- સિંહસ્થ કુંભમેળાનું ધજારોપણ ૨૬ ઓક્ટોબરના રોજ થશે
- પ્રસંગપટ
- 100 વર્ષ જૂનાં વડનાં ઝાડ કાપવા, ગોડમેન પ્રકાશ કરાત, રેપીસ્ટ રવીન્દ્ર એરાન્ડે અને ટીસીએસના વિવાદો
નાસિકની પવિત્ર ભૂમિ પર જ્યારે સિંહસ્થ કુંભમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ૧૦૦ વર્ષ જૂનાં વડનાં ઝાડને હટાવવાનું વહિવટકારોનું પગલું વિવાદ સર્જી રહ્યું છે. બહુ જૂનાં વૃક્ષેાને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહ્યા છે. તે માટે ૩૦ ખાડા પણ કરવામાં આવ્યા છે, પરંતુ વૃક્ષપ્રેમીઓ કહે છે કે પર્યાવરણની રક્ષા કરતાં વિશાળ વૃક્ષોને દૂર ન કરો. જેમ સિંહસ્થ કુંભ પવિત્ર છે એમ આ વર્ષો જૂનાં વૃક્ષો પણ પવિત્ર છે. આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે.
ગઇ પાંચ એપ્રિલે જ્યારે સવારથી જ ઓટોમેટિક કરવતો અને જેસીબી મશીનોએ વર્ષો જૂનાં વડ કાપવા શરૂ કર્યા ત્યારે લોકોને આશ્ચર્ય થયું હતું અને પછી ઉહાપોહ શરૂ થયો હતો. નાસિકના વહીવટકારો કહે છેકે સાધુસંતાને રહેવા માટેની જગ્યા ઊભી કરવા વૃક્ષો કાપવા પડે એમ છે. જે વડની પૂજા થતી આવી છે તે સાધુ સંતોની સગવડ સાચવવા માટે કપાય એ કેવું?
જ્યાં સિંહસ્થ કુંભમેળાનું ધજારોપણ ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ થવાનું છે તે નાસિક આજકાલ વિવિધ વિવાદો વચ્ચે ધેરાયેલું છે. ટીસીએસનો વિવાદ બહુ ગંભીર છે, તો ગોડમેન બનીને બેઠેલા બળાત્કારી અશોક કરાતનો વિવાદ પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. અશોક કરાત પકડાયા પછી અન્ય એક રેપીસ્ટ ગણપત એરાન્ડી પણ પકડાયો હતો.
અશોક કરાતનો આ કિસ્સો એટલો ચગ્યો હતો કે ત્યાર પછી જાહેર થયેલો રેપીસ્ટનો કિસ્સો લોકોના ધ્યાન પર ખાસ આવ્યો નહીં. રવીન્દ્ર ગણપત એરાન્ડે નામના એક સોશિયલ એક્ટિવિસ્ટે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપીને મહિલાઓનું શારીરિક શોષણ કર્યું હતું. તે મહિલાઓને ઉદ્યોગ માટે લોન અપાવવાનું કહીને ફસાવતો હતો. તેમના સંતાનોને સરકારી નોકરી અપાવવાનું વચન આપતો હતો. તેની ઓફિસમાંથી ૧૨૧ વાંધાજનક વીડિયો મળી આવ્યા હતા. તે મહિલાઓના વીડિયો ઉતારીને પછી એમને બ્લેકમેલ કરતો હતો.
એરાન્ડેે જે મહિલાઓને ફસાવતો હતો તેમાંથી નવની ઓળખ કરવામાં આવી છે. પોલીસે મહિલાઓને અપીલ કરી છે કે ફરિયાદ કરવા આગળ આવેા. અશોક કરાત ત્યારે પકડાયો કે જ્યારે એક પરિણિત મહિલાએ તેની સામે ફરિયાદ કરી. સમૃધ્ધ પરિવારના લોકોને અશોકે ફસાવ્યા હતા. પોતાની પહોંચ એ રાજકારણના ટોચના લોકો સુધી હોવાની ડિંગ હાંકતો હતો.
જોકે ટાટા કન્સલ્ટન્સી સર્વિસની ઓફિસમાં ચાલતી દાદાગીરી અને કોર્પોરેટ જેહાદ માથું શરમથી ઝુકી જાય એવું છે. મેનેજરોના ભરોસે ચાલતી કંપનીઓમાં કોઇ ક્રોસ ચેકિંગ કે સલામતીની વ્યવસ્થા ના હોય તે આશ્ચર્યજનક કહી શકાય. આવી ઘટનાઓ ટાટા કંપનીનું નામ બદનામ કરે છે. એક બાજુ આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ આધારીત વહિવટની વાતો થાય છે, જ્યારે બીજી બાજુ બંધ બારણે જાતજાતના ખેલ થાય છે. અરે, ધર્મ પરિવર્તન સુધીની દાદાગીરી થાય છે. સરકારે સ્વયં તપાસ હાથમાં લેવાની જરૂર છે. મોટી કંપનીઓ પર ભરોસો રાખીને યુવતીઓ અહીં જોબ કરે છે, પરંતુ અહીં આંતરિક સિક્યોરીટીના ધાંધીયા જોવા મળે છે.
નાસિકના દરેક કિસ્સામાં સમાજના ડરનો અભાવ, નોકરીની જરૂરીયાત અને જડબેસલાક સિસ્ટમનો અભાવ જોવા મળ્યો હતો. કુંભમેળા માટે ૧૦૦ વર્ષ જૂનાં વડનાં વૃક્ષો કાપતાં પહેલાં વિકલ્પો વિચારવા જેવા હતા. વડના વૃક્ષને છાંયો આપે તેવું ઘટાદાર થતાં ૧૫ વર્ષનો સમય લાગે છે. તેના પર અસંખ્ય પક્ષીઓનું રહેઠાણ હોય છે.
ગોડમેન અશોક કરાતના કેસની વાત કરીએ તો, મહિલાઓ ચમત્કારની આશામાં ને આશામાં તેના ટ્રેપમાં આવી જતી હતી અને પછી તેની ગુલામડી થઈ જતી હતી, પોતાનું શોષણ થવા દેતી હતી. રવિન્દ્ર ગણપત એરાન્ડીના કેસમાં પણ મહિલાઓે વધુ પૈસા કમાવાની લાલચ અને સંતાનોને ઠેકાણે પાડવાની લાલચનો શિકાર બની.
મહારાષ્ટ્રની સરકારે દરેક બાબતે ઢાંકપિછોડાનો પ્રયાસ કર્યો છે.વૃક્ષો કાપવાથી માંડીને ટીસીએસમાં ચાલતી દાદાગીરી સામે સરકારે સીધી ચંચુપાત કરવાની જરૂર છે. મહારાષ્ટ્રના કેટલાક ટોચના રાજકીય માથાઓની સાથે અશોક કરાતના સીધા સંબંધો હોવાથી તેનો કેસ લૂલો પાડી દેવામાં આવશે. એવું જ ટીસીએસના કેસમાં થઇ શકે છે. જ્યાં સુધી મહિલાઓ ખુદ હેરાનગતી અંગે સામે ચાલીને અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી લોકો તેમને ડરાવ્યા કરવાના છે.


