- પાકિસ્તાનમાં મુનીરનું જોર વધ્યું છે તે હકીકત છે
- અમેરિકાના પ્રમુખ પાકિસ્તાનના વડાપ્રધાન શરીફને અવગણીને લશ્કરી વડા મુનીરની પીઠ થાબડી રહ્યા છે
- પ્રસંગપટ
પાકિસ્તાનમાં સત્તાનું કેન્દ્ર કોની પાસે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. અમેરિકાન પ્રેસિડન્ટ પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફને બદલે લશ્કરી વડા અસીમ મુનીરની પીઠ થાબડી રહ્યા છે. પાકિસ્તાનની આંતરિક સત્તાવાર સંરચના લાંબા સમયથી ચર્ચાનો વિષય રહી છે, પરંતુ તાજેતરની ઘટનાઓ સૂચવે છે કે પાકિસ્તાનનો ખરેખરો હવાલો મુનીર પાસે છે. સત્તાવાર રીતે ચૂંટાયેલા શેહબાઝને સાઇડમાં ધકેલી દેવાયા છે.
જ્યારથી પાકિસ્તાન અમેરિકા-ઇરાનની શાંતિ મંત્રણામાં સક્રિય છે ત્યારથી તે ફૂલીને ફાળકો થઇને ફરે છે. અહીં હકીકત ભૂલવી ન જોઇએ કે ઇરાનને અણુબોંબની ટેક્નોલોજી પહોંચાડનાર પાકિસ્તાન છે. પાકિસ્તાનના અણુ વિજ્ઞાાનીએ ટેક્નોલોજી આપ્યા બાદ ઇરાન અણુ શસ્ત્રો બનાવવાની દિશામાં આગળ વધ્યું હતું. હવે પાકિસ્તાન મોટે ઉપાડે મધ્યસ્થી કરવા જાય છે, પણ વિવાદમાં પાયામાં જ ખુદ પાકિસ્તાન સંડોવાયેલું છે.
મોટાભાગના લોકશાહી દેશોમાં ઉચ્ચ સ્તરીય રાજદ્વારી વાટાઘાટોનું નેતૃત્વ ચૂંટાયેલા નેતાઓ દ્વારા કરવામાં આવે છે. પરંતુ પાકિસ્તાનના કિસ્સામાં અલગ પ્રકારનો તખ્તો ઊભો થયો છે. ઇસ્લામાબાદમાં તાજેતરમાં થયેલી અમેરિકા-ઈરાન મંત્રણા દરમિયાન, આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર કેન્દ્રસ્થાને હતા. તેમણે પ્રતિનિધિમંડળોનું સ્વાગત કર્યું, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ સાથે સીધી વાતચીત કરી અને સમગ્ર મંત્રણા દરમિયાન સક્રિય રહ્યા. આ દરમિયાન વડાપ્રધાન શેહબાઝ શરીફ સહિતનું નાગરિક નેતૃત્વ આ મહત્ત્વપૂર્ણ રાજદ્વારી કવાયતમાંથી મોટે ભાગે ગેરહાજર જણાતું હતું.
પાકિસ્તાનમાં મુનીરનું જોર વધ્યું છે ત્યારે સાબિત થયું કે જ્યારે મુનીરે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેના મુખ્ય મધ્યસ્થી તરીકે ચર્ચા ચાલુ રાખવા માટે તેહરાનની મુલાકાત લીધી. પાકિસ્તાનનું નેતૃત્વ પાકિસ્તાનના સૈન્ય પાસે છે તે મામલે કોઈને કશી શંકા નથી.
પૂર્વ માહિતી મંત્રી ફવાદ ચૌધરીએ આ વાસ્તવિકતાને સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરતા કહ્યું, 'સાચું કહું તો, આમાં કોઇ બે-મત નથી. અત્યારે પાકિસ્તાનનું નેતૃત્વ જનરલ અસીમ મુનીર કરી રહ્યા છે. તેઓ પાકિસ્તાનના વાસ્તવિક નેતા છે. તમામ નિર્ણયો અત્યારે ફિલ્ડ માર્શલ દ્વારા લેવામાં આવી રહ્યા છે.' તેમણે વધુમાં ઉમેર્યું કે વૈશ્વિક સ્તરે પણ આ જ માન્યતા છે. 'ગઈકાલે જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે જનરલ અસીમ મુનીરને પાકિસ્તાનના નેતા તરીકે સંબોધ્યા હતા, તેમણે શેહબાઝ શરીફ વિશે વાત કરવાની તસ્દી પણ લીધી ન હતી.'
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં નિવેદનોએ પાકિસ્તાનના સત્તાવાર નેતૃત્વ અને વાસ્તવિક સત્તાના કેન્દ્ર વચ્ચેના તફાવતને વધુ ઘેરો બનાવ્યો છે. ટ્રમ્પે અસીમ મુનીરને 'શાનદાર' વ્યક્તિ ગણાવ્યા છે, પરંતુ તે જ સંદર્ભમાં શેહબાઝ શરીફનો ભાગ્યે જ ઉલ્લેખ કર્યો છે. ટ્રમ્પે મુનીરને 'મહાન ફાઇટર' અને 'અસાધારણ માણસ' તરીકે પણ નવાજ્યા છે.
મુનીર તેહરાનમાં ઈરાન સાથે સંવેદનશીલ મંત્રણાઓમાં વ્યસ્ત હતા, ત્યારે વડાપ્રધાન શેહબાઝ શરીફ સાઉદી અરેબિયા, કતાર અને તુર્કીની પૂર્વ-આયોજિત મુલાકાતે હતા. મુનીરની મુલાકાત વૈશ્વિક શક્તિઓ સાથે જોડાયેલા સંઘર્ષના નિરાકરણ માટે હતી, જ્યારે શરીફનો પ્રવાસ આર્થિક અને સામાન્ય રાજદ્વારી સંબંધો પર કેન્દ્રિત હતો.
આ ફેરફાર માત્ર વ્યક્તિગત નથી પરંતુ સંસ્થાકીય પણ છે. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન કાઉન્સિલ (SIFC) વિદેશી રોકાણના સંચાલન માટેની મુખ્ય વ્યવસ્થા બની ગઈ છે. સત્તાવાર રીતે તેનું નેતૃત્વ વડાપ્રધાન પાસે છે, પરંતુ સૈન્યની 'ગેરંટર' (બાંહેધરી આપનાર) તરીકેની ભૂમિકાએ સત્તાનું કેન્દ્ર બદલી નાખ્યું છે.
પાકિસ્તાનનું શાસન મોડેલ ઘણીવાર 'હાઇબ્રિડ વ્યવસ્થા' તરીકે ઓળખાય છે. કાગળ પર પાકિસ્તાન શેહબાઝ શરીફના નેતૃત્વ હેઠળની સંસદીય લોકશાહી છે, પરંતુ વ્યવહારમાં સત્તાનું કેન્દ્ર સૈન્ય નેતૃત્વ તરફ સરકી ગયેલું જણાય છે. સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાં લશ્કર નેતૃત્વ કરે છે અને નાગરિક નેતૃત્વ ગૌણ હોય છે.


