ઓનલાઇન અને ઓફલાઇન ખરીદી કુલ 24 અબજ ડોલરને સ્પર્શી જશે
- દિવાળીની ખરીદીનાં સમીકરણો બદલાઈ ગયાં છે
- પ્રસંગપટ
- દિવાળીની સિઝનમાં 6 થી 7 લાખ ટેમ્પરરી જોબ ઊભી થાય છે. ડિલિવરી સ્ટાફની ડિમાન્ડમાં ઉછાળો
દશેરાનો દિવસ પસાર થતાં જ દિવાળીના તહેવારોની ખરીદી શરૂ થઈ જાય છે. સંવત ૨૦૮૧ના નવા વર્ષની ખરીદીની મોસમને બોનસનું બૂસ્ટ મળતું હોય છે. સરકારી ઓફિસોમાં બોનસની નિશ્ચિત તારીખ હોય છે અને કર્મચારીઓનાં ખાતાંમાં તે સીધું જ જમા થઈ જતું હોય છે. કોર્પોરેટ કંપનીઓમાં હવે તેની ચૂકવણી થશે, જ્યારે ખાનગી કંપનીઓમાં દિવાળીના આગલા દિવસોમાં બોનસ ચૂકવાતું હોય છે. લોકોના હાથમાં બોનસ આવતાં જ એમને દિવાળીનું શોપિંગ કરવાની ચાનક ચડે છે.
તહેવારોના દિવસો આથિક તંત્રનાં પૈંડા વેગવંતા બનાવે છે. દિવાળીને હવે માંડ ૧૦ દિવસની વાર છે. ૨૮મી તારીખે અગિયારસ છે. ત્યાર બાદ દિવાળીનું વેકેશન શરૂ થશે. દિવાળીના તહેવારો લાભ પાંચમ સુધી ચાલશે. આમ તો ગઇ ૧૯ ઓગસ્ટે રક્ષાબંધનથી જ તહેવારોની મોસમ શરૂ થઇ ગઇ હતી. તહેવારોની આ મોસમ અને ખરીદી વચ્ચે ગાઢ સંબંધ છે. આ મોસમ ઠેઠ વર્ષના અંતે ક્રિસમસ અને થર્ટીફર્સ્ટ ડિસેમ્બર સુધી ચાલશે.
ઇ-કોમર્સ સાથે સંકળાયેલી કંપનીઓ છેલ્લા એક મહિનાથી વિવિધ સ્કીમો મૂકીને બેઠી છે. નવાં કપડાં, મીઠાઇ, ફરસાણ, ગિફ્ટ પેકેટ, ફટાકડા, મોબાઇલ વગેરેની ધૂમ ખરીદી થાય છે. તેમ છતાં બજારનાં વર્તુળો કહે છે કે આ વખતે હજુ સુધી દિવાળીની ખરીદી ખૂલી નથી. ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર ઘરાકી ખૂલી ગઈ છે, પરંતુ બજારોમાં દિવાળીના સેલનાં પાટિયાં લગાવીને બેઠેલા વેપારીઓ ગ્રાહકોની રાહ જોઇને બેઠા છે.
દિવાળીના શોપિંગની ખાસિયત એ હોય છે કે દુકાનોમાં ઓફલાઇન મળતી વિવિધ રેન્જની કેટલીય ચીજો ઓનલાઇન ઉપલબ્ધ હોતી નથી. ઓનલાઇન ખરીદીમાં શોપિંગનો ખરો આનંદ મળતો નથી. દુકાનોની કતાર વચ્ચે જામેલી ભીડમાંથી પસાર થઈને, વસ્તુઓને સ્પર્શીને-પરખીને ખરીદી કરવાનો અને ભાવ માટે રકઝક વગેરનેા આનંદ અનેરો હોય છે!
દિવાળીના તહેવારોની સિઝનમાં ઇલેેકટ્રોનિક ઉપકરણો, ખાસ કરીને મોબાઇલ અને ટેબ્લેટના વેચાણમાં ઉછાળો આવે છે. તહેવારોની મોસમ દરમ્યાન છૂટક જોબની તકો પણ ઊભી થાય છે. એક અંદાજ પ્રમાણે દિવાળીના તહેવારોમાં ટેમ્પરરી વર્ક માટેની ૬થી ૭ લાખ જોબ દેશભરમાં ઊભી થઇ શકે છે. કહે છે કે સર્વિસ સેક્ટરની જોબ્સમાં પણ ૧૫થી ૨૦ ટકાનો વધારો જોવા મળતો હોય છે. ક્રેડિટ કાર્ડ અને તહેવારો માટે વિશેષ લોન આપતી બેંકો પણ ગ્રાહકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. તહેવારોના છેલ્લા દિવસોમાં ડિલીવરી માટે દોડધામ કરી શકતા સ્ટાફની ડિમાન્ડ ઊભી થાય છે.
આ વખતની દિવાળીની ખરીદી પર આર્થિક ક્ષેત્રની તેજીની અસર વધુ જોવા મળશે. લોકોનું ઓનલાઇન શોપિંગ વધ્યું છે. ઓનલાઇન ફેસ્ટિવલ સેલ ૧૨ અબજ ડોલરનો આંકડો વટાવી શકે છે. જેટલું ઓનલાઇન સેલ છે એટલું જ દુકાનોમાં વેચાતા માલનું વેચાણ હશે એમ મનાય છે. ગયા વર્ષે ઓનલાઇન સેલ ૯.૭ અબજ ડોલરનું હતું. ક્વિક કોમર્સ આ વખતે ઓનલાઇન સેલમાં વધારો કરી શકે છે.
ઓનલાઇન શોપિંગનો કોન્સેપ્ટ લોકોએ ખુલ્લા દિલે સ્વીકારી લીધો છે. નવી પેઢી ઓનલાઇન ખરીદી પર વળી ગઇ છે. અલબત્ત, દિવાળીના તહેવારોમાં ઘરની જરૂરિયાતોની ચીજો ખરીદવા લોકો ઓનલાઇન કરતાં નજીકના સ્ટોર્સ કે બજારો પર વધારે મદાર રાખે છે. ઉદાહરણ તરીકે, ઘર વપરાશમાં લેવાતી ચાદરો કે ઓશીકાંનાં કવરો ઓનલાઇન કરતાં બજારમાં રુબરુ ખરીદવાનું લોકો વધારે પસંદ કરે છે. આ પ્રકારની ચીજો ખરીદનારાઓની ભીડ હજુ બજારોમાં જોવા મળી નથી. કરિયાણા સ્ટોર્સ પર ઇ-કોમર્સનો પ્રભાવ પડી શકે છે, પરંતુ તે મોટાં શહેરોમાં. ગામડાં અને નાનાં સેન્ટરોમાં તો આજે પણ કરિયાણાની દુકાનોનું જ પ્રભુત્વ છે.
ઇ-કોમર્સ ક્ષેત્રે વર્તમાન દિવાળીના તહેવારોમાં વધુને વધુ વેચાણ કરવા માટેની વ્યૂહરચના તૈયાર કરી છે. તહેવારોની આ મેાસમ પછી ઓનલાઇન વેબસાઇટ્સ પર લગ્નની સિઝનની ખરીદી જોવા મળી શકે છે. દિવાળીના તહેવારોની ખરીદી પાછળ લોકો છૂટથી પૈસો વાપરતા હોવાનું દેખાઈ આવે છે.
દિવાળીના તહેવારોની ખરીદીનો અંદાજ બજારોમાં જોવા મળતી ભીડ પરથી લગાવવામાં આવે છે. જોકે હવે ઇ-કોમર્સનો પ્રભાવ વધ્યા પછી ખરીદીનાં સમીકરણો બદલાઇ ગયાં છે.