- સોનુ એક લાખની નજીક, ચાંદીએ એક લાખ વટાવ્યા
- પ્રસંગપટ
- સોનાના વધતા ભાવોને કારણે મધ્યમવર્ગના કરોડો કુટુંબોની સમૃદ્ધિમાં વધારો થયો છે
મધ્યમવર્ગના કરોડો લોકોની સંપત્તિમાં સોના-ચાંદીના ભાવોમાં આવેલી તેજીના કારણે ઉછાળો આવ્યો છે. સોનામાં કરેલું રોકાણ શ્રેષ્ઠ અને સલામત સાબિત થઇ રહ્યું છે. આજે સોનાના એક તોલાના ભાવ ૯૮,૦૦૦ રૂપિયાને વટાવી ગયા છે, જ્યારે એક કિલો ચાંદીના ભાવ એક લાખ રૂપિયાને વટાવી ગયા છે. કહે છે કે આગામી દિવાળી સોને મઢેલી આવશે, કેમ કે ત્યારે સોનાના ભાવ સવા લાખ રૂપિયાની દિશા પકડી ચૂક્યા હશે.
મધ્યમવર્ગ પ્રસંગોપાત્ સોનાની ખરીદી કરે છે, તો શ્રમજીવી વર્ગ ચાંદી ખરીદે છે. મધ્યમવર્ગીય પરિવારોમાં લગ્ન સહિતના વિવિધ અવસરોએ કાં તો સોનું ખરીદાય છે અથવા તો ભેટમાં મળે છે. ગુજરાતના કુટુંબોમાં દીકરા-દીકરીનાં લગ્ન માટે ધીરે ધીરે, વર્ષો સુધી સોનુ ખરીદતા જઈને તેનો સંગ્રહ કરવામાં આવતો હોય છે કે જેથી લગ્નની અવસર આવે ત્યારે સોનું એક સાથે ખરીદવાનો બોજ ન આવી પડે.
ગુજરાતીઓમાં કુટુંબ દીઠ ૧૦-૧૨ તોલા સોનુ હોવું એ સામાન્ય બાબત છે. ગુજરાત કરતાં દક્ષિણ ભારતીયોનાં ઘરોમાં વધુ સોનુ જોવા મળેે છે. જેમ ગુજરાતના કેટલાક સમાજમાં ૭૦થી ૮૦ તોલા સોનું દીકરીને કરિયાવરમાં અપાય છે, એમ દક્ષિણનાં કેટલાક સમાજોમાં પરિવારોમાં સોનેમઢી કન્યા આપવાનો રિવાજ છે, એટલે કે કન્યાના માથાથી પગ સુધી વિવિધ પ્રકારનાં ઘરેણાંથી રીતસર મઢી દેવામાં આવે છે.
સંતાનોને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે મોકલવા માટે પણ મધ્યમવર્ગીય પરિવારો પરંપરાગત રીતે વસાવેલું સોનુ ક્યારેક વેચી નાખે છે. જોકે ગુજરાતી ગૃહિણીઓ સામાન્યપણે પોતે સંગ્રહી રાખેલા સોનાને અકબંધ રાખવાની નીતિને વળગી રહેતી હોય છે.
ભારતમાં લગ્નોમાં દીકરીને સોનાનાં ઘરેણાં ચડાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે સોનુ સંકટ સમયની સાંકળ સમાન સાબિત થાય છે. પરિવારમાં તબીબી કે કોઈ પણ પ્રકારની આર્થિક કટોકટી યા તો અણધારી જરૂરિયાત ઊભી થાય ત્યારે આ સોનુ ઉગારી લે છે. પાસે સોનુ હોય તો કોઈ સામે હાથ લંબાવવાની જરુર ન પડે. સાસરે જઈ રહેલી દીકરીને ઘરેણાં આપવા પાછળનો પ્રમુખ ભાવ આત્મસન્માનની સુરક્ષાનો છે.
એક અંદાજ મુજબ, ભારતની મહિલાઓ પાસે વિશ્વના કુલ સોનાનો ૧૧ ટકા હિસ્સો છે. દીકરીના કરિયાવરમાં જેટલું વધારે સોનું એટલો પરિવાર વધારે સમૃદ્ધ. દીકરીને કરિયાવરમાં આપવામાં આવતી ચીજવસ્તુઓ, સાડી અને અન્ય વસ્ત્રો અને ખાસ તો ઘરેણાં જોવા માટે પરિવારની મહિલાઓને આમંત્રણ આપવામાં આવતું હોય છે. એ જ રીતે સાસરામાં નવી આવેલી વહુનું આણું પાથરવાનો એક સમયે રિવાજ હતો કે જેથી વહુનાં મા-બાપે દીકરીને કરિયાવરમાં શું શું આપ્યું છે તે સૌ જોઈ શકે.
હોેસ્પિટાલીટી ક્ષેત્રે ચાંદીનો ઉપયોગ મોટા પાયે થાય છે. ભેેટસોગાદમાં આપવા માટે ચાંદીનાં વાસણો, ચાંદીના સિક્કા વગેરે પર વિશેષ પસંદગી ઉતારવામાં આવતી હોય છે. અમુક અતિ વૈભવી ફાઇવસ્ટાર હોટલોમાં તો ચાંદીના સોફા સહિતનું ફર્નિચર સુધ્ધાં જોવા મળે છે.
સોનામાં રોકાણ કરનારાઓને બેંકોની ફિક્સ ડિપોઝીટ કરતાં વધુ વળતર મળી રહ્યું છે. જ્યારથી સોનાના ભાવ ૮૫,૦૦૦ રૂપિયાને કૂદાવીને આગળ વધ્યા છે ત્યારથી મધ્યમવર્ગીય પરિવારોમાં તે ચર્ચાનો વિષય બન્યો છે. થોડું ઘણું સોનુ લગભગ તમામ પરિવારો પાસે હોવાનું. પોતાની સંપત્તિમાં બેઠા બેઠા વધારો થતો જોઇને આ કુટુંબો મલકાઇ રહ્યા છે.
૩૦ એપ્રિલે અખાત્રીજ આવી રહી છે ત્યારે લોકો એક લાખ રૂપિયાની નજીક પહોંચેલા સોનાની ખરીદીનું માંડી વાળશે. જોેકે તે સમયે લોકો સોનુ વેચીને પૈસા ઊભા કરી લેવાનું વિચારે, એમ બને. લગ્નની છેલ્લી સિઝનમાં જોકે લોકોએ સોનાની ધૂમ ખરીદી કરી હતી.
સોના-ચાંદીના ભાવો હજુ ઊંચકાશે એમ જાણકારો કહે છે. અત્યારે સોનુ ખરીદવાના નહીં, પણ વેચવાના દિવસો ચાલી રહ્યા છે. સોનામાં કરેલું રોકાણ ખરેખર સલામત અને ઊંચું વળતર આપનારું સાબિત થયું છે.


