું હતું. ૧૯૯૦ના દાયકામાં ફિલ્મમેકરોની હિંમત ખુલતી ગઈ અને ૨૦૦૦ના દાયકામાં તો 'મર્ડર' અને 'ખ્વાહિશ' જેવી ફિલ્મોએ બોલ્ડ દ્રશ્યો લગભગ મેઇનસ્ટ્રીમ બનાવી નાખ્યાં. ઇમરાન હાશ્મિને 'સિરીયલ કિસર'નું બિરુદ મળ્યું. ૨૦૧૩માં આવેલી 'થ્રી-જી' ફિલ્મમાં ૩૦ કિસીંગ સીન આપીને એણે રેકોર્ડ કર્યો હતો. છેલ્લાં વીસ-પચ્ચીસ વર્ષોમાં બોલ્ડ-રોમેન્ટિક દ્રશ્યો ધરાવતી આવી તો કંઈકેટલીય ફિલ્મો આવી ગઈ.
વાત પછી તો હીરો-હિરોઇન વચ્ચે થતાં ચુંબનો કરતાંય આગળ વધી ગઈ. શબાના આઝમી-નંદિતા દાસે તો છેક ૧૯૯૮માં લેસ્બિનીઝમની થીમ ધરાવતી 'ફાયર' ફિલ્મમાં રોમેન્ટિક દ્રશ્યો આપ્યાં હતાં. બોલિવુડની ફિલ્મોમાં હોમોસેક્યુઅલ થીમ અને પાત્રો ધરાવતી ફિલ્મોમાં ટોપ એક્ટર્સ સુધ્ધાં બિન્ધાસ્તપણે કામ કરે છે. અરે, ભારતમાં રિલીઝ થયેલી હોલિવુડની કેટલીય ફિલ્મોમાં બોલ્ડ દ્રશ્યો દર્શકો વર્ષોથી જોતાં આવ્યા છે. આ સઘળું સેન્સર બોર્ડને સ્વીકાર્ય છે, પણ જો અમેરિકાનો સુપરમેન હિરોઈનને સહેજ પણ ભદ્દી ન લાગે તે રીતે કિસ કરે તો સેન્સર બોર્ડને તકલીફ થઈ જાય છે.
ઓટીટીના જમાનામાં સ્ક્રીન પર દર્શાવાતી નગ્નતા સામે કોઈ સીમારેખા જ રહી નથી ત્યારે સેન્સર બોર્ડે 'સુપરમેન'ના કિસ્સામાં રજૂ કરેલી દલીલ ભારતના ઓડિયન્સને પણ કેમેય કરીને ગળે ઉતરી નથી.