Get The App

નવી પેઢીને અખાત્રીજ સાથે સંકળાયેલા અક્ષયપાત્ર, તાંદુલની સમજ આપવી જોઈએ

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
નવી પેઢીને અખાત્રીજ સાથે સંકળાયેલા અક્ષયપાત્ર, તાંદુલની સમજ આપવી જોઈએ 1 - image

- અખાત્રીજને માત્ર સોના-ચાંદીથી તોલવાની જરૂર નથી

- પ્રસંગપટ

- ધાર્મિક પર્વો જીવનને સુખી બનાવતી જડીબુટ્ટીથી ભરેલા છેઃ ધાર્મિક પર્વોની સમજ અને તેમના મહાત્મયનો પ્રચાર જરૂરી

અખાત્રીજ અથવા અક્ષય તૃતિયા આડે એક દિવસ બાકી રહ્યો છે. માર્કેટીંગ કરતી કંપનીઓએ અખાત્રીજને સોનાની ખરીદી સાથે જોડી દેવામાં જોરદાર સફળતા મેળવી છે. હાલ જ્યારે દસ ગ્રામ સોનાનો ભાવ ૧ લાખ ૫૩ હજાર રુપિયા અને ૧ કિલો ચાંદીનો ભાવ અઢી લાખને ઓળંગી ગયો છે ત્યારે આ અખાત્રીજે મધ્યમ વર્ગ ખરીદી કરવાનું વિચારી પણ શકે એમ નથી.

અખાત્રીજનો સંબંધ એકાધિક  ધાર્મિક કથાઓ સાથે જોડાયેલો હોવા છતાં આ કથા-તહેવારોને એક તરફ હડસેલી દેવાયા છે. અખાત્રીજ એેટલે આખો દિવસ સારો, તેથી કોઈ પણ શુભ કામ માટે અખાત્રીજ ઉત્તમ દિવસ. અખાત્રીજના ધાર્મિક-આધ્યાત્મિક પરિમાણનું કશું 'માર્કેટિંગ' કરવામાં આવતું નથી. ધર્મનો પ્રચાર કરતી 'એજન્સી'ઓ અને કથાકારોએ પણ અખાત્રીજના મહાત્મ્યને નવી પેઢી સુધી પહોંચાડવાની કશી દરકાર કરી કે નથી સોશિયલ મિડીયાનો ઉપયોગ કર્યો.

કદાચ આ જ કારણે અખાત્રીજને કેવળ સોના-ચાંદીની ખરીદી સાથે જોડી દેવામાં સફળતા મળી છે. વાસ્તવમાં આપણા ધાર્મિક ગ્રંથોમાં અખાત્રીજે સોના-ચાંદી ખરીદવાનો ઉલ્લેખ ક્યાંય કરાયો નથી, પરંતુ આ દિવસ શુભ હોવાથી તે દિવસે ખરીદેલી ચીજો બેવડાય છે એવી માન્યતાને પ્રચલિત કરીને લોકોને સોના-ચાંદીતરફ વાળવામાં આવ્યા છે.

પૌરાણિક કથાઓ નવી પેઢીને ગળે ઉતારવી કે તેમને સરળતાથી સમજાવવી મુશ્કેલ છે. તેથી આ કથાઓને આધુનિક સ્પર્શ આપવો જોઈએ, પણ આવો કોઈ  પ્રયાસ કરવામાં આવતો નથી.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મિડીયા પર 'ફ્રેન્ડ્સ'નો ભારે મહિમા હોય છે, પણ અખાત્રીજના દિવસનો સંબંધ ભગવાન કૃષ્ણ અને તેમના લંગોટીયા મિત્ર સુદામા સાથે છે તે નવી પેઢી જાણતી નથી. અખાત્રીજને દિવસે સુદામા કૃષ્ણના મહેલે ગયા હતા ને કૃષ્ણ તેમને મળવા દોડયા હતા. એક તરફ દરિદ્રતાના પ્રતીક જેવા સુદામાં છે, તો બીજી તરફ રાજાઓના રાજા ભગવાન કૃષ્ણ છે. વર્ષો પછી બંનેનું મિલન થાય છે. ગરીબ સુદામા એક પોટલીમાં તાંદુલ લઇને આવ્યા છે. ભગવાન પ્રેમથી તે આરોગે છે. બંનેની આંખોમાં અશ્રુધારા વહેતી રહે છે. ભજનિકો કૃષ્ણ-સુદામા મિલનનું વર્ણન  અવારનવાર કરતા હોય છે.

એવી જ રીતે અક્ષયપાત્ર પણ પાંડવો પાસે અખાત્રીજના દિવસે જ આવ્યું હતું. યુધિષ્ઠિરને અક્ષયપાત્ર ભગવાન સૂર્યદેવે આપ્યું હતું. ખાવાનું ના ખૂટે એવું અક્ષયપાત્ર પાંડવોના વનવાસ દરમિયાન ચિંતા મટાડનાર હતું. અક્ષયપાત્ર આજના જમાનામાં સુસંગત નથી, પરંતુ દાનવીરો પોતાના દાનનો પ્રવાહ અવિરત ચાલુ રાખે છે ત્યારે અક્ષયપાત્રની યાદ આવી જાય છે. 

અખાત્રીજના દિવસને સોના-ચાંદીની ખરીદી સાથે કેવી રીતે જોડવામાં આવ્યું તેની પાછળ પણ એક ધામિક કારણ છે.  ભગવાન ઇન્દ્રએ નાણા પ્રધાન તરીકે કુબેર ભંડારીની નિમણૂક કરી હતી. અખાત્રીજને કુબેરની પૂજા કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે. માન્યતા એવી છે કે આ દિવસે કુબેર સ્વયં લક્ષ્મી માતાની આરાધના કરે છે. વડોદરા નજીક કુબેર ભંડારીનું મંદિર છે, જ્યાં  લોકો પૂનમ કરતા હોય છે. 

અખાત્રીજ સાથે સંકળાયેલા ધામિક સંદર્ભો મહત્ત્વના છે, પણ ધાર્મિક પર્વો કોઇ કોમોડીટી નથી કે તેનું માર્કેટીંગ થઇ શકે. હવે જ્યારે સોશ્યલ મિડીયા પર લોકો સમક્ષ સાચું-ખોટું બધું પીરસાય છે ત્યારે ધાર્મિક પર્વોની સમજ અને તેમનું મહાત્મ્ય દર્શાવતી રીલ્સ પણ વાઇરલ કરવી જોઈએ.  તટસ્થ અને પ્રોફેશનલ એજન્સીઓને આ કામ સોંપવું જોઈએ. પર્વ સંબંધિત ક્વિઝ વગેરેનું આયોજન કરીને નવી પેઢીને આકર્ષવી જોઈએ. 

ધાર્મિક પર્વો સાથે સંકળાયેલા ઉપદેશો  રોજીંદા જીવનમાં કેવીરીતે ઉપયોગી બની શકે તેની સમજ પણ ઊભી કરવાની જરૂર છે. તહેવારો આવે છે અને જાય છે, પરંતુ પ્રજા રોજીંદી હાડમારીમાંથી બહાર આવી શકતી નથી. આમ જોવા જાઓ તો દરેક ધાર્મિક પર્વ રોજીંદા જીવનને સુખી બનાવવાની જડીબુટ્ટીથી ભરેલું છે. લોકો સુધી આ જડીબુટ્ટી કેવી રીતે પહોંચાડી શકાય તે વિચારવાની જરૂર છે.

જો આવી સમજ ખીલશે તો અખાત્રીજે લોકો દાન કરતા થશે અને ખોટી ચમકદમકથી દૂર રહેશે.