Get The App

400 એકર જમીન પરનું જંગલ સફાચટ થતા બચ્યું

Updated: Apr 17th, 2025

GS TEAM

Google News
Google News
400 એકર જમીન પરનું જંગલ સફાચટ થતા બચ્યું 1 - image

- તેલંગણાના વિદ્યાર્થીઓની જાગૃતિ રંગ લાવી

- પ્રસંગપટ

- તેલંગણા સરકારનું 400 એકરમાં આઇટી પાર્ક બનાવવાનું સપનું હાલ પુરતું સ્થગિત 

હૈદરાબાદની ૪૦૦ એકર જમીન પર ફેલાયેલા જંગલનો નાશ કરવા બુલડોઝર ફેરવી રહેલી તેલંગણા સરકારને લોકોનો, ખાસ કરીને વિદ્યાર્થીઓના  આક્રોશનો સામનો કરવો પડયો છે. સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યા બાદ વૃક્ષો કાપવાનું અટકી ગયું છે, પરંતુ વિકાસ વિરૂદ્ધ પર્યાવરણની રક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. કાંચા ગચીબાવલી વિસ્તારમાં વર્ષો જૂનાં ઘટાદાર વૃક્ષો છે. આખો વિસ્તાર શહેરની મોકાની જગ્યા પર ફેલાયેલા જંગલ સમાન છે. તેમાં વન્ય પ્રાણીઓ પણ રહે છે. તે જમીન પર જ્યારે પહેલા દિવસે બુલડોઝર ફર્યું ત્યારે હરણોએ દોડધામ કરી મુકી હતી અને પક્ષીઓની ચિચિયારીઓથી આખો વિસ્તાર ગુંજી ઉઠયો હતો.

તેલંગણાની સરકારે ગયા ફેબુ્રઆરીમાં યુનિવર્સિટી ઓફ હૈદરાબાદને સ્પર્શીને આવેલા ૪૦૦ એકર જેટલી જંગલ ખાતાની જમીનમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક (આઇટી પાર્કે) ઊભો કરવા આ જમીનની હરાજી કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો હતો, જે અંતે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ૪૦૦ એકરનું આ જંગલ સસ્તન પ્રાણીઓ તેમજ પક્ષીઓનું આશ્રયસ્થાન છે. પર્વતો, વૃક્ષો, ઝરણાં ઇત્યાદિને કારણે તેની શોભા વધતી હતી. તે શહેરની મધ્યમાં હોવાના કારણે શહેરનું ઉષ્ણતામાન ઓછું રહેતું હતું અને હવામાં ભેજનું પ્રમાણ વધેલું રહેતું હતું. 

તેલંગણાની સરકારે ખુલાસો કર્યો કે અમે ૪૦૦ એકરમાં જે આઇટી પાર્ક બનાવવા માગીએ છીએ, જેનાથી રાજ્યમાં ૫૦,૦૦૦ કરોડનું રોકાણ આવશે તેમજ પાંચ લાખ નવી જોબ ઊભી થશે. એ પણ હકીકત એ છે કે આ વિસ્તાર હૈદરાબાદનો સૌથી સમૃધ્ધ વિસ્તાર હોવાથી અહીં પ્રોપર્ટીના ભાવ શહેરમાં સૌથી ઊંચા છે. હૈદરાબાદના નાગરિકોમાં બે મત પ્રવર્તે છે. કેટલાક કહે છે કે આઇટી પાર્ક ઊભો થવા દેવો જોઇએ અને તે માટે કાપવા પડતાં વૃક્ષોની સંખ્યા જેટલાં વૃક્ષો અન્યત્ર રોપવાં જોઇએ. સામે પક્ષે,એક વર્ગ કોઇ પણ સંજોગામાં વૃક્ષો કપાવવા ના જોઇએ તેમ માને છે, કેમ કે વૃક્ષોને મોટાં થવામાં વર્ષો વીતી જાય છે. વિકાસ અને પર્યાવરણને નુક્સાન બંનેે એક સાથે ચાલી શકે એમ નથી.

વસ્તી વધી રહી છે, બેરોજગારીનો દર વધી રહ્યો છે. ઉદ્યોગો સિવાય કોઇ રોજગારી આપી શકે એમ નથી તે પણ હકીકત છે, તો સામે છેડે દૂષિત હવામાનમાં માનવજીવન સ્વસ્થ રહી શકે તેમ નથી. એ શક્ય છે કે તેલંગણાની સરકાર પ્રોજેક્ટ અન્યત્ર ખસેડી શકે છે કે થોડી ઓછી જગ્યામાં કારખાનાં ઊભાં કરી શકે છે. 

આ વિવાદ ચાલુ છે ત્યારે ચન્દ્રાબાબુ નાયડુની આંધ્રપ્રદેશની સરકારે વિશાખાપટ્ટનમાં ૨૧.૧૬  એકર જમીન માત્ર ૯૯ પૈસાની લીઝથી ટાટા કન્સલટન્સી સર્વિસ (ટીસીએસ)ને ફાળવીને ત્યાં આઇટી પાર્ક ઊભો કરવાની જાહેરાત કરી છે. હવે ટીસીએસ અહીં ૧૩૭૦ કરોડ રુપિયાનું રોકાણ કરીને આઇટી પાર્ક ઊભો કરશે, જેના પગલે ૧૨,૦૦૦ લોકોને જોબ મળશે. 

સુપ્રીમ કોર્ટે આપેલો સ્ટે આવકાર્ય છે, પરંતુ સ્ટે એ સોલ્યુશન નથી. દરેક રાજ્ય રોજગારી ઊભી કરવા પ્રયાસો કરે છે. તે માટે જમીન જોઇએ અને જમીન મેળવવા માટે વૃક્ષો કાપવા પડે. તમામ રાજ્ય વિકાસના નામે વક્ષોનું નિકંદન કાઢી રહ્યાં છે. કાયદાનું થીંગડું મારીને તેને લાંબો સમય અટકાવી શકાય એમ નથી. 

તેલંગાણાની સરકારે હૈદરાબાદની સરહદે ૨,૦૦૦ એકરમાં ઇકો પાર્ક ઊભો કરવાની જાહેરાત કરી છે, પરંતુ આંદોલન કરતા વિદ્યાર્થીઓને સરકારની વાતો પર ભરોસો નથી. ૧૯૭૪માં હૈદ્રાબાદ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી ત્યારે તેને ૨૩૦૦ એકર જમીન ફાળવવામાં આવી હતી. હાલની વિવાદાસ્પદ એવો ૪૦૦ એકરનો ટુકડો તેનો જ એક ભાગ છે. સરકારે આ જમીન વિવિધ ઉદ્દેશો માટે ફાળવી હતી. છેલ્લે એક ખાનગી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપનીને ફાળવવામાં આવી હતી, પરંતુ જમીનનો ધાર્યો ઉપયોગ થઇ શક્યો નહોતો.  

તેલંગાણા સરકારનું ૪૦૦ એકરમાં આઇટી પાર્ક બનાવવનું સપનું હાલ પુરતું સ્થગિત થઇ ગયું છે, પરંતુ જનતાને એ વિચારતું કરી ગયું છે કે કોઇ મુખ્યપ્રધાન આઇટી પાર્કને બદલે જંગલ ઊભું કરવાના પ્રોજેક્ટને કેમ પ્રોત્સાહન નથી આપતા? તેનાથી કદાચ રોજગારી નથી વધતી, પરંતુ લોકોને જીવાડતી ચોખ્ખી હવા અને શુદ્ધ પર્યાવરણ મળી શકે છે.