અચ્યુતમ્ કેશવમ્ની દિશામાં ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ FTX નાદાર બન્યું
- એક લાખ લેણદારો અનેે 10 અબજ ડોલરનું દેવું
- સામ બેન્કમેન ફ્રાઇડ
- પ્રસંગપટ
- ભારતનાં નાણાંપ્રધાનની પ્રશંસા કરવી જોઇએ, કેમ કે પહેલેથી જ તેઓે ક્રિપ્ટો કરંસીથી અંતર રાખતાં હતાંં
કહે છે કે ક્રિપ્ટો કરંસીનું અચ્યુતમ્ કેશવમ્ થવા જઇ રહ્યું છે. આજે ભારતના નાણાંપ્રધાનની પ્રશંસા કરવી જોઇએ, કેમ કે પહેલેથી જ તેઓ ક્રિપ્ટો કરંસીને દૂર રાખતાં હતાં. ભારત પહેલેથી કહેતું આવતું હતું કે ક્રિપ્ટો કરંસીના રવાડે ચઢવાની જરૂર નથી. બીજી તરફ વિશ્વ સાથે કદમ મિલાવવા હશે તો ક્રિપ્ટો કરંસીને ભારતમાં માન્યતા આપવી પડશે એવી સુફિયાણી વાતો કર્યા કરતા આર્થિક નિષ્ણાતો પણ હવે મોં સીવીને બેસી ગયા છે.
કિપ્ટો કરંસીનું વિશ્વમાં બીજા નંબરનું ટ્રડિંગ પ્લેટફોર્મ ફ્યુચર્સ એક્સચેન્જ - એફટીએક્સ (FTX) ખાડે ગયું છે અને દેવાળીયું બની ગયું છે. ક્રિપ્ટો કરંસી સાથે સંકળાયેલા લોકો તૂટી પડેલા ક્રિપ્ટો કરંસીની આ સ્થિતિને લેહમેન મુવમેન્ટ સાથે સરખાવે છે. વિશ્વના આર્થિક પ્લેટફોર્મ પર રાતોરાત નેગેટીવ રીતે ચમકેલા એફટીએક્સના ફાઉન્ડર સામ બેન્કમેન ફ્રાઇડે બહુ મોટો ફટકો ખાધો છે અને વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું ક્રિપ્ટો એક્સચેન્જ હવે દેવાળીયું બની ચૂક્યું છે અને રોકાણકારોના પૈસા ડૂબાડતું ગયું છે.
વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જનું સૌથી મોટું અને સૌથી નજીકનું કોમ્પિટીટર બિનાન્સ એક્સચેન્જ પણ FTX ની બેન્કરપ્સીથી સ્તબ્ધ છે. રોકાણકાર તરીકે મોટાં માથાં ગણાતા સિક્યૂઆ, સોફ્ટ બેંક અને ટીમસ્કે વગેરેનંુ પીઠબળ હોવાના કારણે FTX વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું ક્રિપ્ટો એક્સચેન્જ બની ગયું હતું. તેના રોજના વ્યવહારોમાં સૌથી મોટી રકમ બે અબજ ડોલરને સ્પર્શી ગઇ હતી. પરંતુ હવે બધું જ પાણીમાં ગયું છે. કંપની રોકાણકારોના પૈસા ચૂકવી શકે એમ નથી એેટલે બેન્કરપ્ટ જાહેર થઇ શકે છે.
૧૯૯૨માં જન્મેલા બેન્કમેન ફ્રાઇડની સંપત્તિ અંદાજે ૨૬ અબજ ડોલરની આંકવામાં આવે છે. તે કહેતો હતો કે આજે ભલે મારૂં એક્સચેન્જ વિશ્વમાં બીજા નંબરે છે, પરંતુ જ્યારે પહેલા નંબરે આવીશ ત્યારે હું ગોલ્ડમેન સેચ અને સીએમઇ ગુ્રપ જેવી કંપની ંખરીદવા વિચારીશ. બેન્કમેનની ચરબી ઉતરી ગઇ છે અને નાદારી તરફ દોડવું પડયું છે.
વેચનાર અને ખરીદનાર બંને પાસેથી FTX કમિશન મેળવતું હતું. ડિપોઝીટરો એક સાથે જ ડિપોઝિટો ઉપાડવા લાગે ત્યારે બેન્ક તે ચૂકવી શકતી નથી અને હાથ અધ્ધર કરી દે છે. આપણે ત્યાં સહકારી બેન્કોના ઉઠમણાં લોકોએ જોયા છે. FTXના કેસમાં તો તેણે દલાલીના પૈસા લેવાના હોવા થતાં પોતે કાચું કાપ્યું હતું. શરૂઆતમાં આલ્મેડી રિસર્ચની સ્થાપના કરાયા બાદ FTX શરૂ કરાઇ હતી અને સાથે સાથે જે લોકો રજીસ્ટર્ડ હોય તેમને સસ્તા દરે ટ્રેડીંગ ફી ચૂકવાઇ હતી. સમસ્યા ત્યારે શરૂ થઇ કે જ્યારે આલ્મેડીની બેલેન્સ શીટ લીક થઇ ગઇ. તેના કારણે તેમાં રોકાણ કરનારાઓ ટેન્શનમાં આવી ગયા હતા. લોકોને એકાએક ખ્યાલ આવ્યો કે આલ્મેડી દેવામાં ચાલે છે.
બેન્કમેન ફ્રાઇડે કરેલી ટ્વિટે FTX માટે મુશ્કેલી સર્જી હતી. ક્રિપ્ટોનું સૌથી મોટું એક્સચેન્જ બિનાન્સના સીઇઓ ચેંગપેંગ ઝાહો અને FTXના બેંકમેન ફ્રાઇડ સારા મિત્રો હતા.એફટીએક્સ શરૂ થયાના છ મહિનામાં ઝાહોએ ૧૦૦ મિલિયન ડોલર રોક્યા હતા. થોડા સમય બાદ એક સમયના આ મિત્રો સોશિયલ નેટવર્ક પર બાખડી પડતા જોવા નજરે પડયા હતા.
FTXની અર્થ વ્યવસ્થા નબળી છે એવું કોઇનબેઝે લખીને ઉમેર્યું હતું કે લોકોએ ચેતતા રહેવું જોઇએ. જેવી લોકોને ખબર પડી કે FTXએ નાદારી નોંધાવી છે કે તરત જ રોકાણકારોએ રોકાણ પરત ખેચવા પ્રયાસો કરવા માંડયા. બેન્કકમેન ફ્રાઇડે ટ્વિટ કરીને શેર કર્યું હતું કે હું મારી કંપની વેચી રહ્યો છું.
આ વાત તેમની કંપની માટે ઘાતક પુરવાર થઇ. એક નેગેટિવ ટ્વિટ કેટલું મોટું નુકશાન કરી શકે છે તેનું તાજું ઉદાહરણ FTXનો ધબડકો છે.અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીનો સૌથી મોટા બીજા નંબરના વ્યક્તિગત ડોનર તરીકે બેન્કમેન ફ્રાઇડનું નામ બોલે છે. કહે છે કે FTX ના એક લાખ લેણદારો છે અને તેમને ૧૦ અબજ ડોલરથી ૫૦ અબજ ડોલર સુધીની રકમ ચૂકવવાની આવશે.
રોકાણકારો ક્રિપ્ટોથી દૂર ભાગી રહ્યા છે. સોમવારે બિટકોઇનના ભાવોમાં ૧૦ ટકાનું ગાબડું જોવા મળ્યું હતું. વિશ્વનું ટોચનું એક્સચેન્જ ડામાડોળ હોય ત્યારે સ્થિરતાની અપેક્ષા રાખી શકાય નહીં.