For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આવ રે વરસાદ: ઇન્ટર લીંકીંગ પ્રોજેક્ટ ખેતી બચાવી શકશે..

Updated: Aug 17th, 2021

Article Content Image

- મેઘરાજાને રિઝવવા પ્રાર્થનાઓ અને યજ્ઞાો થઇ રહ્યા છે

- પ્રસંગપટ

- વરસાદ નહીં પડે તો? તે વિચાર માત્રથી ધ્રાસ્કો પડે છે. ગુજરાત સરકાર સામે કુદરતનો વધુ એક પડકાર 

આવરે વરસાદ..વરસાદ સંતાકૂકડી રમી રહ્યો હોય એમ લાગે છે. વાદળા ઘેરાયેલા રહે છે પણ વરસાદ પડતો નથી. કિસાનો નિરાશ છે કેમકે તેમનો ઉભો પાક બળી રહ્યો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની દશા બહુ કફોેડી છે. મોટા ભાગના ડેમોમાં નવા નીર નથી આવ્યા. કેટલાક સૂકા ભઠ છે. હવામાન ખાતું,ખગોળ શાસ્ત્રીઓ, ભૂવાઓ, વરસાદ માટે કર્મકાંડ અને યજ્ઞા કરનારાઓ ઠંડા પવનના સૂસવાટા અનુભવે છે પણ વરસાદ નથી પડતો. લોકો ગમ્મત કરતાં કહે છે કે વરસાદને કોઇએ બાંધી રાખ્યો છે.

વરસાદ નહીં પડે તો? તે વિચાર માત્રથી ધ્રાસ્કો પડે છે. ગુજરાત સરકાર સામે વધુ એક કુદરતી પડકાર ઉભો થયો છે. સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં વરસાદ પડયો છે પરંતુ ઓવર ઓલ ગુજરાત તરસ્યું છે. શહેરોમાં લોકો પોતાની જીંદગીમાં વ્યસ્ત છે પરંતુ ટાઉન લેવલ અને ગામડાંમાં વરસાદ સિવાયની કોઇ ચર્ચા નથી. હવે કહે છે કે રક્ષા બંધન પછી વરસાદ પડશે. લોકો પાસે રાહ જોયા વિના છૂટકો નથી. આ એક એવી કુદરતી પ્રક્રિયા છે કે તેમાં કોઇ સરકાર પર આક્ષેપ મુકી શકે એમ નથી. 

એક તરફ ગુજરાત કોરૂં ધાકોડ છે તો ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગાના પાણી ઓસરવાનું નામ નથી લેતા. ફરી એકવાર પાણીનો સંગ્રહ કરવાનું યાદ આવ્યું છે. દિવંગત વડાપ્રધાન અને વર્તમાન વડાપ્રધાનના ગુરૂ એવા અટલ બિહારી વાજપેઇનો નદીઓ જોડવાનો આઇડયા હવે યાદ આવી રહ્યો છે. જેને રિવર લીંક પ્રોજેક્ટ નામ અપાયું હતું. તેની પાછળનો આઇડયા  એ હતો કે દેશની દરેક નદીઓ બારે માસ ખળખળ વહેતી રહે. પાણીની તંગી ના પડે અને કિસાનોને સિંચાઇની તંગી ના પડે. દુકાળમાં પશુધન માટે પણ કપરો સમય ઉભો થાય છે. આવા કપરા સમયે રાજ્ય સરકારોને અગ્નિપરીક્ષા આપવી પડે છે. 

અટલજીનો ઇન્ટરલીંક પ્રોજેક્ટ સમજવા જેવો હતો. વેસ્ટ જતા વરસાદના પાણીને રોકવા આડબંધ વગેરે બાંધવામાં આવે છે પરંતુ આવું તો વરસાદ પડે ત્યારે કામ આવે છે હવે જ્યારે વરસાદ ના પડે તો આડબંધ પણ સૂકા ભઠ થઇ જાય છે. આ વખત જેવા વરસાદના ધાંધીયા ભૂતકાળમાં સરકારે અનેક વાર જોયા છે. સરકાર લીલા દુકાળને પહોંચી વળી શકે છે પરંતુ સૂકો દુકાળ તો આખા સમાજને આંખે પાણી લાવી દે એવો હોય છે.

ગુજરાતના બંધો પણ ખાલી જોવા મળે છે ત્યારે તે  પણ ચિંતા ઉપજાવી રહ્યા છે. અટલજીનો પ્રેાજેક્ટ દૂરંદેશી હતો. પરંતુ તેમની સરકાર બદલાયા બાદ તે અભરાઇએ ચઢાવી દીધો હતો. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ તે પ્રોજેક્ટ  ફરી હાથ પર લીધો હતો. 

એટલે કે નદીઓના પાણીને અન્ય નદી સાથે જોડીને દરેકને ખળખળ વહેતી રાખી શકાય છે. જેના કારણે ખેત પેદાશો પણ વધી શકે. નદીઓને લીંક કરવાના પ્રજેક્ટને ત્રણ ભાગમાં પ્લાન કરાયો હતો. એક ભાગ ઉત્તર હિમાલયની નદીઓ, બીજો ભાગ દક્ષિણની નદીઓ જોડવાનો હતો, ત્રીજો ભાગ ઉત્તરની નદીઓને જોડવાનો હતો. દરેક રાજ્ય પોતાની નદીઓને જોડીને પાણી વેસ્ટ જતું અટકાવી શકે એવો આઇડયા હતો. 

ભારતની કમનસીબી એ છે કે તે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાય છે,  એટલેજ જ્યારે વરસાદ પડે છે ત્યારે ઇન્ટરલીંકીંગની વાત મંદ પડી જાય છે.  ભારતમાં વરસાદની સિઝન ચાર માસ માટે હોય છે.  તે ચારે માસ સતત નથી પડતો. તેમાંય  સતત વરસાદ ભાગ્યેજ પડે છે. ક્યાંક વરસાદનો અતિરેક હોય છે તો ક્યાંક તે ભાગ્યેજ દર્શન આપે છે. ખેતી પ્રધાન દેશ ભારતમાં વરસાદના ધાંધીયા પોષાય એમ નહોતા એટલેતો નદીઓને લીંક કરવી જરૂરી હતી. 

૨૦૨૦માં ગોદાવરી અને કાવેરીને લીંક કરવા ૬૦,૦૦૦ કરોડ ફાળવાયા હતા. એવીજ રીતે ૪૭ જેટલા ઇન્ટર સ્ટેટ લીંકીંગના કામ પર નજર રાખવા જલ શક્તિ બોર્ડ બનાવાયું હતું. નવ રાજ્યોમાંથી પણ રીવર લીંકીંગના પ્રોજેક્ટ માટેની ભલામણ આવ્યા બાદ મંત્રાલય કામે લાગી ગયું હતું.

"catch the rain, where it falls, when it falls"  જેવા અનેક સ્લોગનો સરકારે તૈયાર કર્યા છેે . લોકો પણ માને છે કે છાશવારે વરસાદના ધાંધીયાનો વિકલ્પ શોધવામાં સરકારે સાયન્ટિફીક એપ્રોચ અપનાવવો જોઇએ.નદીઓનું લીંકીંગ સરકારની મોટા ભાગની સમસ્યાઓ હલ કરી દેશે એમ લાગી રહ્યું છે. 

આ ખુબ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આજકાલ મેઘરાજાને રિઝવવા પ્રાર્થનાઓ અને યજ્ઞાો થઇ રહ્યા છે. તેમાં એક પ્રાર્થના ઉમેરીને ભાગવાનને વિનવવા જોઇએ કે હે ભગવાન તું બંગાળની ખાડીમાં લો પ્રેશર ઉભું કર..જેથી વરસાદ પડે..

Gujarat