- વાયરલ એ કોઇ રોગ નથી, પરંતુ તે ચેપનાં લક્ષણો છે
- પ્રસંગપટ
- ભાગદોડવાળી જીંદગીમાં લોકો સામાન્ય તાવ, ખાંસી કે ઉધરસને ગાંઠતા નથી, પરંતુ છેલ્લે ઝડપાઇ જાય છે
વાયરલ ફીવરના આતંકનો અનુભવ ઘેર ઘેર જોવા મળી રહ્યો છે. ભલભલા તંદુરસ્ત માણસને તે નરમઘેંશ જેવો બનાવી દે છે. અચાનક શરીર પર કબજો જમાવી દેતા વાઇરસ મોટા પાયે પ્રસર્યા છે. જનરલ પ્રેકટીશનરોને ત્યાં લાંબી લાઇનો જોવા મળે છે. અનેક લોકો ડોક્ટર પાસે જવાના બદલે મેડીકલ સ્ટોર્સ પર જઈને વાયરલના મારણ સમાન દવાઓ લઇ આવે છે. ટાઢ વાય ને સાથે તાવ પણ આવે તો મેલરીયાની દવા લેવી અને શરદી-ખાંસી હોય તો એલર્જીની દવા લેવાી - આટલું જ્ઞાાન તો હવે સૌ કોઈ ધરાવતા થઈ ગયા છે.
સંજોગો સામાન્ય ન જણાય ત્યારે જ લોસો ખુબ અસામાન્ય સંજોગોમાં લોકો મેડિકલ પ્રકટીશનર પાસે જાય છે. લોકો પાસે માંદા પડવાનો સમય નથી એટલે તે ડોક્ટરને ઇન્જેકશન આપવા વિનંતી કરે છે. હોશિયાર અને અનુભવી ડોક્ટરો પહેલાં ગોળીઓથી વાઇરસ મટાડવા પ્રયાસ કરે છે. જો તે રીતે વાઇરલ કાબુમાં ના આવે તો છેલ્લે ઇન્જેક્શનને સહારો લે છે. ભાગદોડ વાળી જીંદગીમાં લોકો સામાન્ય તાવ કે ખાંસી ઉધરસને ગાંઠતા નથી. તેમની પાસે રજા લઈને આરામ કરવા માટે બે ત્રણ દિવસ હોતા નથી. પરંતુ વાયરલનો હુમલો એટલો તીવ્ર હોય છેકે તેનો ભોગ બનનાર ફસડાઇ પડે છે.
વાયરલનો ભોગ બનનારનું શરીર નબળું પડી જાય છે, તેની તાકાત ક્ષીણ થઇ જાય છે. આ નબળા પડી ગયેલા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. એટલેજ કહે છે કે જો વાયરલમાં સમયસર સારવાર ના લેવાય તો અન્ય રોગો માટેનું પ્રવેશદ્વાર શરીરમાં ખુલતું જાય છે. પુખ્ત ઉંમરના લોકો વાયરલમાં સપડાય ત્યારે તેનો સામનો કરી શકતા નથી પરંતુ તે ધીરે ધીરે પોતાની જાતને એડજેસ્ટ કરી લે છે. તેને નથી તો ખાવામાં સ્વાદ આવતો કે નથી કશું ભાવતું. નાના બાળકો વાયરલની ઝપટમાં આવી જાય છે ત્યારે તેની રોગ પ્રતિકારક શક્તિ ઓેછી હોવાના કરાણે તેને ન્યૂમોનીયા સુધીની અસર થતી હોય છે. તેમનાથી તાવ-ઉધરસ સહન ના થાય એટલે તે બેચેની સાથે સતત રડયા કરે છે.
વરસાદ પડવાની શક્યતા હવે બહુ ઓછી જણાઇ રહી છે. વરસાદ બંધ થતાં જ વાયરલે માથું ઉંચક્યું છે. તંદુરસ્ત માણસ અચાનક જ વાયરલનો ભોગ બને છે ત્યારે તે સાવ ઢીલોઢફ થઇ જાય છે. ભાગ્યેજ બિમાર પડતા લોકો પણ વાયરલના શિકાર બનતા હોય છે. વાયરલ માણસને મારતો નથી પણ અધમૂઓ કરી નાખે છે. તેને મટતાં ઓછામાં ઓછા ચાર દિવસનો સમય લાગે છે. અહીં મહત્વનું એ છે કે વાયરલ એ કોઇ રોગ નથી, પરંતુ તે ચેપના લક્ષણો છે. તેનાથી શરીરનું તાપમાન વધે છે. કેટલાક વાયરસ શ્વસન તંત્ર પર કાબુ જમાવી દે છે જેના કારણે કફ, શરદી , ઉધરસ વગેરે જોવા મળે છે.
મચ્છર કરડવાથી ડેન્ગયૂ કે ઝીકા જેવા વાયરસ પ્રસરે છે. તેના કારણે તાવ અને સાંધાના દુખાવા જેવાં લક્ષણો જોવા મળે છે. રોટા વાયરસથી પેટના દુખાવા જેવાં લક્ષણો જોવા મળે છે. આ કેસમાં દર્દી ઝાડા-ઉલટીના ભોગ બની શકાય છે. આમ વાયરલ ફીવર વિવિધ પ્રકારના વાયરસથી પ્રસરતા હોય છે.
વાયરલ અને બેક્ટેરીયા ફીવરમાં ફર્ક છે. વાયરલ ફીવર માટે એન્ટીબાયોટિક્સની જરૂર નથી પડતી. જ્યારે બેક્ટેરિયા ફીવર એન્ટીબાયોટીક્સ વગર મટતો નથી.
હાલમાં બદલાતી સિઝનનો માહોલ જોવા મળે છે. બપોરે સખત તાપ પડે છે તો રાત્રે વાતાવરણ ઠંડુ હોય છે. આવી સિઝનમાં વાયરલ ઇન્ફેકશન વધે છે. વાયરલ મચ્છરો મારફતે પણ પ્રસરે છે. વાયરલ ફીવર દરમ્યાન યોગ્ય સારવાર ના લેવાય તો તે આગળ વધે છે. કેટલાય લોકો જાતે જ ડોક્ટર બનીને નિદાન કરવામાં અને સારવાર આપવામાં માનતા હોય છે. ટાઢ સાથે તાવ આવ ેતો લોકો જાતે જ ક્વોરોક્વિનની ગોળીઓ લે છે. પરંતુ તે વધુ લેવાથી ગરમ પડી શકે છે.
ટાઢ સાથે તાવ આવે તો બ્લડ ટેસ્ટ કરાવવો જરૂરી બની જાય છે. ઘરમાં કોઇને વાયરલ થયો હોય તો અન્ય સભ્યોને ચેપ ના લાગે એટલે માસ્ક પહેરવો અને દરેકને ઉકાળેલું પાણી પીવાની સૂચના આપવી જોઇએ. મચ્છરો ભગાડવા જોઇએ. બહારનો ખુલ્લો ખોરાક ખાવાનો બંધ કરવો જોઇએ. આદુ અને મધ મિશ્રીત ચા પીવી જોઇએ અને ઘરના દરેક સભ્યને અઠવાડીયે એકવાર સુદર્શન ચૂર્ણ જેવી કડવી દવા આપવી જોઇએ. વાયરલ ત્રાટકે તે પહેલાં અગમચેતીના પગલાં લેવા જોઇએ. બહારનું ખાવાનું બંધ કરો, ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો અને ખાંસી ખાતા લોકોથી પણ દૂર રહો.


