- પ્રસંગપટ
- લીથીયમ બજારમાં ઓચીંતી તેજીઃ ચીનની માઈન્સમાં ઉત્પાદન હંગામી ધોરણે બંધ
- ચીનમાં પ્રાઈસ-વોર વિરોધી નીતિ શરૂ થઈઃ જો કે વૈશ્વિક સ્તરે હજી પણ સપ્લાય સરપ્લસ જેવી સ્થિતિના સંકેતો
દેશમાં તથા દરિયાપારના બજારોમાં લીથીયમ બજાર તથા ટ્રેડ અને ઈન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. વિશ્વ ભરમાં ઓટો ક્ષેત્રે ઈલેક્ટ્રીક વાહનોનો વ્યાપ હવે વધી રહ્યો છે તથા આવા ઈવી વાહનોની બેટરીમાં વપરાતા લીથીયમનો વ્યાપ પણ વધી રહ્યો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં તાજેતરમાં ટૂંકાગાળામાં લીથીયમના ભાવમાં ઓચીંતી તેજી આવ્યાના સમાચાર મળ્યા છે. ચીનમાંથી મળેલા સમાચાર મુજબ ચીનની કન્ટેમ્પટરી એમપરેક્સ ટેકનોલોજી કંપની સીએટીએલ જે વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રિક વેહિકલ (ઈવી) બેટરીની ઉત્પાદક છે તેેના દ્વારા લીથીયમ માઈનમાં કામગીરી બંધ કરવામાં આવ્યાના નિર્દેશો વહેતા થતાં વૈશ્વિક સ્તરે લીથીયમ બજારમાં પ્રવાહો ઓચીંતા પલ્ટાતા જોવા મળ્યા છે.
તાજેતરમાં સીએટીએલના સૂત્રોના જણાવ્યા મુજબ ચીનમાં એશિયાની લીથીયમ કેપીટલ ગણાતા વિસ્તાર ખાતે લીથીયમની વિવિધ માઈન્સમાં કામગીરી હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે. આવીી કામગીરી પ્રથમ તબક્કે ત્રણ મહિના માટે બંધ રહેનાર છે તથા ત્યાર પછી પણ કામગીરીનું આવું સસ્પેન્શન વધુ લંબાવવામાં આવી શકે તેમ છે એવું સૂત્રો જણાવી રહ્યા હતા. કંપનીની માઈનિંગ પરમીટ નવમી ઓગસ્ટે પુરી થતી હતી તથા આવી પરમીટ સમયસર રિન્યુ કરવામાં આવી ન હતી અને તેના પગલે માઈન્સમાં કામગીરી રોકી દેવાની ફરજ પડયાના વાવડ મળ્યા હતા. કંપની હવે આ પ્રશ્ને સરકાર સાથે વાતચીત કરી રહ્યાના વાવડ પણ મળ્યા હતા.
દરમિયાન, આ વર્ષે લીથીયમ બજારમાં ભાવમાં ખાસ્સી ઉછળકુદ જોવા મળી છે. ચીનની માઈન્સમાં ઉત્પાદન અટકયાના નિર્દેશો વચ્ચે વિશ્વ બજારમાં લીથીયમ કાર્બોનેટના વાયદા બજારમાં ટનદીઠ ભાવ ઝડપી વધી તાજેતરમાં ૫૮૪૦૦ યુઆન (ચીનની કરન્સી)થી ઝડપી વધી ઉંચામાં ૮૦૫૦૦ યુઆન સુધી પહોંચ્યા હતા. આ ભાવ જ્યારે ૫૮૪૦૦ યુઆન હતા ત્યારે ડોલરના સંદર્ભમાં આ ભાવ ટનના ૮૧૨૦થી ૮૧૨૫ ડોલર રહ્યા હતા. જો કે ભાવ વધી ૮૦૫૦૦ યુઆન થઈ જતાં વાયદા બજારમાં સત્તાવાળાઓએ વેપારો પર અંકુશો કડક બનાવ્યા હતા અને તેના પગલે લીથીયમના ભાવ ટનના ૮૦૫૦૦ યુઆનથી ઝડપી ઘટી નીચામાં ૬૮ હજાર યુઆન સુધી જતા રહ્યા હતા. જો કે ઘટયા મથાળે સટોડિયાઓ ફરીથી દાખલ થતાં લીથીયમના ભાવ ફરી વધી ટનના ફરી આશરે ૮ ટકા વધી ૮૧ હજાર યુઆનને આંબી ગયા હતા. દરમ્યાન ૨૦૨૨માં નવેમ્બર મહિનામાં લીથીયમના બજાર ભાવ ઉંચામાં ટનના પાંચ લાખ ૯૦ હજાર યુઆન સુધી પહોંચ્યા હતા જે એક રેકોર્ડ ગણાયા હતા એ જોતાં ત્રણ વર્ષના ગાળામાં લીથીયમના બજાર ભાવ ઉંચી ટોચ પરથી આશરે ૮૫થી ૮૬ ટકા તૂટી ગયા છે એવું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, તાજેતરમાં બજાર ભાવ ઉંચકાતાં વૈશ્વિક સ્તરે લીથીયમનું ઉત્પાદન કરતી વિવિધ માઈનીંગ કંપનીઓના શેરોના ભાવ પણ ઉછળતાં જોવા મળ્યા હતા. શેરોના ભાવમાં આવી તેજી આશરે ૧૮થી ૨૦ ટકાની જોવા મળી હતી. લીથીયમ કાર્બોનેટ કોકકીંગ કોલ (કોલસો)ના ભાવ તાજેતરમાં જુલાઈમાં નોંધપાત્ર ઉંચકાયા પછી ઓગસ્ટમાં ભાવ ઉંચા મથાળેથી ઘટતા જોવા મળ્યા હતા. ચીનની સરકારની પ્રાઈસ-વોર વિરોધી નીતિના કારણે જુલાઈ મહિનામાં ખાસ્સી તેજી આવી હતી. જોકે આ વર્ષે વૈશ્વિક સ્તરે લીથીયમની બજારમાં માગ કરતા પુરવઠો વધુ રહેવાની શક્યતા વિશ્વ બજારના અમુક જાણકારો જણાવી રહ્યા હતા.


