Get The App

વિદેશપ્રવાસની ત્રણ લાખથી વધુ ટિકિટો કેન્સલ: પાક. યુદ્ધનો ડર

Updated: May 15th, 2025

GS TEAM

Google News
Google News
વિદેશપ્રવાસની ત્રણ લાખથી વધુ ટિકિટો કેન્સલ: પાક. યુદ્ધનો ડર 1 - image

- એરલાઇન્સ કંપનીઓને જંગી આર્થિક ફટકો પડયો છે

- પ્રસંગપટ

- 800 જેટલા અમદાવાદી પ્રવાસીઓએ પાકિસ્તાનને સમર્થન આપતા દેશોમાં ફરવા જવાનું માંડી વાળ્યું છે

ઓપરેશન સિંદૂરની સીધી અસર ઉડ્ડયન ક્ષેત્ર પર થઇ છે. ૭થી ૧૨ મે દરમિયાન દેશના ઉત્તર અને પશ્ચિમી હિસ્સાનાં ૩૨ એરપોર્ટ પર હવાઈ સેવાઓ સ્થગિત થવાને કારણે ત્રણ લાખથી વધુ એર ટિકિટ રદ કરવામાં આવી હતી.  હવે હવાઇ સેવાઓ ખુલી ગઇ છે, પરંતુ પ્રવાસીઓ હવાઈસફર કરતાં અચકાઈ રહ્યા છે. 

પાકિસ્તાનને સહાય કરનારા  દેશ તુર્કી અને અઝારબૈજાન જેવા દેશોમાં જનારી ટૂરો ધડાધડ કેન્સલ થઈ રહી છ. લોકોને આ દેશોમાં ન જવા માટે આગ્રહ કરતા સંદેશાઓ સોશિયલ મીડિયા પર ખૂબ ફરી રહ્યા છે. અમદાવાદથી આ દેશોમાં ફરવા જવાનું આયોજન કરનારા ૮૦૦ જેટલા પ્રવાસીઓએ માંડી વાળ્યું છે. મેસેજ એવા પણ જોવા  મળે છે કે યુદ્ધ ગમે ત્યારે ફાટી નીકળે એમ છે. નવેસરથી ત્રાસવાદી હુમલા પણ થઇ શકે છે. 

 ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી પ્રભાવિત થયેલાં એરપાર્ટમાં શ્રીનગર, જમ્મુ, લેહ, અમૃતસર, ચંદીગઢ, જોધપુર ઇત્યાદિનો સમાવેશ થાય છે. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ ૧૨ મેની સવારે આ હવાઈમથકો ફરીથી ખોલવામાં આવ્યાં હતાં. જે એરપોર્ટની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી ત્યાં સામાન્ય સંજોગોમાં દરરોજ ૫૦,૦૦૦થી ૬૫,૦૦૦ મુસાફરોની અવરજવર રહેતી હોય છે. હવે જોકે એરપોર્ટ્સ ઓપરેશનલ થયાં પછી પણ પ્રવાસીઓમાં ડરનો માહોલ છે.

૧૨ મે, સોમવારના રોજ પાકિસ્તાનથી તરફથી આવતાં લડાયક ડ્રોનની ગતિવિધિ વધી ગઈ હતી, જેના કારણે સાંજે અમૃતસર જતી ઇન્ડિગોની ફ્લાઇટને આકાશમાં ઉડાન ભરવા છતાં પાછી વાળવાની ફરજ પડી હતી. ૧૨ મેની મધ્યરાત્રિએ દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ જાહેરાત કરી કે ૧૩ મેના રોજ જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટની તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. પછી ઇન્ડિગોએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર લખ્યું હતું કે ૧૪ મેથી આ શહેરોમાંથી ફ્લાઇટ સેવાઓ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. એરલાઇને લખ્યું: 'દરેક ફ્લાઇટની સેવા વધુ સારા સંકલન સાથે પુન: સ્થાપિત કરવામાં આવી રહી છે અને ખાતરી કરવામાં આવી રહી છે કે બધી મુસાફરી કોઈપણ અવરોધ વિના સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવશે.' 

એર ઇન્ડિયાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર લખ્યું હતું કે  મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને, ૧૩મેના રોજ જમ્મુ, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટની ફ્લાઇટ સેવાઓ રદ કરવામાં આવી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે ફ્લાઇટ્સના કેન્સલેશનના પગલે શું સરકાર એરલાઇન્સને કોઈ નાણાકીય રાહત આપવાનું વિચારે છે? આ પ્રશ્નનો કોઈ ઉત્તર આપવામાં આવ્યો ન હતો. અલબત્ત, નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ અને વરિષ્ઠ અધિકારીઓ ઉડ્ડયન કંપનીઓના ટોચના પ્રતિનિધિઓને મળ્યા હતા. આ બેઠકમાં, કંપનીઓએ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (છ્ખ) પર કર ઘટાડવાની જરૂરિયાત પર પણ ચર્ચા થઈ હતી.

૨૪ એપ્રિલે પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર નિષિદ્ધ થયું તે પછી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સને લાંબા રૂટ લેવા પડયા. સ્થાનિક ફ્લાઇટ્સ પણ રદ થઈ એટલે  એરલાઇન્સ કંપનીઓને આર્થિક ફટકો પડે તે સ્વાભાવિક છે. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંધ કરાયેલાં ૩૨ એરપોર્ટમાંથી મુસાફરોની સૌથી વધારે અવરજવર શ્રીનગર, જમ્મુ, લેહ, અમૃતસર અને ચંદીગઢ આ પાંચ એરપોર્ટ્સ પરથી થાય છે. યુદ્ધની સ્થિતિ સર્જાય ત્યારે દેશનાં વિવિધ ક્ષેત્રો પર તેની અસર પડયા વગર ન જ રહે તે સ્વાભાવિક છે. ખેર, હવે પરિસ્થિતિ પુન: થાળે પડી રહી છે ત્યારે ઉડ્ડયન સેવાઓ પણ નવેસરથી નોર્મલ થવા માંડી છે.