For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇમરાન ખાનને ડર છે કે તેને પકડીને ઘડો-લાડવો કરી દેવાશે

Updated: Mar 16th, 2023

Article Content Image

- ભૂખ્યા પાકિસ્તાનમાં ઇમરાન સમર્થકો તોફાને ચઢ્યા

- પ્રસંગપટ

- ઇમરાને જ પાકિસ્તાનની તિજોરી તળિયાઝાટક કરી છે. પાકિસ્તાનન વર્તમાન સરકારને કશું સૂઝતું નથી માટે અટવાયા કરે  છે

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાનને પકડવા ગયેલી પોલીસ અને સમર્થકો વચ્ચેની મારામારીએ લાહોરને સમરાંગણમાં ફેરવી નાખ્યું છે. બુધવારની સવારથી જ પોલીસ ઇમરાન ખાનને પકડવા બેઠી છે, પણ સફળતા મળતી નથી, કેમ કે પોલીસ તંત્રનું ઇમરાન માટે સોફ્ટ વલણ છે. વિશ્વની નજરમાં પાકિસ્તાન બાપડા-બિચ્ચારા તરીકે ચીતરાઇ રહ્યું છે.  એક સમયે પાકિસ્તાન વડાપ્રધાન તરીકે રહી ચૂકેલા ઇમરાન ખાન પોતાની રાજકીય જવાબદારીમાંથી છટકી રહ્યા છે. પાકિસ્તાન ભૂખમરામાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે એ સરકારની સામે પડયા છે. પાકિસ્તાનનું રાજકારણ પોતાના ભૂતપૂર્વ વડાઓને જેલમાં ધકેલવા કે દેશનિકાલ કરવા ટેવાયેલું છે.

એક તરફ પાકિસ્તાન દેવામાં ડૂબેલું છે અને ખોરાક સહિતની રોજીંંદા વપરાશની ચીજોના ફાંફાં મારે છે જેના પગલે આંતરવિગ્રહ જેવી સ્થિતિ સર્જાઇ છે, ત્યારે બીજી તરફ ઇમરાન ખાન અને તેમના સમર્થકો સંભવિત ઘરપકડ રોકવા તોફાને ચડયા છે. ઇમરાનના પક્ષનું જ્યાં પ્રભુત્વ છે ત્યાં ગઇ કાલથી તોફાનો શરૂ થઇ ગયાં છે. આ તોફાનો રોકવા વર્તમાન શાહબાઝ સરકાર પાસે કોઇ પ્લાન નથી, કેમ કે સરકારના કેટલાક સાથી પક્ષો ઇમરાનની ધરપકડના વિરોધી છે.

 પાકિસ્તાન પાસે હવે ગુમાવવા જેવું કશું નથી. વૈશ્વિક તખ્તા પર તે ત્રાસવાદને ટેકો આપતા દેશ તરીકે તે બદમાન છે ને આર્થિક તખ્તા પર તે દેવાળીયું છે. પાકિસ્તાની સરકાર રોજિંંદા જીવનમાં સુખાકારી આપી શકતી ના હોવાથી જનતામાં નારાજગીનું મોજું જોવા મળે છે.

વિશ્વની નજર પાકિસ્તાનની દેવાળીયા સ્થિતિ તરફ છે, તો બીજી તરફ પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સંભવિત ધરપકડના કારણે તેમના સમર્થકો તોફાને ચઢ્યા છે. કહે છે કે દેવાળીયા પાકિસ્તાનની સરકારની મિલકતોને આગ લગાડાઇ રહી છે. પાકિસ્તાનને તેના પાડોશી દેશો ભારત, અફધાનિસ્તાન વગેરે સાથે સંબંધ નથી, પરંતુ ચીન સાથે સંબંધ છે. ચીનમાં મુસ્લિમો પર ગુજારાતા ત્રાસ સામે પાકિસ્તાન આજ સુધી એક હરફ ઉચ્ચારી શક્યું નથી છતાં ચીન પાસેથી મદદ લઇને તે તેના ઉપકારભાવ હેઠળ આવી ગયું છે. પાકિસ્તાનના મોટા ભાગના રાજકારણીઓ ભારત-વિરોધી છે તો બાકીના કાશ્મીર પર કબજો ઇચ્છે છે. 

ભારતની પાકિસ્તાન માટેની વ્યૂહરચના બહુ કુનેહ ભરેલી છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે ભારતે જેમ શ્રીલંકાને સહાય કરી છે એમ પાકિસ્તાનને પણ કરવી જોઇએ. જોકે પાકિસ્તાનને કોઇ પણ પ્રકારની મદદ કરવી એ સાપને દૂધ પીવડાવવા સમાન છે. પાકિસ્તાન ત્રાસવાદને પ્રોત્સાહન આપવાનું છોડી શકે એમ નથી. 

 પાકિસ્તાન ઇચ્છા-અનીચ્છાએ ચીન તરફ સરકી રહ્યું છે. ચીન તેને શરતી સહાય આપવા તૈયાર છે. વિશ્વની નજરમાં ચીનની આ ચાલ આવી ગઇ છે. ભારત મક્કમ છે અને પહેલાં ત્રાસવાદી પ્રવૃત્તિ બંધ કરો પછી જ વાત કરો તે નીતિને વળગી રહ્યું છે. પાકિસ્તાન માટે ત્રાસવાદીઓને સહાય બંધ કરવી શક્ય નથી, કેમકે બંને એક બીજા પર નભે છે. 

મંગળવારે જ્યારે પોલીસ લાહોરના જમન પાર્ક ખાતે ઇમરાન ખાનની ધરપકડ કરવા ગઇ ત્યારે લોકોનો સખત વિરોધ જોઇને ખાલી હાથે પાછી ફરી હતી. ઇમરાન ખાન અને તેમના સમર્થકોે જાણે છે કે એકવાર અદંર ગયા પછી તેનો ઘડો-લાડવો કરી નાખવામાં આવશેે. ઇમરાન સામે એક મહિલા જજને ધમકાવવા સહિતના ૭૬ કેસો છે. ઇમરાન ખાને વિડીયો મેસેજમાં તેમના સમર્થકોને રહ્યું છે કે હું મરી જાઉં તો પણ લડત ચાલુ રાખજો. લોકોને ઉશ્કેરવા માટે આ મેસેજ પુરતો છે. વિદેશથી મળેલી ગિફ્ટને ઇમરાને પોતાના અંગત ઉપયોગ માટે વાપરી અને વેચી હોવાના કેસમાં એે કોર્ટ સમક્ષ હાજર થતા ડરે છે.

ઇમરાન ખાને પાકિસ્તાનને દેવામાં ડૂબાડયું છે, દેશની સંપત્તિ વેચી મારી છે અને હવે કોર્ટના કઠેડામાં ઉભા રહેવા પણ તૈયાર નથી. ઇમરાન ખાન બચી શકે એમ નથી. પાકિસ્તાનની સરકાર ઉસ્તાદ છે.  તે ઇમરાનની ધરપકડનો ડ્રામા કરીને લોકોનું ધ્યાન રોજિંદી ચીજોની કારમી અછતથી દૂર રાખવા માંગે છે. 

ઇમરાન ખાન પોતાને દૂધે ધોયેલો સમજે છે, પરંતુ પાકિસ્તાનનો એક મોટો વર્ગ જાણે છે કે ઇમરાને જ પાકિસ્તાનની તિજોરી તળિયાઝાટક કરી છે. પાકિસ્તાનની વર્તમાન સરકારને કશું સૂઝતું નથી માટે અટવાયા કરે છે.

Gujarat