Get The App

ભારત અને યુરોપિયન યુનિયન નવા આર્થિક સંબંધોના ઉંબરા પર ઊભાં છે

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
ભારત અને યુરોપિયન યુનિયન નવા આર્થિક સંબંધોના ઉંબરા પર ઊભાં છે 1 - image

- ભારતીય પ્રોડક્ટ્સ 27 યુરોપિયન દેશોમાં ઓછા ટેક્સ સાથે વેચાઈ શકશે

- પ્રસંગપટ

- વાત માત્ર આયાત-નિકાસની નથી, પરંતુ નવો કરાર ભારતની સમકાલીન આથક મુત્સદ્દીગીરીનો મોટો માઈલસ્ટોન બની શકે તેમ છે 

આંતરરાષ્ટ્રીય રાજદ્વારી અને વેપાર ક્ષેત્રે કેટલીક ક્ષણો એવી હોય છે જે દાયકાઓ સુધી દેશોના ભવિષ્યને આકાર આપે છે. ભારત અને યુરોપિયન યુનિયન (EU) અત્યારે બરાબર આવી જ એક નિર્ણાયક ક્ષણ પર ઊભાં છે. વર્ષો સુધી ચાલેલી ધીમી અને જટિલ ચર્ચાઓ બાદ, બંને પક્ષો હવે એક વ્યાપક વેપાર કરારની ખૂબ નજીક પહોંચી ગયા છે. આ માત્ર આયાત-નિકાસનો મામલો નથી, પરંતુ તે ભારતની સમકાલીન આથક મુત્સદ્દીગીરીનો સૌથી મોટો માઈલસ્ટોન સાબિત થઈ શકે છે.

ભારત અને EU વચ્ચે વેપાર મંત્રણાની શરૂઆત વર્ષ ૨૦૦૭માં થઈ હતી. જોકે, તે સમયે ટેરિફ, શ્રમ ધોરણો અને પર્યાવરણ સંબંધિત કલમો જેવા ગંભીર મુદ્દાઓ પર બંને પક્ષો વચ્ચે ભારે મતભેદ હતા. પરિણામે, ૨૦૧૩માં આ મંત્રણાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોમાં બદલાયેલી વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અને ખાસ કરીને કોવિડ-૧૯ પછીની અસરોને કારણે બંને પક્ષોએ ફરીથી વાતચીત શરૂ કરી છે.

આજે વિશ્વની સપ્લાય ચેઈન બદલાઈ રહી છે. લોકશાહી દેશો હવે એકબીજા સાથે મજબૂત આથક જોડાણ કરવા માંગે છે. આ બદલાતા સંદર્ભમાં, ભારત અને યુરોપ એકબીજા માટે અત્યંત વિશ્વસનીય ભાગીદારો તરીકે ઉભરી આવ્યા છે. હાલમાં ચાલતી ચર્ચાઓ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)થી પણ આગળ વધીને એક વ્યાપક આથક જોડાણ તરફ નિર્દેશ કરે છે.

યુરોપિયન યુનિયન ભારત માટે એક વિશાળ બજાર છે. ભારતની આઈટી સેવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઈલ્સ અને એન્જિનીયરિંગ માલસામાન માટે યુરોપ હંમેશા મહત્ત્વનું રહ્યું છે. જોકે, ઊંચા ટેક્સ અને કડક નિયમોને કારણે ભારતીય નિકાસકારોને ઘણીવાર મુશ્કેલી પડતી હતી. આ કરારથી આ અડચણો દૂર થશે.

યુરોપના ૨૭ સમૃદ્ધ દેશોમાં ભારતીય ઉત્પાદનો ઓછા ટેક્સ સાથે વેચાઈ શકશે. આ કરારથી યુરોપિયન કંપનીઓ ભારતમાં ઉત્પાદન એકમો સ્થાપવા પ્રેરાશે, જે 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને વેગ આપશે. યુરોપ પાસે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ટેકનોલોજીનું શ્રેષ્ઠ જ્ઞાાન છે, જે ભારતને તેનાં પર્યાવરણીય લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરશે.

યુરોપિયન યુનિયન માટે ભારત દુનિયાનું સૌથી મોટું ઊભરતું બજાર છે. યુરોપિયન કંપનીઓ ભારતની ઓટોમોબાઈલ, વાઈન અને સ્પિરિટ્સ, ડેરી પ્રોડક્ટ્સ અને ફાઈનાન્શિયલ સવસિસમાં મોટો હિસ્સો મેળવવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે ભારત તેનાં બજારોને વધુ ખુલ્લાં કરે અને બૌદ્ધિક સંપદા અધિકારો (IPR) માટે કડક કાયદા લાવે.

જોકે, ભારત માટે ખેતી અને નાના ઉદ્યોગો (MSMEs) અત્યંત સંવેદનશીલ છે. કરોડો લોકોની આજીવિકા આ ક્ષેત્રો પર નિર્ભર હોવાથી, ભારત કોઈ પણ એવા નિર્ણય લેવામાં સાવચેતી રાખી રહ્યું છે જે સ્થાનિક વેપારીઓને નુકસાન પહોંચાડે. વધુમાં, યુરોપના પર્યાવરણીય કાયદાઓ ક્યારેક ભારતીય નિકાસકારો માટે અપ્રત્યક્ષ અવરોધ સમાન બની જાય છે, જેના પર અત્યારે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે.

આ પ્રસ્તાવિત કરાર માત્ર માલસામાનની લે-વેચ પૂરતો મર્યાદિત નથી. તેમાં ડિજિટલ ટ્રેડ, ડેટા સુરક્ષા અને સપ્લાય ચેઈનની મજબૂતી જેવા વિષયો પણ સામેલ છે. ભૌગોલિક રાજનીતિની દૃષ્ટિએ જોઈએ તો, જ્યારે વિશ્વમાં પાવર સેન્ટર્સ બદલાઈ રહ્યા છે, ત્યારે ભારત અને યુરોપનું જોડાણ સ્થિરતા પૂરી પાડી શકે તેમ છે. 

ભારત-EU કરારમાં ડિજિટલ ટ્રેડ અને ખેતી એવાં બે ક્ષેત્રો છે જે સામાન્ય લોકો અને અર્થતંત્ર પર સૌથી વધુ અસર કરશે. ડિજિટલ વેપારનો અર્થ માત્ર ઓનલાઇન ખરીદી નથી, પરંતુ ડેટા, સોફ્ટવેર અને ડિજિટલ સેવાઓની આપ-લે છે. ભારત આજે 'ડિજિટલ પાવરહાઉસ' છે, તેથી આ કરાર ખૂબ જ મહત્વનો છે. ભારત સરકાર ઈચ્છે છે કે ભારતીય નાગરિકોનો ડેટા ભારતમાં જ સુરક્ષિત રહે (ડેટા લોકલાઇઝેશન), જ્યારે યુરોપિયન યુનિયન તેના કડક GDPR (જનલર ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન) નિયમો માટે જાણીતું છે. કરારમાં આ બંને વચ્ચે સંતુલન જાળવવાની કોશિશ છે જેથી ડેટાનો પ્રવાહ પણ જળવાય અને સુરક્ષા પણ રહે. યુરોપિયન યુનિયન ઈચ્છે છે કે ડિજિટલ ટ્રાન્સમિશન (જેમ કે ઈ-બુક્સ, સોફ્ટવેર ડાઉનલોડ) પર કોઈ કસ્ટમ ડયુટી ન હોય. ભારત આ બાબતે સાવચેતી રાખી રહ્યું છે કારણ કે ભવિષ્યમાં આ ક્ષેત્રમાંથી મળતી ટેક્સની આવક ગુમાવવી પડી શકે છે. આ કરારથી ભારતીય ફિનટેક અને એડયુટેક સ્ટાર્ટઅપ્સ માટે યુરોપના દરવાજા ખુલશે. ભારતની 'ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સફળતાને યુરોપિયન ટેકનોલોજી સાથે જોડવાની આ એક મોટી તક છે.