- 7 લાખ કરોડનું ધોવાણ ચિંતાજનક
- પ્રસંગપટ
- એન્થ્રોપિક કંપનીનાં AI ટૂલ્સ લિગલ વર્ક, ડેટા એનાલિસિસ, સેલ્સ વર્કફ્લો વગેરે જેવાં જટિલ કામો કરી શકશે
શેરબજાર સાથે સંકળાયેલી આઇટી કંપનીઓમાં AI કંપની એન્થ્રોપિકનું ભૂત ધૂણી રહ્યું છે. ભારતની ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓમાં ગભરાટ એટલા માટે ફેલાયેલો છે કે એન્થ્રોપિકનાં ટૂલ્સને કારણે કંપનીઓનું નફાનું માર્જીન ઘટી જશે એવી દહેશત છે.
એન્થ્રોપિક એક અમેરિકન કંપની છે, જે AIના એડવાન્સ્ડ મોડલ તૈયાર કરી રહી છે. તે એવાં ટૂલ્સ બનાવી રહી છે, જે લિગલ વર્ક, ડેટા એનાલિસિસ, સેલ્સ વર્કફ્લો વગેરે જેવાં જટિલ બિઝનેસ રિલેટેડ કામ પણ કરી શકશે.
એક તરફ દિલ્હી ખાતે AI મહાકુંભમાં વિવિધ દેશની કંપનીઓ સાથે સંકળાયેલા AI ટેકનોલોજીસ્ટો વિશ્વ માટે ઉપયોગી ટેકનોલોજી કેવી રીતે બનાવી શકાય તેની ચર્ચામાં વ્યસ્ત છે, તોે બીજી તરફ એન્થ્રોપિકની નેગેટીવ અસરમાંથી ભારતની આઇટી કંપનીઓ હજુ બહાર નીકળી શકી નથી. ટીસીએસ અને ઇન્ફોસિસ જેવી કંપનીઓએેકુલ આઠ લાખ કરોડના ધોવાણનો સામનો કર્યો છે. આ ધોવાણ પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સીધી અસર હોવાની ચર્ચા થઇ રહી છે. માત્ર ૮ સેશનમાં વેલ્યૂમાં કુલ આઠ લાખ કરોડ રૂપિયાનું ગાબડું આઇટી ક્ષેત્રમાં ખળભળાટ મચાવનારૂં સાબિત થયું છે.
આઇટી કંપનીઓ રોકાણકારોને એવું સમજાવવાનો પ્રયાસ કરે છે કે AIના પગલે બધું નિરાશૅાજનક નથી થવાનું કે નથી તો કંપનીના સર્વિસ મોડલને કોઇ નુકશાન થવાનું. વળી, જોબની છટણી પણ નહીં થાય. જોકે AIના કારણે અચોક્કસ સ્થિતિ ઊભી થઇ છે તે રોકાણકારો સમજવા લાગ્યા છે.
ભારતની આઇટી કંપનીઓનો પ્રભાવ ભારતના શેરબજાર પર ઘણા સમયથી રહ્યો છે. આઇટી કંપનીઓના શેર સૌના પોર્ટફોલિયોમાં લગડી શેર્સ ગણાતા રહ્યા છે. ભારતની આઇટી કંપનીઓને તગડી માનવામાં આવે છે. તેમાં કરેલું રોકાણ લાંબા ગાળે કમાવી આપનારૂં સાબિત થયું છે, પરંતુ એન્થ્રોપિકનાં AI ટૂલ્સને પગલે ભારતમાં આઇટી કંપનીઓએ ગભરાટ વ્યક્ત કર્યો, જેની સીધી અસર તેમના શેરના ભાવો પર પડી હતી.
ઇન્ફોએજના ફાઉન્ડર સંજીવ ભીખાચંદાનીએ દિલ્હીની સમિટમાં કહ્યું હતું કે યુવા આઇટી પ્રોફેશનલ્સે કેટલાક AI ટૂલ્સને શીખી લેવા પડશે કે જેથી તે AIના ઉપયોગમાં પાછળ ના રહી જાય. તેમણે એમ પણ કહ્યું હતું કે ઉત્પાદન વધારવામાં AI મદદ કરશે, તે જોબ કાપશે તે વાત સાથે હું સંમત થતો નથી. ભીખાચંદાની માને છે કે નવી સિસ્ટમની ચિંતા કરવાના બદલે પોતાની કરીઅર અને જોબમાં AIને શી રીતે વણી શકાય અને કંપનીના ઉપયોગમાં કેવી રીતે લાવી શકાય તેનો વિચાર કરવો જોઇએ. એચસીએલના ભૂતપૂર્વ સીઇઓ વિનીત નાયરે કહ્યું હતું કે AI જોબ આંચકી નથી લેવાનું, પણ હાલની જોબ પૈકીની ૫૦ ટકા જેટલી નોકરીઓને તે નવેસરથી અપડેટ કરશે અને સૌને AIનો ઉપયોગ કરવાની તક પૂરી પાડશે.
કંપનીઓમાં કામ કરતાં મોટી ઉંમરના લોકોનો ગ્રાસ્પિંગ પાવર ઓછો હોવાથી તેમને નવી ટેકનોલોજી શીખતાં કદાચ વાર લાગશે, યુવા પ્રોફેશનલ્સે ૧૦થી ૧૫ જેટલાં AI ટૂલ્સ શીખી લેવા જોઇએ. સમિટમાં એમ પણ કહેવાયું છે કે દરેક ક્ષેત્રે AI આવી ગયું છે. જો તમે તેને શીખવા અને સમજવાનો પ્રયાસ નહીં કરો તો તમે કંપનીના મુખ્ય પ્રવાહમાંથી દૂર થઈ જશો.
એન્થ્રોપિક કંઈ નવી કંપની નથી. ડિસેમ્બર ૨૦૨૫માં એન્થ્રોપિકે ચેટજીપીટી પ્રકારના ચેટબોટ ક્લાઉડનું ૪.૧ વર્ઝન બહાર પાડયું હતું. ત્યાર પછી ૨૫ દિવસમાં અનેક કંપનીઓએેે નવાં ટૂલ્સ બહાર પાડયાં હતાં. એન્થ્રોપિકનું ક્લાઉડ ૪.૫ મોડલ પણ આવ્યું. તે સિંગલ મોડયુલ નથી, પણ તેમાં સોનેટ ૪.૫, હાઇકુ ૪.૫ અને ક્લાઉડ ઓપસ ૪.૫ સમાયેલા છે. તે કોડિંગ, ઓટોનોમસ વર્ક અને ગૂંચવાડાભર્યાં કામોનો ઉકેલ લાવી શકે છે.
અન્ય AI મોડલ કરતાં તે જુદું એટલા માટે તરી આવે છે કે તેમાં કંપનીની પ્રોડક્ટના ઉત્પાદનની કિંમત ઘટાડવાની ક્ષમતા સમાયેલી છે. ક્લાઉડ ૪.૫ એન્થ્રોપિકનું થર્ડ જનરેશનનું મોડલ છે. ૪ ફેબુ્રઆરીએ એન્થ્રોપિકનું ટૂલ બહાર પડયું તે સાથે જ આઇટી શેરોમાં ગાબડાં પડવા લાગ્યાં હતાં.
ટેકનોલોજી નિષ્ણાતો માને છે કે જે ઝડપે AI છવાઇ રહ્યું છે તે જોતાં એમ કહી શકાય તે ભારતની આઇટી કંપનીઓ હવે વત્તેઓછેલ અંશે AI કંપનીઓ બની જશે. અત્યારે તો એન્થ્રોપિક ભારતની આઇટી કંપનીઓ માટે ખલનાયક સાબિત થઇ રહી છે.


