Get The App

ભારતનું અર્થતંત્ર વિકસતું જાય છે, પણ વિદેશી રોકાણ વધતું નથી

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
ભારતનું અર્થતંત્ર વિકસતું જાય છે, પણ વિદેશી રોકાણ વધતું નથી 1 - image

- વિયેતનામ જેવો ટચુકડો દેશ ચિક્કાર એફડીઆઈ ખેંચી જાય છે

- પ્રસંગપટ

- કરવેરામાં અચાનક ફેરફારો, જૂના નિયમોનું નવું અર્થઘટન, આયાત-નિકાસના બદલાતા નિયમો, નિયંત્રણો વગેરે વિદેશી રોકાણકારોને મૂંઝવી નાખે છે 

ભારત વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે, તેની પાસે સૌથી વિશાળ ગ્રાહક બજાર છે, તોય સૌને મૂંઝવી નાખતો સવાલ આ છેઃ ઝડપી આથક વિકાસ છતાં ભારતમાં વિદેશી રોકાણ કેમ નથી વધી રહ્યું? પહેલી નજરે, આ એક મૂંઝવણભર્યો કોયડો લાગે છે.

દરમિયાન, વિયેતનામ જેવો ઘણો નાનો દેશ ખૂબ જ ઝડપથી વિદેશી મૂડી આકર્ષી રહ્યો છે. વર્લ્ડ બેન્કના ડેટા અનુસાર, ભારતને ૨૦૨૪માં ૨૭.૧ બિલિયન ડોલરનું એફડીઆઈ (નેટ ઇનફ્લો) મળ્યું હતું, જ્યારે વિયેતનામને એ જ વર્ષે ૨૩.૩૫ બિલિયન ડોલરનું વિદેશી રોકાણ મળ્યું હતું. વિયેતનામ જેવા ટચુકડા દેશને આપણા કરતાં ચાર જ બિલિયન ઓછું એફડીઆઈ મળે તે હકીકત ચમકાવી મૂકે તેવી છે.  

ખરેખર શું થઈ રહ્યું છે? આને સમજવા માટે, વૈશ્વિક રોકાણકારને વિદેશના એક જાગૃત પ્રવાસી તરીકે કલ્પી લો, કે જે લાંબા ગાળા કશેક ધામા નાખવાનું વિચારી રહ્યો છે. એ શું શું ગણતરીમાં લેશે? માત્રે જે-તે દેશનું માર્કેટ? ના, તે એ દેશમાં રસ્તાઓ-હવાપાણી અને સુવિધાઓ કેવાં છે, નીતિ-નિયમો કેવાંક પળાય છે, લોકોની સિવિક સેન્સ કેવી છે, અહીં મન ઉચ્ચક રહેશે કે મનને શાંતિ મળશે, તે બધું પણ ધ્યાનમાં લેશે, ખરું? 

ભારતનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે, એનું કદ, એની વસ્તી. દુનિયાના બીજા કોઈ દેશ પાસે આવું વિશાળ સ્થાનિક બજાર નથી. તે જ કારણ છે કે સ્માર્ટફોનથી લઈને ઓટોમોબાઈલ સુધીની બહુરાષ્ટ્રીય બ્રાન્ડ્સ ભારતની અવગણના કરી શકતી નથી. પરંતુ આ વિશાળ કદ બંને રીતે કામ કરે છે. ભારત એક બજાર નથી, તે એકસાથે જોડાયેલા અનેક બજારોનું ઝુંડ છે. વિવિધ રાજ્યોમાં અલગ-અલગ નિયમો છે, કરવેરા (જીએસટી હોવા છતાં), કામદારો-શ્રમિકોનું વલણ, રાજકીય માહોલ અને અમલદારશાહીનો મિજાજ જુદા જુદા છે. જે કામ તમિલનાડુમાં સરળતાથી થાય છે તે ઉત્તર પ્રદેશમાં અટકી શકે છે. જે મંજૂરી ગુજરાતમાં તરત મળી જાય છે, તેના માટે બીજાં રાજ્યોમાં વર્ષો લાગી શકે છે. વિદેશી રોકાણકાર એકધારાપણાથી, સાતત્યથી ટેવાયેલો છે, તેથી ભારતમાં કામ કરવું એને ભૂલભૂલામણીમાં નેવિગેટ કરવા જેવું લાગે છે.

હવે આની સરખામણી ઉદાહરણ માટે અને હાલ પૂરતું વિયેતનામ સાથે કરો. વિયેતનામનો પ્લસ પોઇન્ટ બજારનું કદ નથી, પણ સ્પષ્ટતા છે. ત્યાંની નીતિઓ વધુ સચોટ છે, પરમિશન ઝડપથી મળી જાય છે. રોકાણકારો જાણે છે કે કોની સાથે વાત કરવાની છે, નિર્ણયો લેવામાં કેટલો સમય લાગશે અને પાંચ વર્ષ પછી નિયમો કેવા હશે. વિયેતનામ એક અબજ ગ્રાહકો ઓફર કરતું નથી, પરંતુ તે એક પ્રકારની નિશ્ચિંતતા આપે છે. ભારતમાં કશું જ પ્રેડિક્ટિબલ નથી. નિયમો ઓચિંતા બદલી જાય, જેની મંજૂરી મળી હોય તેના પર અચાનક પ્રતિબંધ લાગી જાય, કામદારોની-એમનાં યુનિયનોની અલગ જ મોકાણ હોય છે. ભ્રષ્ટાચાર તો એટલો બધો કે વાત ન પૂછો.  

ભારતની નીતિઓનો હેતુ સારો હોય છે, પણ એના એક્ઝિક્યુશન એટલે કે અમલમાં ગરબડ થઈ જાય છે. કરવેરામાં અચાનક ફેરફારો, જૂના નિયમોનું નવું અર્થઘટન, આયાત-નિકાસના બદલાતા નિયમો અથવા જે-તે વિશિષ્ટ નિયંત્રણો ચિંતા પેદા કરે છે. વિદેશી રોકાણકારોને કડક નિયમો સામે વાંધો નથી, તેઓ ડરે છે બદલાતા રહેતા નિયમોથી. જ્યારે નિર્ણયો મનસ્વી અથવા રાજકીય રીતે પ્રેરિત લાગે છે, ત્યારે લાંબા ગાળા માટે મૂડી રોકતાં તેઓ અચકાય છે.

ભારતે બિઝનેસ કરવામાં સરળતા લાવવામાં નક્કર પ્રગતિ કરી છે - ડિજિટાઈઝેશન, સિંગલ-વિન્ડો સિસ્ટમ્સ, ઝડપી ક્લિયરન્સ વગેરે, પણ પરંતુ જમીની સ્તર પર પેપરવર્ક હજુ પણ અઢળક કરવું હોય છે. નિયમોનું પાલન કરવું અઘરું છે, મુકદ્દમા ધીમા છે અને કરારનો અમલ કરવામાં વર્ષો લાગી શકે છે. વિયેતનામમાં આ મામલામાં ઓછા સ્તરો છે. વિવાદોનું ઝડપી નિરાકરણ આવે છે. અર્થઘટનમાં સ્પષ્ટતાઓ વધારે છે. 

ભારત પાસે પુષ્કળ લેબર છે, પરંતુ લેબલ લો - કાયદાઓ અને સુધારાઓ - બહુ કોમ્પ્લિીકેટેડ અને રાજકીય રીતે સંવેદનશીલ છે. લોકોની ભરતી કરવી, છૂટા કરવા અને કામગીરી વિસ્તારવી આ બધું કાયદાકીય રીતે મુશ્કેલ બની શકે છે. વિયેતનામ આ દ્રષ્ટિએ વધારે ફ્લેક્સિબલ છે. અહીં માહોલ વધારે પ્રોડક્શન-ફ્રેન્ડલી છે. તેથી જ ચીનમાંથી વિદાય થયેલી વૈશ્વિક સપ્લાય ચેઈન્સ ઘણીવાર ભારતને બદલે વિયેતનામ પર પહેલી પસંદગી ઉતારે છે. 

રોકાણકારોને ભાષણો અને સ્લોગનો પર ઓછો અને સાથીદારોના અનુભવ પર વધુ ભરોસો હોય છે. એક અટકી પડેલો પ્રોજેક્ટ, એક લાંબો ચાલેલો વિવાદ અથવા એક અણધાર્યો કાદયો વૈશ્વિક રોકાણ વર્તુળોમાં જોરથી પડઘાય છે. ભારતની તુલનામાં વિયેતનામને અહીં પણ લાભ મળે છે. 

યાદ રહે, ભારત વિદેશી રોકાણને આકર્ષવામાં નિષ્ફળ નથી. વિદેશી રોકાણકારોને તે આકર્ષે છે જ, પણ પોતાના કદ અને ક્ષમતાના સમપ્રમાણમાં નહીં. તેનું કારણ તકોનો અભાવ નથી, પરંતુ ઘર્ષણ, નીતિગત અનિશ્ચિતતા, અમલદારશાહી, કાયદાકીય વિલંબ અને અસમાન અમલીકરણ છે. એટલે જ વિયેતનામ નાનકડો દેશ હોવા છતાં એની સરળતાને કારણે આગળ વધી જાય છે.