તિરૂવનંથપુરમમાં ભાજપના તીરે 40 વર્ષનું ડાબેરી શાસન ઉડાવ્યું

- કેરળનાં પહેલાં મહિલા આઇપીએસ આર.શ્રીલેખા મેયર બનશે
- પ્રસંગપટ
- ભાજપે કેન્દ્રના રાજ્યકક્ષાના ભૂતપૂર્વ આઇટી પ્રધાન રાજીવ ચન્દ્રશેખરના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી હતી
દક્ષિણનાં રાજ્યોમાં પ્રવેશવાના ભારતીય જનતા પક્ષના પ્રયાસોને કવિ દલપતરામની કાવ્યપંક્તિ 'કરતાં જાળ કરોળીયો ભોંય મહીં પટકાય...' સાથે સરખાવી શકાય. ભાજપે રાખેલી ધીરજ ફળી છે. જ્યાં દાયકાઓથી ડાબેરી પક્ષનું શાસન હોય ત્યાં જીતવા માટે ધીરજ અને વ્યૂહરચના જોઇએ. ભાજપે ધીરજ પણ દેખાડી છે અને યોગ્ય વ્યૂહરચના પણ અમલમાં મૂકી છે. દક્ષિણનું કર્ણાટક રાજ્ય પહેલી વાર જીત્યું ત્યારે જેેટલો આનંદ ભાજપને થયેલો તેના કરતાં ઘણો વધારે આનંદ તિરૂવનંથપુરમ કોર્પોરેશન જીતીને થયો છે, કેમ કે કેરળમાં ભાજપનો પ્રવેશ કોઇ રીતે શક્ય જણાતો નહોતો.
કેરળના પહેલાં મહિલા આઇપીએસ આર.શ્રીલેખા તિરૂવનંપુરમના મેયર બનવા જઇ રહ્યાં છે. ૬૪ વર્ષના આ ચહેરાને આગળ રાખીને ભાજપે પ્રચાર કર્યો હતો. ૨૦૨૦માં તેઓ ડીજીપી તરીકે નિવૃત્ત થયાં હતાં. તે જ્યારે સીઆઇડીમાં હતાં ત્યારે તેમનો એવો ખોફ હતો કે લોકો તેમને રેડ શ્રીલેખા તરીકે ઓળખતા હતા.
દક્ષિણનાં રાજ્યોમાં ખાસ કરીને કેરળના ડાબેરીઓના ગઢમાં ભાજપે ગાબડું પાડયું છે. કર્ણાટકમાં ભાજપની યેદુઆરપ્પાની સરકારે જંગ જીત્યો હતો, પરંતુ ભાજપના આંતરીક ડખાઓના કારણે મતદારાએેે તેમને ફરી ચાન્સ નહોતો આપ્યો.
કેરળની આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ચાન્સ હોવાનું રાજકારણના ખેલાડીઓ લોકોને કહી રહ્યા છે. ભાજપની જીત એેટલે કોંગ્રેસ અને ડાબેરી પક્ષની હાર તે વાત સમજી લેવી જોઇએ. ડાબેરી પક્ષોના ગઢ સમાન કેરળની રાજધાનીમાં ભાજપની જીત થાય તે માટે પક્ષે પાયાના સ્તરથી પ્રયાસો કર્યા હતા. એક સમયે કેરળમાં ભાજપને ઉમેદવાર નહોતા મળતા છતાં પક્ષે નિરાશ થયા વગર સંગઠનનું કામ ચાલુ રાખ્યું હતું.
તિરૂવનંથપુરમની જીત ભાજપ માટે દક્ષિણના રાજ્યમાં પ્રસરવા માટે બુસ્ટ સમાન છે. કર્ણાટકમાં ભાજપની સરકાર જ્યોતિષોની સલાહ પર ચાલતી હતી. સંગઠન પર ધ્યાન આપવાને બદલે જ્યોતિષોએ કહેલી દશા- મહાદશા અનુસાર કામ કર્યું હતું. સરકારના ભાગીદાર જનતા દળ (એસ)ના નેતાઓ પણ જ્યોતિષોની સલાહ અનુસાર ઘરની બહાર પગ મુકતા હતા. કર્ણાટકની જીત ભાજપ માટે બહુ મોટી જીત હતી, પરંતુ સંગઠન નબળું પડી ગયું તે હકીકત ધ્યાન બહાર રહી ગઈ. કર્ણાટકમાં ભાજપની સરકારે પહેલીવાર શપથ લેવા જઈ રહી હતી ત્યારે જ્યોતિષોના કહેવાથી શપથ વિધિ ૧૦ મિનિટ મોડી કરાઇ હતી.
સીપીઆઇ(એમ)ના નેતૃત્વ હેઠળ કામ કરતા લેફ્ટ ડેમોક્રેડિટ ફ્રન્ટ (એલડીએફ)ની હારનાં અનેક કારણો છે. જેમાં એન્ટી-ઇન્કમબન્સી ફેક્ટર મુખ્ય છે. દાયકોઓથી સત્તા પર સવાર એલડીએફથી જનતા ત્રસ્ત થઈ ગઈ હતી. સબરીમાલાના સોનાના કૌભાંડની અસર મતદારો પર જોવા મળી હતી. સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીનો મુદ્દો દરેક રાજકીય પક્ષે પ્રચારમાં ઉઠાવ્યો હતો. આ મુદ્દે કેટલાક નેતાઓની ધરપકડ પણ કરાઇ હતી.
ભાજપનું વોર્ડ દીઠ સંગઠન ઉજળું પરિણામ આપી શક્યું હતું. એલડીએફે ૧૪માંથી ૧૧જીલ્લા પંચાયત મેળવી છે, પરંતુ જેને ગઢ કહી શકાય તેવું તિરૂવનંથપુરમ ગુમાવ્યું તેનો વસવસો છે.
ડાબેરી પક્ષો વધુ પડતા આત્મવિશ્વાસનો ભોગ બન્યા હતા. ભાજપ માટે કેરળમાં કોઇ ચાન્સ નથી એમ કહેનારા વિપક્ષના નેતાઓ હવે પસ્તાય છે. હિન્દુત્વના એજન્ડા સામેની લડાઈ સીપીઆઇ(એમ)એ પડતી મુકી હોવાનું લાગતા મુસ્લિમોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોના રહેવાસીઓએ તેમને જાકારો આપ્યો હતો. ખ્રિસ્તી મતો કોંગ્રેસ, સીપીઆઇ(એમ) અને કોંગ્રસ વચ્ચે વહેંચાયેલા હતા. ભાજપે ખ્રિસ્તીઓના મતોને ટાર્ગેટ કર્યા હતા. ભાજપના ઉમેદવારોમાં ૧૫ ટકા ઉમેદવારો તો ખ્રિસ્તી હતા.
ભાજપે ૧૯,૨૬૨ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે૧૭,૪૯૭ અને સીપીઆઈ (એમ)એ ૧૪,૮૦૨ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા.ભાજપે કેન્દ્રના રાજ્યકક્ષાના ભૂતપૂર્વ આઇટી પ્રધાન રાજીવ ચન્દ્રશેખરના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી હતી.
અહીં મહત્વની વાત એ પણ છે કે તિરૂવનંથપુરમ સિવાય ભાજપે અન્યત્ર ક્યાંય ખાસ બહુ ઉકાળ્યું નથી. કોેંગ્રસે પણ ભાજપની ટીકા કરી છેકે માત્ર તિરૂવનંથપુરમની જીતથી ઉછળવાની જરૂર નથી. જોકે ભાજપે ગઇવખતે ૧૯ પંચાયત જીતી હતી અને આવખતે ૨૬માં જીત મેળવી છે.

