વ્હાઇટ હાઉસમાં સેક્સ સ્કેન્ડલનાં ભૂતો ધૂણે છે
- ભારતના વડાપ્રધાન પદના ઉમેદવારો ચરિત્રવાન
- પ્રસંગપટ
- 1970ના દાયકાથી અત્યાર સુધીમાં ૨૬ મહિલાઓએ ડોનાલ્ડ ટ્રમ્પ પર બળાત્કાર કે તેનો પ્રયાસ કરવાના આક્ષેપો કર્યા છે
- સ્ટોર્મી ડનિયલ અને ડોનાલ્ડ ટ્રમ્પ
ભારતમાં લોકસભાના જંગનું મતદાન તબક્કાવાર ચાલી રહ્યું છે અને વિરોધી છાવણીઓ સામસામા આક્ષેપો કરી રહી છે. અમેરિકામાં પણ ચૂંટણીની મોસમ ક્રમશઃ તીવ્ર બની રહી છે. પ્રમુખપદ માટે સૌથી મોટા હકદાર હોવાનો દાવો કરતા ડોનાલ્ડ ટ્રમ્પની સેકસલીલાઓ લોકો રસપૂર્વક વાંચતા ને જોતા હોય છે.
ભારતમાં ટોપ પોસ્ટ માટે ચૂંટણી જંગમાં ઉતરેલા નેતાઓ સામે સેકસ સંબંધિત કોઇ આક્ષેપો નથી તે આપણા માટે મોટી રાહતની વાત છે.
અલબત્ત, ભારતમાં સાંસદો, વિધાનસભ્યો કે રાજકીય કાર્યકરોનાં નામો અનેક વાર સેક્સ સ્કેન્ડલમાં સંડોવાયાં છે. હાલ ભૂતપૂર્વ વડાપ્રધાન દેવે ગોવડાના પૌત્ર પ્રજ્જવલ રેવન્નાનું સેક્સ સ્કેન્ડલ ચગેલું છે. જોકે આ બધાની વચ્ચે ભારતના ભૂતપૂર્વ કે વર્તમાન વડાપ્રધાન પર નજર કરીએ તો તરત સમજાય છે કે તેમનાં નામ ક્યારેય સેક્સ સ્કેન્ડલમાં ઊછળ્યાં નથી. વડાપ્રધાન ઐય્યાશ હોય, એના પર બળાત્કારના આરોપો હોય કે પોતાની ઓફિસમાં કોઇ કર્મચારી સાથે સેકસલીલા કરતા પકડાઈ ગયો હોય એવું ભારતમાં ક્યારેય બન્યું નથી.
સેક્સલીલાઓમાં દેશના સર્વોચ્ચ પદ પર બેઠેલા માણસની સંડોવણી હોય ત્યારે એમની હાથ નીચેના લોકોને છૂટો દોર મળી જતો હોય છે. પોતાના દેશના વડો સેક્સ કૌભાંડમાં ફસાયેલો હોય એવું કોઈ નાગરિક ઇચ્છતો નથી. ભારતના ટોચના રાજકીય નેતાઓનું સંયમિત જીવન ઊડીને આંખે વળગે એવું છે. ભારતના લોકો આ હકીકતને પ્રશંસાત્મક દષ્ટિએ નિહાળે છે.
ડોનાલ્ડ ટ્રમ્પનાં સેક્સ સ્કેન્ડલ ભલે વિશ્વમાં ચર્ચાસ્પદ બન્યાં હોય, પરંતુ આજની તારીખે અમેરિકાના ચૂંટણી જંગમાં તેમનો ઘોડો વિનમાં હોવાનું મનાઇ રહ્યું છે. અમેરિકનોને ટ્રમ્પના સેક્સ સ્કેન્ડલ કરતાં તેઓ ઇમિગ્રેશનની નીતિઓ વિશે તેઓ શું માને છે તે જાણવામાં કદાચ વધારે રસ છે.
અમેરિકનો જાણે છે કે એમના પ્રમુખો સેક્સ બાબતે બહુ બિન્ધાસ્ત હોય છે. અમેરિકાના ભૂતપૂર્વ સેક્રેટરી હેન્રી કિસીન્જરે કહ્યું હતું કે રાજકીય સત્તા પોતાની સાથે કામદેવને પણ લેતી આવે છે. કમસે કમ અમેરિકાના પ્રમુખોની બાબતમાં આ વાત સાચી લાગે છે. અમેરિકન પ્રેસિડન્ટને વિશ્વનો સૌથી વધુ શક્તિશાળી માણસ માનવામાં આવે છે.
સેક્સ સ્કેન્ડલના મામલામાં અમેરિકામાં એક સે બઢકર એક પ્રેસિડન્ટ આવી ચૂક્યા છે. થોમસ જેફરસન, જ્હોન કેનેડી, જ્યોર્જ બુશ, બિલ ક્લિન્ટન અને હવે ડોનાલ્ડ ટ્રમ્પનાં નામ કામલીલા માટે કુખ્યાત થઈ ચૂક્યાં છે. વિશ્વના આ મોસ્ટ પાવરફુલ પુરુષો મેનકાને જોતાં જ કામદેવ બની જાય છે.
આજકાલ ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્ટોર્મી ડનિયલ વચ્ચેનું અફેર ખૂબ ગાજે છે. સ્ટોર્મી ડેનિયલ રોજ વિવિધ આરોપો મૂકે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ તેનો સામનો કરી રહ્યા છે. સેકસ સેક્ન્ડલમાં નામ ઉછળ્યું પછી ડોનાલ્ડ વધુ ઝનૂની બની ગયા છે, જ્યારે બિલ ક્લિન્ટન સાઇલન્ટ થઈ ગયા હતા.
અમેરિકાનું વ્હાઇટ હાઉસ પ્રમુખોનાં સેક્સ સ્કેન્ડલોના ભૂતોથી ભરેલું છે. અમેેરિકાના પ્રમુખોનાં સેક્સલીલા વર્ણવતાં પુસ્તકો પણ ધૂમ વેચાય છે. વ્હાઇટ હાઉસના સેક્સ સ્કેન્ડલનો સંદર્ભ ધરાવતી 'હાઉસ ઓફ કાર્ડસ' સિરીઝ નેટફ્લિક્સ પર ખૂબ જોવાય છે.
બિઝનેસમેનમાંથી અમેેરિકાના પ્રમુખ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ બહુ બદનામ એટલા માટે છે કે ૧૯૭૦ના દાયકાથી અત્યાર સુધીમાં એમણે ૨૬ મહિલાઓ પર બળાત્કાર કે બળાત્કારના પ્રયાસો કર્યા છે એવા તેમના પર આક્ષેપો છે. ટ્રમ્પ પર બળાત્કારી હોવાનો સૌથી પહેલો આક્ષેપ તેમની પહેલી પત્ની ઇવાનાએ કર્યો હતો. અભિનેત્રી માર્લા મેપલ્સ સાથેના ટ્રમ્પના સંબંધો જાહેર થયા બાદ ઇવાનાએ છૂટાછેડા લીધા હતા.
૧૯૯૮નું પ્રમુખ બિલ ક્લિન્ટન અને મોનિકા લેવિન્સ્કીનું સેક્સ સ્કેન્ડલ બહાર પડયા પછી અમેરિકન સરકારે ઇમ્પીચમેન્ટની તલવાર વીંઝી હતી.
અન્ય દેશોની સરખાણી ભારતના વર્તમાન, અને ભૂતપૂર્વ વડાપ્રધાનો અને આ પદના દાવેદારો ચરિત્રવાન છે તે મામલે ભારતીયોના જીવને નિરાંત હોવી જોઈએ.