Get The App

જાતિવાદના ખપ્પરમાં હરિયાણાના બે પોલીસ અધિકારીઓએ જીવન ટૂંકાવ્યું

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
જાતિવાદના ખપ્પરમાં હરિયાણાના બે પોલીસ અધિકારીઓએ જીવન ટૂંકાવ્યું 1 - image

- જાતિનું અપમાન દર્દનાક પૂરવાર થતું હોય છે

- પ્રસંગપટ

- પહેલાં ડીએસપી અને પછી એએસઆઇએ આપઘાત કરીને તંત્રની પોલ ખોલી નાખી

- સંદીપ કુમાર (ડાબે), વાય. પુરન કુમાર અને અમનીત પુરન કુમાર

આર્થિક ભીંસ અનુભવતા, પ્રેમભંગ કે મોહભંગ થયેલા કમનસીબ લોકો  આપઘાત કરે તે સમજી શકાય છે, પરંતુ આઇપીએસ થયેલા પોલીસ અધિકારી આપઘાત કરે ત્યારે તેની માનસિક સ્થિતિ અને અન્ય પાસાંની પાક્કી ચકાસણી થવી જોઇએ. 

હરિયાણાનું પોલીસ તંત્ર વિવાદમાં સપડાયું છે. પોલીસ તંત્ર ખોટું આચરણ કરનારા પર તો ત્રાટકે જ છે, પરંતુ પોતાના ખાતામાં ચાલતા ભ્રષ્ટાચારને દબાવી દેવામાં બહુ ઉસ્તાદ સાબિત થઇ રહ્યું છે.  પોલીસ અધિકારીઓએ પોતાના ઉપરી અધિકારીઓને ખુશ કરવા પડે છે. સામાન્ય પ્રજાને દમ મારીને પૈસા પડાવી લેતી પોલીસે ક્યારેય પોતાના ખાતામાં ચાલતી ઉપરી અધિકારીઓની જોહુકમી સામે અવાજ ઉઠાવતી નથી. જે અવાજ ઉઠાવે છે તે અધિકારીઓનો દુશ્મન બની જાય છે. 

અલબત્ત, અપવાદો પણ હોવાના. ક્યાંક સિંઘમ સ્ટાઇલના અધિકારીઓ પણ જોવા મળે છે. બહારના રાજ્યમાંથી આવતા પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ અધિકારીઓ વચ્ચેની કોલ્ડ વોર વર્ષોથી ચાલી આવે છે. દરેક  સરકારને તેની જાણ હોય છે, પરંતુ તે આંખ આડા કાન કરે છે. અપમાન અનેક રીતે થઈ શકે છે, પણ જાતિવાદનું અપમાન બહુ ઘૃણાસ્પ્રદ હોય છે. પછાત જાતિમાંથી આગળ આવેલા લોકો આવા સીધા અને આડકતરા અપમાનો સહન કર્યા કરતા હોય છે.

હરિયાણામાં આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર સંદીપ કુમારનો આપઘાત કરેલો મૃતદેહ મળી આવ્યો. તેને પોલીસ તપાસ માટે સોંપવાના બદલે કુટુંબીજનો તેને પોતાના વતનમાં લઇ ગયા છે.  કુટુંબીઓએ માંગણી કરી  છે કે જ્યાં સુધી આઇપીએસ ઓફિસર વાય. પુરન કુમારની આઇએએસ પત્ની અમનીત પુરન કુમારની ધરપકડ નહીં થાય ત્યાં સુધી  અમે અંતિમ વિધિ કરવાના નથી. 

અહીં મહત્ત્વની વાત એ છે કે આઇપીએસ  ઓફિસર વાય. પુરન કુમારે પણ ૭ ઓક્ટોબરે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. સંદીપ કુમારના ફેમિલીનું માનવું છે કે આઇએએસ અમનીત પુરન કુમાર ખલનાયિકા છે અને મોત પાછળનું ખરું કારણ છે. 

સંદીપ કુમારના ફેમિલીની એવી માંગ છે કે પહેલાં અમનીત કુમારને જેલમાં ધકેલો પછી જ અમે મૃતદેહની અંતિમ વિધિ કરીશું. સંદીપ કુમારના કુટુંબનો આક્ષેપ એવો છે કે જ્યારથી અધિકારી વાય. પુરનકુમારના ગનમેનને સંદીપે પકડયો છે ત્યારથી એના પર ત્રાસ ગુજારવો શરૂ થઈ ગયો હતો. મારા પર ત્રાસ ગુજારાય છે એવું તેણે આપઘાતના બે દિવસ પહેલાં જણાવ્યું હતું. આપઘાત કરનાર આઇપીએસ પુરન કુમારની સંપત્તિ ૨થી ૩ હજાર કરોડ હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. 

સંદીપના કુટુંબે કહ્યું છેકે અમને ટીવી સમાચાર જોઈને એના મૃત્યુની ખબર પડી હતી. સંદીપના પિતા પણ પોલીસમાં હતા. સંદીપના પરિવારમાં પત્ની, સાત વર્ષનો પુત્ર અને બે પુત્રીઓ છે. ભ્રષ્ટાચાર અને જાતિવાદના રાજકારણે સંદીપનો ભોગ લીધો છે.  

સંદીપનો મૃતદેહ રોહતક પાનીપત રોડ પરથી મળ્યો હતો. સાથે ત્રણ પાનાની ચીઠ્ઠી  પણ મળી આવી હતી. તેમાં એવો ઉલ્લેખ હતેા કે કેટલાક કેસમાં તપાસ દરમ્યાન મારી સામે આક્ષેપો કરીને મારી ધરપકડ કરવામાં આવશે. સંદીપે એક વિડીયો તૈયાર કરીને તેમાં  કહ્યું છે કે વાય.પુરન કુમારે ચાર્જ સંભાળતાંની સાથે જ ભ્રષ્ટ અધિકારીઓને પોતાની આસપાસ ગોઠવી દીધા હતા. આ અધિકારી જાતિવાદનું રાજકારણ રમવા લાગ્યા હતા.આઇપીએસ વાય. પુરન કુમારના આપઘાતના કેસની તપાસ ચાલી રહી હતી ત્યાં જ સંદીપે લખેલી ચિઠ્ઠી અને વિડીયો હાથ લાગ્યા છે. એમાં રજૂ થયેલી વિગતોમાં ઊંડા ઉતરવાથી અનેક નવી માહિતી મળી શકે તેમ છે. 

આપઘાત કર્યો ત્યારે સંદીપ કુમાર  રોહતકના સાયબર સેલ ઇન્ચાર્જ હતા. એણે ચિઠ્ઠીમાં લખ્યું છે કે પુરન કુમારે ખાતામાં જાતિવાદનું રાજકારણ શરૂ કર્યું હતું. આઇપીએસ પુરન કુમારે પણ  આપઘાત કરતાં પહેલાં ચિઠ્ઠીમાં લખ્યું હતુંકે કેટલાક અધિકારીઓએ મને પરેશાન કરીને એકલો પાડી રહ્યા છે. જેમનું કામ આપઘાત અટકાવીને લોકોને જાગૃત કરવાનું છે તે જ આપઘાતનો માર્ગ અપનાવે તે કેવું?