ત્રણ કરોડનો મોંઘોદાટ ફ્લેટ, પણ ડ્રેનેજ કનેક્શન આપવાના ધાંધિયા
- ગુરૂગ્રામના મિલેનિયમ સિટીની અવદશા
- પ્રસંગપટ
- નવા ઘરની ડિઝાઇન, હવાઉજાસ વગેરે પર ખૂબ ચર્ચા થાય છે, પણ મકાનની ડ્રેનેજ વ્યવસ્થા પર ભાગ્યે જ ધ્યાન અપાય છે
વરસાદની સિઝન હજુ અડધી બાકી છે, પરંતુ ભરાયેલાં પાણીની સમસ્યાથી લોકો બહુ પરેશાન છે. જેને મિલેનિયમ સિટીનું બિરુદ મળ્યું છે તે ગુરૂગ્રામના અમુક પોશ વિસ્તારમાં એક-એક ફ્લેટની કિંમત ત્રણ કરોડ રૂપિયા કે તેથી પણ વધારે હોય છે. તાજેતરમાં એક મહિલાનો વીડિયો બહુ વાઇરલ થયો છે. એ ફરિયાદ કરે છે કે મારો ફ્લેટ ત્રણ કરોડનો છે, પણ કોન્ટ્રેક્ટર ફ્લેટના ડ્રેનેજ સિસ્ટમનું મેઇન ડ્રેનજ સાથે જોડાણ કરતાં જ ભૂલી ગયો છે. ફ્લેટનો કબ્જો લેવાયો ત્યારે નળ-ગટર વગેરે ચેક કર્યું હતું, પરંતુ રહેવા આવ્યાં પછી ખ્યાલ આવ્યો કે ગટર ઉભરાય છે. લાંબી મથામણ પછી ખબર પડી કે રેસિડેન્શિયલ કોમ્પલેક્સના ગટરના પાણીનું જોડાણ મેઇન કેનાલ સાથે થયું જ નથી.
ત્રણ કરોડના ફ્લેટમાં ગટરનું પાણી ઊભરાતું હોય તે કેવું! સ્માર્ટ સિટી, મિલેનિયમ સિટી જેવાં રૂપાળાં નામો સાંભળવામાં સારાં લાગે છે, પરંતુ ત્યાંના રહેવાસીઓની સમસ્યા સાંભળો તો ખ્યાલ આવે કે આટલી તોતિંગ રકમ ખર્ચવા છતાં અમુક પાયાની સવલતો મળી નથી.
પ્લાનિંગ ક્ષતિભર્યું હોય એટલે ઇમારત ભલે ગમે એટલે ઊંચી કેમ ન હોય, પણ ચોમાસામાં તે એક બેટ સમાન બની જાય છે. ચારે બાજુ પાણી ભરાયેલા હોય, મચ્છરોનો ઉપદ્રવ હોય, કાદવ-કિચડનો પાર ન હોય. આવી બધી સમસ્યાઓ પેદા થાય એટલે લકઝરી ફ્લેટ્સમાં રહેવાનો નશો ઉતરી જાય છે.
ડ્રેનેજ વ્યવસ્થા શહેરી જીવન માટે અત્યંત મહત્ત્વની હોય છે. કોન્ટ્રેક્ટરો જે રીતે કેટલાક મકાનોમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવાનું ભૂલી જાય છે, તે રીતે મોટાં શહેરોમાં સમગ્રપણે વરસાદનાં પાણીના નિકાલ અંગે બહુ વિચારાયું હોતું નથી. સત્તાધારીઓ અને નેતાઓ પોતાના શહેરનું વિસ્તરણ જોઈને હરખાય છે, પરંતુ વિસ્તારોને ડેવલપ કરતાં પહેલાં ત્યાં મોટી ગટરો મારફતે પાણીનો નિકાલ કરવાનું આગોતરું આયોજન કરવાની તેમને ખાસ પડી હોતી નથી.
અમદાવાદનું ઉદાહરણ લઈએ, તો ચારેય દિશાઓમાં વિસ્તરી રહેલા આ શહેરના નવા વિસ્તારોના રહેવાસીઓ પણ ભરાયેલાં પાણીથી ત્રસ્ત છે. જમા થયેલું પાણી માત્ર આવનજાવનમાં અવરોધ પેદા કરે છે એવું નથી, તે રોગચાળો પણ ફેલાવી શકે છે.
અમદાવાદમાં નવા વિસ્તારો સુધી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)ની બસોના રુટને લંબાવવામાં આવે છે, પણ અહીં પૂરતી ગટર વ્યવસ્થા ઊભી થતી નથી. મોટાભાગના લોકો નવા વિકસતા વિસ્તારોમાં ઘર શોધતા હોય ત્યારે ફ્લેટ કે બંગલાની બાંધણી, ફિનીનિંગ, હવાઉજાસ, દુકાનો કે બજાર કેટલી નજીક છે, મુખ્ય રસ્તા અને અપ્રોચ રોડ સારા છે કે નહીં વગેરે જેવી બાબતો પર ધ્યાન આપતા હોય છે. ઘરની ડ્રેનેજ સિસ્ટમ કેવી છે, ગટરોનું કનેક્શન ક્યાં આપેલું છે વગેરે જેવા મુદ્દાની ચકાસણી કરવાનું પરિવારના સભ્યો સાગમટે વિસરી જતા હોય છે. પોતે જે નવા વિસ્તારમાં વૈભવી ફ્લેટ ખરીદી રહ્યા છે કે ભાડે લઇ રહ્યા છે ત્યાં ચોેમાસામાં વરસાદનું પાણી ભરાય છે કે નહીં તેની તેઓ તપાસ કરતા નથી.
નવી દિલ્હીથી નૈઋત્ય દિશામાં આવેલા ગુરૂગ્રામ શહેરમાં મિલેનિયમ સિટીનો કોન્સેપ્ટ અમલમાં મૂકાયો ત્યારે ખાતરી તો એવી જ અપાઈ હતી કે અહીં વસતા નાગરિકોને કોઇ સિવિક સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે. કમનસીબે એવું બન્યું નહીં. વાસ્તવિકતા એ છે કે નવા બંધાયેલા રેસિડેન્શિયલ કોમ્પલેક્સ ચોમાસામાં ટાપુ બની ગયા છે.
ભ્રષ્ટ સરકારી અધિકારીઓ જે-તે રેસિડેન્શિયલ કોમ્પેલક્સને માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપતા પહેલાં પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા થઈ છે કે નહીં તેની ચકાસણી કરતા નથી.
ગુરૂગ્રામ સિટીના પોશ વિસ્તારોમાં એક-એક ફ્લેટની કિંમત પશ્ચિમના સમૃદ્ધ દેશોના રહેણાંક જેટલી હોય છે, પણ સુવિધાના મામલામાં આ બન્ને વચ્ચે કોઈ તુલના જ થઈ શકે એમ નથી. ચોમાસામાં પાણી ભરાઈ જાય એટલે લોકોએ ફરજિયાત ઘરમાં પુરાઇ રહેવું પડે. અવરોધ વિના વિજળી મળતી રહે તે માટે ટ્રાન્સફોર્મર વસાવેલાં હતાં. વિજળી જાય એટલે આપોઆપ આ ટ્રાન્સફોર્મર ચાલુ થઈ જવા જોઈતાં હતાં, પણ ચોમાસાનાં પાણી ભરાયાં એટલે આખેઆખાં ટ્રાન્સફોર્મર પાણીમાં ગરકાવ થઈ ગયા. આવી સ્થિતિમાં રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ન ઉઠે તો જ નવાઈ.
બેંગલુરૂમાં એક ટોચની કંપનીના સીઈઓ હોડીમાં બેસીને જોબ પર જતા હતા એ દ્રશ્ય આપણને યાદ છે. આમ, વાત માત્ર ગુરૂગ્રામની પેલી મહિલાનો નથી, પણ સ્માર્ટ સીટીના દાવાઓથી ભરમાયેલા અનેક શહેરીઓની આ કરમકથની છે.