- બિહાર ચૂંટણીનાં પરિણામોએ સાચે જ વિસ્ફોટ કર્યો
- નીતિશ કુમાર
- પ્રસંગપટ
- કેટલાક એક્ઝિટ પોલ રાજકીય પક્ષોના હાથા બનીને આંકડા તૈયાર કરતા હોય એમ લાગી રહ્યું છે
અમુક એક્ઝિટ પોલ કેવી નાટકબાજી કરી શકતા હોય છે તે બિહારનાં ચૂંટણી પરિણામોમાં ફરી પૂરવાર થયું. એકાદ-બે એક્ઝિટ પોલે તેજસ્વી યાદવના રાષ્ટ્રીય જનતા દળને એનડીએનું કટોકટ હરીફ ગણાવીને વિપક્ષને હતાશા ખંખેરી નાખવાની તક આપી હતી. જોકે શુક્રવારનાં પરિણામોએ ફરી એકવાર નીતિશ કુમારની ચમત્કારીક જીતની ભેટ આપી હતી.
બિહારની જનતાએ વિકાસને વોટ આપ્યો છે. તેઓ જંગલરાજ જોઈ ચૂક્યા છે. અન્ય રાજ્યોની જેમ બિહારના નાગરિકો પણ સમૃદ્ધિ અને વિકાસની ઝંખના કરે છે.
બિહારમાં ધબડકો કરનાર વિપક્ષી ગઠબંધને નવેસરથી ચૂંટણી વ્યૂહરચના કરવી પડશે. બિહારની હાર એ વિપક્ષની કારમી હાર છે. કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ તેમજ અન્ય વિપક્ષોએ ભેગા થઇને સત્તાધારી એનડીએને પડકાર્યો હતો. એનડીએની સરકાર સામે એન્ટિ-ઇન્કમબન્સીનું જોખમ તોળાતું હતું. વિપક્ષી ગઠબંધન સરકાર સામેના આ એન્ટિ-ઇન્કમબન્સીના પરિબળનો લાભ ઉઠાવી ન શક્યું. મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે તે કળવામાં તે સાવ નિષ્ફળ નીવડયું. બિહાર ચૂંટણીનાં પરિણામો જોતાં કોંગ્રેસે આત્મમંથન અને બ્રેઇન સ્ટોર્મીંગ બન્ને કરવાની જરૂર છે. કોંગે્રસના નેતા રાહુલ ગાંધીએ કરેલા પ્રયાસો મતદારો પર બહુ પ્રભાવ પાડી ન શક્યો. વડાપ્રધાનની માતાની ટીકા, મોદીની કાર્યશૈલીને ડરપોક કહેવા જેવા અનેક મુદ્દા ઉપરાંત સરકારની કામગીરીની સતત ટીકા કોંગ્રેસને ભારે પડી ગઈ.
લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ પક્ષ પ્રભાવ બતાવી શક્યો નથી. દેશના બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ કરતાં વધુ બેઠકો લાવીને તેજસ્વી યાદવ સૌથી મોટો પક્ષ બનવા મથ્યા હતા, પરંતુ મતદાતાઓએ તેમને પરચો બતાવી દીધો હતો. છેલ્લાં પંદર વર્ષથી લાલુપ્રસાદ યાદવનું કુટુંબ બિહાર કબ્જે કરવા મથે છે, પરંતુ મતદારો તેમને લોલીપોપ બતાવીને ભાજપ તરફ જતા રહે છે. વિપક્ષી ગઠબંધને ચૂંટણીપ્રચાર બહુ વહેલો શરૂ કરી દીધો હતો. રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા પ્રચારમાં વોટચોરીના આક્ષેપો કરાયા હતા, પરંતુ આક્ષેપો નક્કર સાબિત થયા નહોતા. પ્રચારના છેલ્લા દિવસોમાં તો વિપક્ષી ગઠબંધન પાસે જાણે મુદ્દા જ ખલાસ થઇ ગયા હતા.
વિપક્ષી ગઠબંધનના સાથી પક્ષો પણ બિહારમાં પ્રચાર માટે પહોંચી ગયા હતા. નેતાઓ સમજી ગયા છે કે ભાષણો સાંભળવા ઉમટી પડતી ભીડ મતમાં પરિવર્તિત થતી નથી. વિપક્ષી ગઠબંધનને એકાદ રાજ્યમાં જીતની જરૂર હતી. વિપક્ષ જો બિહાર જીતી જાત તો કેન્દ્ર સરકારને ટેકો આપનાર જનતા દળ(યુ)ને તોડી શકત અને કેન્દ્ર માટે મુસીબત ઊભી કરી શકાત. આવું થઈ ન શક્યું. ચૂંટણી વ્યૂહરચનાના મુદ્દા પસંદ કરવામાં વિપક્ષો નબળા પૂરવાર થયા એવું આ હાર પરથી માની શકાય છે.
વિપક્ષનું શેખચલ્લી સમાન પ્લાનિંગ પણ ખુલ્લું પડી ગયું હતું. એવો પ્લાન હતો કે બિહારમાં નીતિશ કુમારની સરકાર હારે એેટલે તરત જ તેમના પક્ષ જનતાદળ (યુ)માં બળવો કરાવવો અને નીતિશના પક્ષ પર કેન્દ્રમાં ભાજપને આપેલો ટેકો પાછો ખેંચવા દબાણ કરવું. કહેનારા તો એવુંય કહેતા હતા કે બિહારમાં ભાજપ હારશે એટલે કેન્દ્ર સરકાર પણ ઉથલી પડશે.
વિપક્ષી ગઠબંધન તોડફોડ કરવા કૂદાકૂદ કરતું હતું, પણ તે એ સમજતાં ચૂકી ગયું કે બિહારના મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે. ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓને સાણસામાં લેવાનો પ્રયાસ હાસ્યાસ્પદ સાબિત થયો હતો. તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીને એક સ્ટેજ પર પ્રચાર માટે આવતા જોયા ત્યારથી જ બિહારના મતદારોના મનમાં કમળ ખીલવા લાગ્યું હતું.
એક્ઝિટ પોલ્સની ફરી વાત કરીએ તો હવે આ પ્રકારના પોલ્સ તરફ નારાજગી જોવા મળી રહી છે. એેક્ઝિટ પોલ અને અંતિમ પરિણામો જાહેર થાય તે વચ્ચેનો સમય દરેક રાજકીય પક્ષેા અને તેમના સમર્થકોની ઊંઘ હરામ કરનારો હોય છે. દેશમાં હવે પછીના વિધાનસભા જંગ આવતા વર્ષે આસામ, કેરળ, તમિળનાડુ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળશે.
બિહારની ચૂંટણીનાં પરિણામો પરથી એમ કહી શકાય કે બિહારના અમુક રાજકારણીઓ હજુ જંગલરાજમાં જ જીવે છે, જ્યારે બિહારના મતદારેા વિકાસની સાથે કદમ મિલાવી રહ્યા છે.


