Get The App

ક્રિપ્ટો કરન્સીના ભારતમાં પ્રવેશ માટે લોબીઈંગ કરનારાઓની ચાલ

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
ક્રિપ્ટો કરન્સીના ભારતમાં પ્રવેશ માટે લોબીઈંગ કરનારાઓની ચાલ 1 - image

- સરકારની નજરે  ક્રિપ્ટો એ મની લોન્ડરીંગનું હથિયાર છે

- પ્રસંગપટ

- રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરે પણ કહ્યું છે કે ક્રિપ્ટો કરન્સીના વહિવટને ગેમ્બલીંગ સાથે સરખાવી શકાય 

ક્રિપ્ટો કરન્સી માટે ભારત સરકાર ગમે એટલો નનૈયો ભણે, પણ ક્રિપ્ટોમાં રોકાણ કરનારા અને તેની સાથે ડીલીંગ કરનારાઓ નાહિંમત થતા નથી. ક્રિપ્ટો પ્રોફિટ પર ૩૦ ટકાનો ટેક્સ લાગતો હોવા છતાં રોકાણકારોમાં રસનો વિષય બની રહ્યો છે. બિટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સી ભારતમાં વેચી-ખરીદી શકાય છે, પણ તેને અધિકૃત, કાનૂની માન્યતા મળી નથી. 

તાજેતરમાં રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરે પણ કહ્યું છે કે ક્રિપ્ટો કરન્સીના વહિવટને ગેમ્બલીંગ સાથે સરખાવી શકાય. તેમણે એમ પણ કહ્યું છે કે જે કરન્સીને રિઝર્વ બેંકની માન્યતા નથી મળી તેમાં રોકાણ કરનારાને કોઇ કાયદાકીય રક્ષણ મળવાનું નથી.

એક એવી હવા ઉભી કરાઇ રહી છેકે નાણાંપ્રધાન નિર્મલા સીતારામન એકલાં એવી વ્યક્તિ છે કે જે ક્રિપ્ટો કરન્સીના ભારતમાં પ્રવેશને રોકી રહી છે. નિર્મલા એકલા કશું કરી શકે એમ નથી એવું સૌ જાણતા હોવા છતાં તેમનું નામ આગળ કરવામાં આવી રહ્યું છે. હકીકત એ છે કે મોદી સરકાર શરૂઆતથીજ ક્રિપ્ટોે કરન્સીને મની લોન્ડરીંગનું હથિયાર સમજતી આવી છે. દેશમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે  મળતી આર્થિક સહાયમાં પણ તેનો ભરપૂર ઉપયોગ થાય છે. ક્રિપ્ટો કરન્સીને માન્ય કરવાની વાત આવી હતી ત્યારેે મોદી સરકારે તેને પહેલા ધડાકે જ ફગાવી દીધી હતી.

ભારતમાં ક્રિપ્ટો કરન્સીની માન્યતા માટે આપવા માટેની દરખાસ્ત પહેલાં કેબિનેટમાં જાય, પછી ઓેપિનિયન માટેના ટેબલ પર મુકાય, પછી તેને રિઝર્વ બેંક પાસે મોકલવામાં આવે અને આ જો આ તમામ કોઠા ભેદાય તો જ તેને મંજૂરી મળશે. ક્રિપ્ટો કરન્સીને નાણાંપ્રધાન શરૂઆતથી જ અવગણી રહ્યા છે.

કોણ જાણે કેમ પણ જે કરન્સીને ભારતમાં માન્યતા નથી મળી તેમાં રોકાણ કરવા ભારતના લોકો તૈયાર હોય તે દર્શાવે છે કે લોકોને ગેરકાયદે રોકાણો કરવામાં વધુ રસ છે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓ સામાન્યપણે હાઇ નેટવર્થ ધરાવતા લોકો હોય છે. મધ્યમવર્ગને ક્રિપ્ટો કરન્સી સાથે કોઇ લેવાદેવા નથી એમ કહી શકાય. મધ્યમવર્ગ તો બેંકમાં રાખેલા પૈસાને જ સલામત ગણે છે. બહુ બહુ તો તેઓ શેર કે મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરશે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ આમેય તેમના વર્તુળ બહારની વસ્તુ છે. 

 એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટે (ED) ઉદયપુરના એક ભવ્ય લગ્નમાં થયેલા લખલૂટ ખર્ચા પર રેડ પાડી ત્યારે ૩૩૧ કરોડના હવાલા પકડાયા હતા, જેમાં ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. બે-નંબરી વ્યવહારનો આખો ટ્રેક શોધતાં અધિકારીઓને છ મહિનાનો સમય લાગ્યો હતો. નાણું રોકવા કરવા માટે  એક ડ્રાઇવરનું એકાઉન્ટ વપરાયું હતું.  

લગ્નમાં માટે ખરીદાયેલાં સોનાચાંદીનાં ઘરેણાં પાછળનો ખર્ચ ક્રિપ્ટો કરન્સી મારફતે ચૂકવાયા હતા. તેના લીધે બે-નંબરી નાણાનો ટ્રેક પકડી શકાતો નહોતો. 

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ક્રિપ્ટો કરન્સી માટે લોબીઈંગ કરનારા વિવિધ વિષયો ઊભા કરીને લોકોને ક્રિપ્ટોનું મહત્ત્વ સમજાવી રહ્યા છે. તેમણે એવા અહેવાલ ફરતા કર્યા છે કે ભારતના યુવાનો ક્રિપ્ટો કરન્સીમાં પૈસા રોકી રહ્યા છે. ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ છે તે વાતથી અજાણ એવા કેટલાક યુવાનો કદાચ તે માર્ગે વળ્યા હોઈ શકે. કેટલાય દેશોમાં ક્રિપ્ટો કરન્સી ચાલે છે, પરંતુ ભારતે તેમનું અનુકરણ કર્યું નથી તે પ્રશંસનીય બાબત છે. 

કેટલીક મની લોન્ડરીંગની ઘટનાઓ તેમજ નાણાની બે-નંબરી હેરાફેરીમાં ક્રિપ્ટોના રૂટ પકડાતાં સરકાર વધુ કડક બની હતી અને ક્રિપ્ટો કરન્સીને ભારતની બહાર રાખવાના નિર્ણયમાં મક્કમ રહી હતી. ભારત જ્યારે વિશ્વમાં ચોથા નંબરનું અર્થતંત્ર બની ગયું છે અને હવે ત્રીજા નંબર પર પહોંચવા પ્રયાસ કરી રહ્યું છેે, પણ સરકારે ક્યારેય ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપવા વિચાર્યું નથી. 

અમેરિકાના પ્રમુખ પદે ફરી વાર ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી ક્રિપ્ટો કરન્સીને ભારતમાં લાવવા મથતી લોબી તાનમાં આવી ગઇ હતી. તેમને હતું કે ટ્રમ્પ ભારત પર પ્રભુત્વ ઉભું કરશે અને ક્રિપ્ટો કરન્સીને ભારતમાં શરૂ થવાની તક ઊભી થશે, પણ ટ્રમ્પની ટેરિફ વોરને કારણે  બંને દેશો વચ્ચેનો સંબંધો નબળા પડયા ને ક્રિપ્ટોના ભારત પ્રવેશની શક્યતા ધૂંધળી બની ગઇ.

ક્રિપ્ટો કરન્સીનું ભાવિ ભારતમાં ઉજળું નથી છતાં ભારતમાં ક્રિપ્ટો એક્સચેન્જ ખુલેલાં છે. સસ્તામાં ક્રિપ્ટો વેચવાનું કહીને લોકોને છેતરનારા તેમની દુકાન ચલાવી રહ્યા છે. ભારતમાં ક્રિપ્ટો કરન્સીના વપરાશની શક્યતા નહીવત્ છે, પરંતુ ક્રિપ્ટો માટે લોબીંઇંગ કરનારાઓ લોકોની લાલચનો લાભ ઉઠાવી રહ્યા છે.

Tags :