Get The App

તુર્કી અને અઝરબૈજાને પોતાના પગ પર આર્થિક કૂહાડો માર્યો છે

Updated: May 16th, 2025

GS TEAM


Google News
Google News
તુર્કી અને અઝરબૈજાને પોતાના  પગ પર આર્થિક કૂહાડો માર્યો છે 1 - image


- ભારતીયો દેશદાઝ અનેક રીતે વ્યક્ત કરે છે

- પ્રસંગપટ

- કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા આ દેશો સાથે આર્થિક સંબંધો તોડવાનો વેપારીઓને અનુરોધ  

પાક્સ્તિાનના ત્રાસવાદી અડ્ડાઓ ફૂંકી મારવા ભારતે આદરેલા ઓપરેશન સિંદૂર દરમ્યાન પાકિસ્તાનને ટેકો આપનાર તુર્કી હવે પેટ ભરીને પસ્તાઇ રહ્યું છે. ભારતમાં તુર્કી અને અઝરબૈઝાનનો બહિષ્કાર કરવાની ઝુંબેશ શરૂ થઇ ગઈ છે. ભારત પર આધારિત તુર્કી અને અઝરબૈજાનની આર્થિક કમર ભારત તોડી શકે છે. કુલ ૨૦ લાખ જેટલા પ્રવાસીઓએ તુર્કીની ફ્લાઇટ ટિકિટો કેન્સલ કરાવી છે. જેમ માલદીવ્ઝનો બહિષ્કાર કરીને ભારતીય ટુરિસ્ટોએ આર્થિક ફટકો માર્યો હતો એમ હવે તુર્કીને પણ આર્થિક ફટકો મારવાનો મૂડ આકાર લઇ રહ્યો છે.

ભારતીયોમાં દેશદાઝ ઠાંસી ઠાંસીને ભરેલી છે એ તો નક્કી. દેશનો દરેક નાગરિક કંઈ સરહદ પર જઇ શકવાનો નથી. તેઓ પછી આ રીતે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરે છે. અલબત્ત, આ તુર્કી અને અઝરબૈજાન ફરવા ન જવા પાછળ 'યુદ્ધ નવેસરથી ફાટી નીકળે તો? આવા માહોલમાં હવાઇ સફર કેટલી સલામત? આપણે વિદેશની ધરતી પર ફસાઈ જઈએ તો?'  - આ પ્રકારનો ડર પણ મોટી ભૂમિકા ભજવી રહ્યો છે.   

પાક્સ્તિાનને ટેકો આપનાર દેશો એટલે ત્રાસવાદને ટેકો આપનાર દેશો એવું સમીકરણ હવે નિશ્ચિત થિઇ ગયું છે. તુર્કીે બનાવટના ડ્રેાનનો પાકિસ્તાને હુમલામાં ઉપયોગ કર્યો હતો, જેને  ભારતની સુરક્ષા એજંસીઓએ તોડી પાડયા હતા. ભારતે આ મુદ્દે ઇસ્તમ્બુલને જાણકારી આપીને વિરોધ પણ નોંધાવ્યો હતો.

 અઝરબૈજાન કરતાં ભારત ૩૮ ગણું મોટું છે. એવી જ રીતે તુર્કી પણ ભારત કરતાં ક્યાંય નાનું છે. આ બંને દેશો સાથે ભારત બિગ બ્રધરની ભૂમિકા ભજવતું આવ્યું છે, પરંતુ પાકિસ્તાનને ટેકો આપીને તેમણે ભારતને દગો કર્યો છે.

 ભારતીયો બરાબર જાણે છે કે પાકિસ્તાનને ટેકો આપનારા આ નાના દેશોના બિઝનેસ પર તરાપ મારીને તેમને ગૂંગળાવી શકાય છે. 

ભારતીયોએ સૌથી પહેલું શસ્ત્ર તુર્કી અને અઝરબૈઝાનની ટુરો કેન્સલ કરીને ઊગામ્યું છે. ટુરીસ્ટ વિના આ દેશો ઉજ્જડ બની જવાના છે. ભારતના ટુરીસ્ટોએ કુલ ત્રણ લાખ જેટલાં બુકીંગ કેન્સલ કરાવીને બતાવી આપ્યું છે કે અમે પણ અમારી રીતે મિની સર્જિકલ સ્ટ્રાઇક કરી શકીએ છીએ.

 ભારતના તુર્કી અને અઝરબૈજાન સાથેના વ્યાપારી સંબંધો પર એક નજર ફેરવી લઈએ. 

...૨૦૨૩-૨૪માં ભારતે ૯૬૦ મિલિયન ડોલરના બળતણના મટીરીયલ અને ઓઇલની  તુર્કીમાં નિકાસ કરી હતી.

...ભારતથી ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સ, કેમિકલ્સ, દવાઓ, પ્લાસ્ટિક,  રબર વગેરેની તુર્કીમાં નિકાસ થાય છે.

...તુર્કીથી ભારતમાં આવતા માલ-સામાનમાં માર્બલ, ફ્રેશ એપલ, ચૂનો, સિમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. 

... અઝરબૈજાનમાં ભારત તમાકુ, તેની બનાવટો વગેરેની નિકાસ કરે છે. ૨૦૨૩-૨૪ના આંકડા પ્રમાણે ભારતે અઝરબૈજાનમાં ૨૮.૬૭ મિલિયન ડોલરના માલસામાનની નિકાસ કરી છે.

...અઝરબૈજાનથી મંગાવાતી ચીજોમાં પરફ્યૂમ, ચામડું વગેરેનો સમાવશે થાય છે. ભારતે ૨૦૨૩-૨૪ દરમિયાન અહીંથી ૧.૫૨ મિલિયન ડોલરના માલસામાનની આયાત કરી હતી. 

આ બંને દેશો કદાચ હજુ સુધી ભારત સાથેના વ્યાપારી સંબંધો બગડવાની ગંભીરતા સમજ્યા નથી. ભારતે આયાત- નિકાસ બંધ કરશે, અથવા મોટા પ્રમાણમાં ઘટાડી દેશે તો બંને દેશોમાં રોજીંદી ચીજોના ભાવો પર તેની અસર પડી શકે છે. આર્થિક ફટકાની અસર નાના દેશોના વેપાર વ્યવસાય પર વધુ થતી હોય છે.

યુદ્ધના માહોલમાં પાકિસ્તાનને ટેકો આપીને અઝરબૈજાન અને તુર્કીએ પોતાના પગ પર કુહાડો માર્યો છે. આ બંને દેશોએ ભરેલાં પગલાંથી ભારત સાથેના તેમના વેપારી સંબંધો વણસી ગયા છે. ભારત સરકારે આ બંને દેશોે પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે, પરંતુ ભારતીય વેપારીઓ તો પોતાની રીતે આ બંને દેશોને આર્થિક ફટકો મારવા તૈયાર થયા છે.

ભારતના વેપારી સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે વેપારીઓને તુર્કી તથા અઝરબૈજાન સાથેના આર્થિક સંબંધો તોડી નાખવાનો  અનુરોધ કર્યો છે. ભારતીય વેપારીઓ આ બંને દેશો સાથેેના આર્થિક સંબંધો તોડીને તેમના પર આર્થિક સ્ટ્રાઇક કરવાના મૂડમાં આવી ગયા છે. 

Tags :