- પ્રસંગપટ
- સરકારી અંદાજ ઊંચો : ટ્રેડરો પાક ઓછો માને છે
- હવે હોળી પછી દેશના બજારોમાં આવનારી નવી આવકો કેવી આવે છે તેના પર અનાજ બજારના ખેલાડીઓની નજર
દેશમાં અનાજ બજારમાં સમીકરણો તાજેતરમાં ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. ઘઉંની નવી મોસમનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે ઘઉંના ઉત્પાદન વિષયક બહાર આવી રહેલાં વિવિધ આંકડાઓની ખાસ્સી ચર્ચા અનાજ બજારમાં સંભળાઈ છ.ે દેશમાં ઘઉંનું ઉત્પાદન ઘટશે કે વધશે એ વિશે તાજેતરમાં અનાજ બજારોમાં મતમતાંતરો બતાવાતા રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ દેશમાં આ વર્ષે ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન ૧૧૫૪થી ૧૧૫૫ લાખ ટન જેટલું થવાની આશા છે. ૨૦૨૩-૨૪ના પાક વર્ષમાં દેશમાં ઘઉંનું ઉત્પાદન ૧૧૩૨થી ૧૧૩૩ લાખ ટન થયું હતું અન ેહવે આ વર્ષે ૨૦૨૪-૨૫ના પાક વર્ષમાં ઘઉંનું ઉત્પાદન વધી ૧૧૫૪થી ૧૧૫૫ લાખ ટન આસપાસ થવાનો અંદાજ સરકારે બહાર પાડયો છે.
આ વર્ષનો ઘઉં ઉત્પાદનનો ટારગેટ સરકારે ૧૧૫૦ લાખ ટનનો નક્કી કર્યો હતો અને ઉત્પાદન હકીકતમાં આ ટારગેટથી પણ વધુ થવાની શક્યતા સરકારના સૂત્રો બતાવી રહ્યા હતા. દરમિયાન, દેશની ફ્લોર મિલોનું પ્રતિનિધિત્વ કરતા રોલર ફલોર મિલર્સ ફેડરેશન દ્વારા તાજેતરમાં ઘઉંના આ વર્ષના ઉત્પાદનનો અંદાજ ૧૧૦૦ લાખ ટનનો બહાર પાડયો હતો. ઘઉં ઉત્પાદનના આ અંદાજની સરખામણીએ કેન્દ્ર સરકારના કૃષી મંત્રાલય દ્વારા ઘઉં ઉત્પાદનના બહાર પાડવામાં આવેલા અંદાજામાં તફાવત જોવા મળ્યો છે. ઘઉં, ચોખા, કઠોળ તથા જાડા-બરછટ ધાન્યોનું કુલ ઉત્પાદન ૨૦૨૪-૨૫માં ૪થી ૫ ટકા વધી કુલ ૩૩૦૯થી ૩૩૧૦ લાખ ટન થવાની શક્યતા કૃષી મંત્રાલયના સૂત્રોએ બતાવી છે. આ કુલ ઉત્પાદનના અંદાજમાં ખરીફ મોસમના ઉત્પાદનનો અંદાજ ૧૬૬૩થી ૧૬૬૪ લાખ ટન તથા રવિ મોસમના ઉત્પાદનનો અંદાજ ૧૬૪૫થી ૧૬૪૬ લાખ ટન જેટલો સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. શિયાળુ પાકમાં ચણાના ઉત્પાદનનો અંદાજ ૧૧૫થી ૧૧૬ લાખ ટનનો તથા મસુર ઉત્પાદનનો અંદાજ ૧૮થી ૧૯ લાખ ટનનો અને ચોખાના ઉત્પાદનનો અંદાજ ૧૫૭થી ૧૫૮ લાખ ટનનો સરકારે બતાવ્યો છે. ચોખામાં ખરીફ પાકનો અંદાજ ૧૨૦૬થી ૧૨૦૭ લાખ ટનનો તથા મકાઈન ો ૨૪૮થી ૨૪૯ લાખ ટનનો તથા તુવેરનો ૩૫થી ૩૬ લાખ ટનનો થવાની શક્યતા કૃષી મંત્રાલયે બતાવી છે. રવિ મોસમમાં ચોખાનો પાક આ વર્ષે ૧૪૬ લાખ ટનથી વધી ૧૫૭થી ૧૫૮ લાખ ટન થવાનો અંદાજ બતાવાયો છે. મકાઈ ઉત્પાદન ૧૨૦થી ૧૨૧ લાખ ટનથી વધી ૧૨૪થી ૧૨૫ લાખ ટન તથા જવનું ઉત્પાદન ૧૭ લાખથી વધી ૧૯થી ૨૦ લાખ ટન થવાની શક્યતા છે. રવિ પાકમાં ઘઉંનું વાવેતર ૩૧૮ લાખ હેકટર્સથી વધી ૩૨૬થી ૩૨૭ લાખ હેકટર્સ મનાયું છે. જ્યારે ડાંગરનું વાવેતર વધી ૪૩થી ૪૪ લાખ હેકટર્સ જેટલા વિસ્તારમાં મનાઈ રહ્યું છે.
દરમિયાન, દેશના અનાજ બજારોનું પ્રતિનિધિત્વ કરતા વેપારી પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ સરકારે આ વર્ષનો ઘઉંના ઉત્પાદનનો અંદાજ ઉંચો બતાવ્યો છે અને હકીકતમાં ઘઉંનો પાક ૧૦૪૦થી ૧૦૬૦ લાખ ટનથી વધુ આવવાની શક્યતા જણાતી નથી. સરકારનો પાછલા વર્ષનો ઘઉંનો પાકનો અંદાજ પણ અપેક્ષાથી ઉંચો ૧૧૩૨થી ૧૧૩૩ લાખ ટનનો બતાવાયો છે એ અંદાજ પણ હકીકતથી ઉંચો હોવાનું અનુમાન અનાજ બજારના સૂત્રોએ જણાવ્યું હતું. નોર્થ ઈન્ડિયાના મિલરોના જણાવ્યા મુજબ ઘઉંનું ઉત્પાદન હકીકતમાં સરકારી અંદાજથી ઓછું થવાની ભીતિ બતાવાઈ રહી છે. પાછલા ૨-૩ વર્ષથી ઘઉંના ઉત્પાદનમાં સરકારનો અંદાજ ઉંચો તથા બજારોનો અંદાજ નીચો આવતો રહ્યો છે. તથા બજારોનો અંદાજ નીચામાં ૧૦૦૦ લાખ ટનનો બતાવાયો હતો. દક્ષિણ ભારતના ફલોર મિલોના જણાવ્યા મુજબ દેશમાં ઘઉંની માગ કરતાં ઉત્પાદન ઘટી રહ્યું છે. દેશમાં દર મહિને ઘઉંની માગ આશરે ૯૦ લાખ ટન સરેરાશ રહી છે.


