Get The App

જેને દેશ સેલ્યૂટ કરે છે તેમને રાજકારણીઓ એલફેલ બોલે છે

Updated: May 17th, 2025

GS TEAM


Google News
Google News
જેને દેશ સેલ્યૂટ કરે છે તેમને રાજકારણીઓ એલફેલ બોલે છે 1 - image


- કર્નલ સોફિયા કુરેશી અને કર્નલ વ્યોમિકા સિંહની ટીકા

- વિજય શાહને પક્ષમાંથી તગેડી મૂકવાના બદલે મધ્યપ્રદેશ ભાજપ તેમને બચાવવા સુપ્રીમ કોર્ટ સુધી દોડી ગયું

- પ્રસંગપટ

- કર્નલ સોફિયા કુરેશી, કર્નલ વ્યોમિકા સિંહ, 

- વિજય શાહ, રામગોપાલ યાદવ 

સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ, બંને ભારતીય લશ્કરની જાંબાઝ લેડી કર્નલ છે. દેશની લોકજીભે ચઢેલાં અને ગૌરવથી લેવાતાં આ સન્માનીય નામો છે, પરંતુ ભારતના રાજકારણીઓને લશ્કરના બાહોશ લોકોને સન્માન મળવાથી પેટમાં દુખતું હોય તેમ લાગી રહ્યું છે. 

એક તરફ ભાજપ દેશભરમાં તિરંગા યાત્રા મારફતે પાકિસ્તાનને પરાસ્ત કરવાનો જશ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો બીજી તરફ કર્નલ સોફિયા કુરેશીની ટીકા કરનાર મધ્યપ્રદેશના ટ્રઇબલ વેલફેર મિનિસ્ટર વિજય શાહ સામે પગલાં લેવામાં તે ગલ્લાતલ્લા કરી રહ્યું છે. સોફિયા કર્નલ માટે 'આંતકવાદીઓની બહેન' જેવો ઘટિયા શબ્દપ્રયોગ કરી નાખ્યો હતો. કર્નલ સોફિયા કુરેશી સામેનો વિવાદ હજુ તાજો છે ત્યાં જ સમાજવાદી પક્ષના નેતા રામગોપાલ યાદવે બીજાં લેડી કર્નલ વ્યોમિકા સિંહને ટાર્ગેટ કરીને સમગ્ર મામલાને રાજકીય મેદાનમાં ખેંચી ગયા છે. યાદવે કહ્યું કે સોફિયા કુરેશી મુસ્લિમ છે તેથી વિજય શાહે તેમને ટાર્ગેટ કર્યા, પણ તેઓ વ્યોમિકા સિંહ વિશે કંઈ ન બોલ્યા, કેમ કે વ્યોમિકા સિંહ રાજપૂત છે!

ભારતના નવરા રાજકારણીઓ જાણે કે વિવાદોની રાહ જોઈને જ બેઠા હોય છે. દેશનું રક્ષણ કરતા સૈનિકોને માનથી જોઈને તેમને સેલ્યૂટ કરવી જોઈએ, તેને બદલે નઠારા રાજકારણીઆ તેમની ઇમેજને ફૂટબોલની જેમ ઉછાળી રહ્યા છે.

ઓપરેશન સિંદૂરમાં લશ્કરી કામગીરીનું બ્રિફીંંગ આ બન્ને  મહિલા લેડી કર્નલ - સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ - દ્વારા થયું હતું, જેમને આખા દેશે આવકાર્યાં હતાં. મહિલાઓ આપણા લશ્કરમાં કર્નલની રેન્ક સુધી પહોંચે અને લગભગ યુદ્ધ જેવી સંવેદનશીલ સ્થિતિમાં સૈન્યની કામગીરીનું વર્ણન કરે તે આંખ અને દિલને શાતા પહોંચાડે તેવી વાત છે.

રામગોપાલ યાદવ સમાજવાદી પક્ષના મોટા નેતા છે અને અખિલેશ યાદવના ખાસ છે. રામગોપાલ યાદવે વ્યોમિકા સિંહની જાતિ અંગે કમેન્ટ કરી નાખી. તે સાથે જ બહુજન સમાજવાદી પાર્ટીનાં સુપ્રીમો માયાવતી વચ્ચે કૂદી પડયાં. તેમને જોઇને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ મેદાનમાં આવી ગયા છે. યોગી આદિત્યનાથે સરસ કહ્યું છે કે લશ્કરના યુનિફોર્મને જાતિવાદનાં ચશ્માં પહેરીને જોઇ ન શકાય.

લેડી કર્નલોને રાજકીય તખ્તા પરથી પ્રશંસા મળવી જોઈતી હતી, તેના બદલે તેમને રાજકીય વિવાદમાં ખેંચી જવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. આખો દેશ તમાશો જોઇ રહ્યો છે, પણ કોઇ રાજકીય પક્ષનો પ્રમુખ તેમના સભ્યોને મૂંગા રહેવાનો આદેશ આપવા તૈયાર નથી.

સોફિયા કુરેશીની ટીકા કરનાર મધ્યપ્રદેશના પ્રધાન વિજય શાહની તાત્કાલિક હકાલપટ્ટી કરવામાં આવી હોત તો ભાજપની તિરંગા યાત્રાને ચાર ચાંદ લાગી જાત. મધ્યપ્રદેશના આદેશ અનુસાર વિજય શાહ સામે ઇંદોરમાં એફઆઇઆર કરવામાં આવી તો  તેમને બચાવવા મધ્યપ્રદેશ ભાજપ ઠેઠ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયું.  

જેમને દેશ સેલ્યૂટ કરી રહ્યો છે તેવા કર્નલ સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ નફ્ફટ કહી શકાય એવા રાજકરાણીઓની ઝેર ઓકતી જીભના શિકાર બની ગયાં છે. આખા કેસમાં વડાપ્રધાન, સંરક્ષણપ્રધાન અને ગૃહપ્રધાન ચૂપ છે. ભારતના રાજકારણીઓ પોતાને રાજા સમજી બેઠા છે. જે ભાજપ વારંવાર રાષ્ટ્રવાદનો ચીપીયો પછાડે છે તેણે રાષ્ટ્રવાદની વ્યાખ્યા બદલી નાખી હોય એમ લાગી રહ્યું છે. 

સોફિયા કુરેશી વિશે વિજય શાહે કરેલી ટીકા ખરેખર બહુ શરમજનક હતી. દેશના ગૈારવ સમાન આ લેડી કર્નલો વિશે અણછાજતા ઉલ્લેખો થવાથી લોકોમા રોષ ફાટી નીકળ્યો છે. ભાજપના અને સમાજવાદી પક્ષના બહુ બોલકા નેતાઓે સોફિયા અને વ્યોમિકા સિંહ જેવી સન્માનીય લેડી કર્નલની ટીકા કરવામાં પણ કોઇ શરમ અનુભવતા નથી ને તેમના મોવડીઓ તેમની હકાલપટ્ટી કરી શકતા નથી.

વિજય શાહે ભૂતકાળમાં પણ અનેક છબરડા વાળ્યા છે. એક વાર તેમનું રાજીનામું પણ લઇ લેવાયું હતું. જોકે આ રીતે રાજીનામાં લેવાં એક નાટક કરતાં વધારે કશું હોતું નથી. ભાજપે પછી વિજય શાહને પ્રધાનપદું સોંપી દીધું હતું.  

સોફિયા કુરેશીના કેસમાં ભાજપે જે કામ તત્કાળ કરવાનું હતું તેના માટે એણે કોર્ટના ઓર્ડરની રાહ જોયા રાખી હતી. મધ્યપ્રદેશ હાઇકોર્ટે બાદ  સુપ્રીમ કોર્ટે પણ વિજય શાહને યોગ્ય રીતે જ ફટકાર લગાવી છે.

Tags :