- સાયબર હુમલાખોરોનું નવું ઘાતક શસ્ત્ર
- પ્રસંગપટ
- ભારત માટે માત્ર ડિજિટલ વિકાસ નહીં, પણ ડિજિટલ સુરક્ષા પણ મોટા પડકાર સમાન છે
અમેરિકા અને ઇરાન વચ્ચેના સમાધાન માટેની ચર્ચા કરતાં પણ વધુ ચર્ચા એન્થ્રોપિક AI ના બે શક્તિશાળી મોડેલ્સ ક્લોડ ફેબલ ૫ (Claude Fable 5) અને માયથોસ ૫ (Mythos 5) બાબતે ચાલે છે. અમેરિકાએ રાતોરાત ફેબલ ૫ અને માયથોસ ૫નો વપરાશ ભારત સહિતના વિદેશી નાગરિકો માટે પ્રતિબંધિત કરીને AI ટેકનોલોજીના વિશ્વમાં આશ્ચર્ય ઊભું કર્યું છે. પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ એ દર્શાવાયું છે કે એન્થ્રોપિકના નવાં મોડેલો ખોટા હાથોમાં ર્જાય તો તે તે ઘાતક હેકિંગ ટૂલ્સમાં ફેરવાઈ શકે છે. સમસ્યા એ હતી કે એન્થ્રોપિક વપરાશકર્તાઓ કયા દેશના છે તે ચકાસવામાં અસમર્થ હોવાને કારણે, કંપનીએ અચાનક જ આ બંને મોડેલ્સને આદેશ પ્રમાણે વૈશ્વિક સ્તરે ઓફલાઇન કરી દીધા છે, એટલે કે પાછાં ખેંચી લીધા છે.
એન્થ્રોપિક માટે પ્રતિબંધના આદેશને માનવા સિવાય કોઈ વિકલ્પ નથી, પરંતુ અમેરિકાની કાર્યવાહી એક 'ગેરસમજ'ના પગલે થઈ છે તેવાં ગાણાં કંપની ગાઈ રહી છે. ભારતમાં AI ટેકનોલોજી સાથે સંકળાયેલા નિષ્ણાતોને ચિંતા એ વાતની છે કે અમેરિકા ટેકનોલોજી પર પોતાનું પ્રભુત્વ જમાવવા પ્રતિબંધ મૂકી રહ્યું છે. જેવો ભારત સહિતના અન્ય દેશો પર પ્રતિબંધ મુકાયો કે કેટલાક ભારતીયો કહેવા લાગ્યા છે કે ભારત AI ટેકનોલોજીની દોડમાં પાછળ રહી ગયું છે. ફેબલ ૫ અને માયથોસ ૫ના પગલે ઊભા થનારા સાયબર સિક્યોરિટીનાં જે જોખમો બતાવાયાં છે, તે તો ઓપનએઆઈ સહિતના અન્ય મોડેલ્સના કિસ્સામાં પણ શક્ય જ છે.
માયથોસ ૫ અને ફેબલ ૫ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં વપરાશકર્તાઓ માટે પહોંચ બહાર એટલે કે પ્રતિબંધિત રહેશે. રસપ્રદ બાબત એ છે કે, ટાટા કન્સલ્ટન્સી સવસીસ અને ઇન્ફોસિસ જેવી કંપનીઓ, જેમણે સંવેદનશીલ ઉદ્યોગોમાં એન્થ્રોપિકની ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે લાંબા ગાળાની ભાગીદારી કરી છે, તેઓ પણ આ નવાં AI મોડેલ્સનો ઉપયોગ કરી શકશે નહીં.
સરકારના પ્રતિબંધની જાહેરાત થવાના થોડા કલાકો પહેલાં જ, એન્થ્રોપિકે ૫૬ દેશોમાં પોતાના કર્મચારીઓ માટે ક્લોડના ૫૦,૦૦૦ લાયસન્સ લાગુ કરવા માટે ટીસીએસ સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. આ તાજેતરના ઘટનાક્રમનો અર્થ એ છે કે ટીસીએસ, અન્ય કંપનીઓની જેમ, માત્ર જૂનાં મોડેલ્સનો જ ઉપયોગ કરી શકશે.
મોટાભાગના ભારતીય સ્ટાર્ટઅપ્સ યુએસ, યુરોપિયન યુનિયન અને અન્ય દેશોના ફાઉન્ડેશનલ મોડેલ્સ પર આધારિત AI એપ્લિકેશન્સ અને સેકન્ડરી મોડેલ્સ બનાવી રહ્યા છે. જો આવા વૈશ્વિક મોડેલ્સ પર ભારતનો એક્સેસ પ્રતિબંધિત થઈ જાય, તો આ એપ્લિકેશન્સ કામ કરવાનું બંધ કરી દેશે. આ જ વાત ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો અને એચસીએલ ટેક જેવી આઈટી સવસ કંપનીઓને પણ લાગુ પડે છે, જેઓ આગામી મહિનાઓમાં અબજો ડોલરની AI ડીલ્સ મેળવવા માટે ઓપનએઆઈ, એન્થ્રોપિક, ગૂગલ અને અન્ય કંપનીઓ પર મોટો દાવ લગાવી રહી છે. જોકે હવે અમેરિકાએ પ્રતિબંધ મૂકીને નવા બિઝનેસ ઓર્ડર આવતા અટકાવી દીધા છે.
અત્યાર સુધી માત્ર સર્વમ (SARVAM) જ નોંધનીય ફાઉન્ડેશનલ મોડેલ રહ્યું છે, પરંતુ તે કોઈ નવું સંશોધન કરીને વિશ્વનું ધ્યાન ખેંચી શક્યું નથી. ભારતે બહુ મોટા પાયે 'ઇન્ડિયા એઆઈ મિશન' ઊભું કર્યું હતું, પરંતુ ત્રણ વર્ષમાં તેની પ્રગતિ ગોકળગાય જેવી રહી છે.
ભારતનું BFSI ક્ષેત્ર એટલે કે બેન્કિંગ, ફાયનાન્સિયલ સવસીસ અને ઇન્સ્યોરન્સનું ૧૦૫ લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. તેની સામેનાં સાયબર જોખમો એન્થ્રોપિક જેવાં મોડેલોના કારણે વધ્યાં છે. દેશની મોટા ભાગની આથક પ્રવૃત્તિઓ જ્યારે ડિજિટલ આધારિત બની છે, ત્યારે સાયબર હુમલાથી સાવચેત રહેવાની જરૂર છે. આમ જોવા જઈએ તો, અમેરિકાએ ખલનાયક એવા ફેબલ ૫ અને માયથોસ ૫ પર પ્રતિબંધ મૂકીને ભારતને આડકતરો લાભ કરી આપ્યો છે.
સામાન્ય રીતે સોફ્ટવેરમાં છીંડાં શોધવામાં હેકર્સને મહિનાઓ લાગી જતા હતા, પરંતુ હવે એન્થ્રોપિક જેવા AI મોડેલો કલાકોમાં જ સોફ્ટવેરનાં છીંડાં શોધીને એટેક કરી શકે છે. ભારત માટે માત્ર ડિજિટલ વિકાસ જ નહીં, પણ ડિજિટલ સુરક્ષા પણ મોટો પડકાર બની ગઈ છે.


