Get The App

દિવાળીમાં ડિજિટલ એરેસ્ટ કરનારા ટકરાઈ ન જાય તે માટે ચેતતા રહો

Updated: Oct 17th, 2025

GS TEAM

Google News
Google News
દિવાળીમાં ડિજિટલ એરેસ્ટ કરનારા ટકરાઈ ન જાય તે માટે ચેતતા રહો 1 - image

- ડિજિટલ એરેસ્ટનું નેટવર્ક ચલાવનારા સક્રિય છે

- પ્રસંગપટ

- વધુ પૈસા કમાવી આપવાની લાલચ આપતી એપ્લિકેશનો ખલનાયક બનીને લોકોને ખંખેરી લેતી હોય છે

દિવાળીના તહેવારોમાં સાયબર ફ્રોડ કરનારાઓ સક્રિય થશે, કેમ કે તેમના માટે આ લોકોને ફસાવવાની સિઝન છે. લોકો ઓનલાઇન ખરીદી કરવા વિવિધ એપ્લિકેશનો ડાઉનલોડ કરશે. તેઓ ઓનલાઇન સર્ચ કરશે ત્યારે ગઠીયાઓ તેમને ઝડપી લેવા જાળ બિછાવીને બેઠા હશે તે નક્કી છે. 

ડિજિટલ એરેસ્ટ કરનારાઓની દુકાન ૩૬૫ દિવસ ચાલતીહોય છે. તેમની આખી ઇકોસિસ્ટમ ગ્રાહકો શોધી લાવવા અને તેમની બેંક ખાતાંમાંથી પૈસા સેરવી લેવા સુધીની હોય છે. ડિજિટલ એરેસ્ટના એક કિસ્સામાં દસથી વધુ લોકો સંકળાયેલા હોય છે. તેમાં બેંક સાથે સંકળાયેલા ગઠિયાથી માંડીને શિકારને ડરાવનારા સુધીના બધા આવી ગયા. 

મધ્યમવર્ગ કે શ્રમજીવી વર્ગને ડિજિટલ એરેસ્ટ કરવા બાબતે સામાન્યપણે ફોન આવતા નથી, કેમ કે ફ્રોડ કરનારાઓના નિશાન પર પૈસાદારો અને સિનિયર સિટીઝનો મુખ્ય હોય છે. કૌભાંડકારીઓ પાસે સિનિયર સિટીઝનોના નંબર આવી જાય  પછી તેમને એક પછી એક વિવિધ કામ માટે ફોન કરાય છે. જેમ કે ચીજવસ્તુઓના સેલ માટે, નાટક કે ક્રિેકેટ મેચના પાસ માટે ફોન કરવામાં આવે છે. ફોન રિસીવ કરનારના અવાજ પરથી એની ઉંમર અને માનસિકતા વિશે અંદાજ બાંધવામાં આવે છે. તેમનો અવાજ ક્ષીણ હોય કે ધૂ્રજતો હોય તો તેઓ આસાન ટાર્ગેટ ગણાય છે. અવાજમાં સત્તાવાહી રણકો હોય તો એવી વ્યક્તિને પડતી મૂકવામાં આવે છે.  સકંજામાં આવી ગયેલી વ્યક્તિ પાસેથી માહિતી મેળવીને પછી કૌભાંડીઓ તેમના હાથ બેંકખાતા સુધી લંબાવી દે છે. 

દિવાળીના તહેવારોમાં ઓનલાઇન ખરીદી મોટા પાયે થઇ રહી છે. એક અંદાજ અનુસાર એક લાખ બે હજાર કરોડ રૂપિયાની ઓનલાઇન ખરીદી થશે. દિવાળી દરમ્યાન અનેક ઓનલાઇન ઓફર મળશે, જેમાંથી અનેક ઓફર ફ્રોડ હોઇ શકે છે. ડિજિટલ એરેસ્ટનું નેટવર્ક ચલાવનારા પણ એક્ટિવ રહેવાના છે. તેઓ સિનિયર સિટીઝનોને ટાર્ગેટ બનાવવાની તક શોધતા હોય છે અને દિવાળીના દિવસોમાં આવી તક તેમને વધારે મળી રહેશે એમ મનાય છે. 

વધુ પૈસા કમાવી આપવાની લાલચ આપતી એપ્લિકેશનો ખલનાયક બનીને લોકોને ખંખેરી લેતી હોય છે. પોલીસ, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, કસ્ટમ, સીઆઇડી કે સીબીઆઇ જેવી તપાસ એજંસીના નામે આવતા ફોનથી લોકો ડરી જાય છે. જો ડર ગયા વો ફસ ગયા જેવો ઘાટ  ડિજિટલ એરેસ્ટની કિસ્સાઓમાં થતો હોય છે. 

ડિજિટલ એરેસ્ટ કરનારાઓ જ્યારે બેંક બેલેન્સ પૂછે છે ત્યારે પણ કેટલાયની આંખો ખૂલતી નથી. પોતાના ફેમિલીને પણ બેંક બેલેન્સ નહીં કહેનારા ફોન પર આવા અજાણ્યાને બેંકની વિગતો, શેરબજારમાં રોકાણ વગેરેની વિગતો ફટાફટ આપી દે છે. ડિજિટલ એરેસ્ટનું નેટવર્ક ચલાવનારાઓ લોકોની સાયકોલોજીના અભ્યાસુ હોય છે. ફોન ઉપાડનારી વ્યક્તિ અમુક ટોનમાં જવાબ આપે તો તેની સાથે કેવા ટોનમાં વાત કરવી તેના તેઓ જાણકાર હોય છે.

ડિજિટલ એરેસ્ટ કરીને લાખો-કરોડો ખંખેરી લેવાની જાળમાં ફસાઇ જનારા પછી આબરૂ જવાની બીકે કશે ફરિયાદ પણ કરતા નથી. 

ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયાના નામે ફોન કરનારા લોકોથી ચેતવાની જરૂર છે એમ વારંવાર લોકોને જણાવાયું હોવા છતાં લોકો તપાસ અને ધરપકડની ધમકીથી ડરવા લાગે છે અને પોતાનું બેન્ક એેકાઉન્ટને લૂંટાવા માટે ખુલ્લું મુકી દે છે. સામાન્ય રોજીદા વ્યવહારમાં ચતુર અને હોંશિયાર લાગતી વ્યક્તિઓને પણ ખેંખેરી લેવાય છે. જેને ટાર્ગેટ બનાવવમાં આવે છે તેમને તેમનો આધાર કાર્ડ નંબર કન્ફર્મ કરવા માટે કહેવામાં આવે છે.  ફોન કરનાર સાચો આધાર કાર્ડ નંબર બતાવીને સામાવાળાને વિશ્વાસમાં લે છે અને પછી તે કેટલો ડરેલો છે તે સમજવામાં આવે છે. 

તમારા ઘરની બહાર સાદા ડ્રેસમાં પોલીસો ગોઠવાયેલી છે એમ કહેવાય ત્યારે ટ્રેપમાં ફસાનાર ધૂ્રજતો હોય છે. તેના ડરનો લાભ ઉઠાવવો શરૂ થાય છે. ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગ લોકોને એટલી ડરાવે છે કે ફસાનાર વ્યક્તિ ગેંગ કહે તેમ તૈયાર થઇ જાય છે. બેંકિંગ ક્ષેત્રમાં કામ કરનારાઓ પાસેથી સુધ્ધાં સત્તર-સત્તર કરોડ જેવી રકમ આંચકી લેવા જેવી ઘેટના પ્રકાશમાં આવે ત્યારે આશ્ચર્ય થાય છે. આજથી શરૂ થઈ રહેલા દિવાળીના તહેવારોમાં સાયબર ઠગોથી સાવધ રહેવાની વિશેષ જરૂર છે.