Updated: Mar 15th, 2023
- પેટ ડોગને સવલતો અને શેરી ડોગને ફટકા
- પ્રસંગપટ
- હવે જ્યારે ખસીકરણની ઝુંબેશ ચાલે છે ત્યારે શહેરી વિસ્તારોમાં તો ગલુડીયાં દેખાતા જ બંધ થઇ ગયા છે...
પાળેલા પ્રાણીઓને તેમના માલિકો પોતાના સંતાનની જેમ રાખે છે. પાળેલા ડોગ સહીતના પ્રાણીઓની ખુશી માટે તેના માલિકો હજારો રૂપિયા ખર્ચી નાખે છે. નાના ગામોમાં કે ટાઉન લેવલે શેરીના કૂતરાંનું લાલન પાલન કરાતું હોય છે.
શેરીના કૂતરાંના જીવનનું પાળેલા કૂતરાંના જીવન સાથે સરખામણી કરીયેતો નર્ક અને સ્વર્ગ જેટલો ફર્ક છે એમ કહી શકાય. શેરીના ડોગ રોજ હડે-હડેનો અનુભવ કરે છે તો પાળેલો ડોગ તેના એસી રૂમમાં નિરાંતે ઉંધતો હોય છે. પેટ ડોગ રાખનારાના એસોસીયેશન ચાલતા હોય છે અને દરેક પોતાના અનુભવોની આપલે કરતા હોય છે. આવા માલિકો મોટા ભાગે શ્રીમંત હોય છે અને પોતાના ડોગ પાછળ ફૂડ અને ગૂ્રમીંગ પાછળ હજારો ખર્ચી નાખે છે.
ગયા અઠવાડીયે દિલ્હીમાં બે ડોગ લવર્સે તેમના પેટડોગના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. મેલ ડોગની જાન ડોલીમાં ફિમેલ ડોગને ત્યાં લઇ જવાઇ હતી. બંનેના હાર તોરા કરાવીને લગ્ન કરાવાયા હતા.
મેરેજમાં સંબંધીઓને જમવા પણ બોલાવાયા હતા. લગ્ન શાનદાર હતા. ઇન્ટરનેટ પર આ લગ્ન જોનારાની સંખ્યા જોત જોતામાં એક લાખને વટાવી ગઇ હતી. ડોગ સાથે લગ્ન કરનારા પણ છે. લોકો જ્યારે રોજ કૂતરાના હુમલા અને નાના બાળકોને ફાડી ખાધાની ઘટનાઓ રોજ જોતા હોય ત્યારે બે પેટ ડોગના લગ્નએ સેન્સેશન ઉભું કર્યું હતું. એનિમલ લવર્સની દુનિયા વિશાળ છે. પોતાના માલિકના પગરવ ઓળખી શકતા ડોગ ચોરના પગલાને પણ ઓળખી શકે છે. દરેક ચોર ડોગથી ડરતો હોય છે.
ચોરી કરનાર જ્યારે ચોરીનો પ્લાન બનાવે છે ત્યારે પહેલાં રેકી કરીને જુવે છે કે પાળેલા ડોગ કે શેરી ડોગ બંગલામાં હોય છે ખરા? કહે છે કે શેરીના કૂતરાંમાં અજાણ્યાને ઓળખવાની જે શાર્પનેસ હોય છે તે પેટ ડોગમાં નથી હોતી.
અંતરીયાળ ગામોમાં શેરી ડોગ ફેમિલી મેમ્બર બની જાય છે. વિચરતી કોમ જ્યાં જાય ત્યાં સાથે તેમના વફાદાર સાથીને લઇને ફરતી જોવા મળે છે. શેરીના કૂતરાની કમનસીબી એ હોેય છે કે તેને રહેવા-ખાવા- પીવા માટે અહીં તહીં ભટકવું પડે છે. તેની લાઇફ અનિશ્ચિત હોય છે. તેને રોજ જ્યાં ખાવાનું મળે ત્યાં વફાદારી બતાવીને રહે છે.
એક સમય હતો કે જ્યારે ફિમેલ ડોગને બચ્ચાં આવે ત્યારે વિસ્તારના લોકો ગોળનો શીરો બનાવીને ખવડાવતા હતા અને ગલુડીયાંને નાના બાળકો રમકડાંની જેમ રમાડતા હતા.
હવે જ્યારે ખસીકરણની ઝુંબેશ ચાલે છે ત્યારે શહેરી વિસ્તારોમાં તો ગલુડીયાં દેખાતાજ બંધ થઇ ગયા છે. એમ લાગે છે કે સત્તાવાળાઓ શેરી કૂતરાંની વસ્તી ઓછી કરી નાખીને વિદેશની જેમ પેટ ડોગને પ્રોત્સાહન આપશે. પેટ ડોગની કમનસીબી એ હોય છે કે તે હુમલો કરવાનું લગભગ ભૂલી જાય છે. તેની ભસવાની એગ્રેસીવનેસ મંદ પડી ગઇ હોય છે.
બહુ ભસતા કે આખી રાત રડયાકરતા પેટ ડોગને તેના માલિક તરછોડી દેતા હોય છે. તેને બહારના વાતાવરણમાં રહેતા આવડતું ના હોઇ તે મોતને ભેટે છે. માલિક બોલાવે ત્યારે આવે અને પૂંછડી પટપટાવી મહેમાનોનું સ્વાગત કરે એવા પેટ ડોગ સૌને ગમે છે. પરંતુ અનેક એવી ઘટનાઓ છે કે જેમાં પેટ ડોગના માલિકો તેને હાઇવે પર છોડીને કાર ભગાવી દે છે.
જ્યારે પેટ ડોગના ધામધૂમથી લગ્ન થાય અને શેરી ડોગનું કલ્ચર ખસીકરણ મારફતે ખતમ કરાય ત્યારે ઓવરઓલ ડોગલવર્સને આઘાત લાગે છે.
અહીં પેટ ડોગ સામે શેરી ડોગની સરખામણી નથી કરાઇ પણ શેરીના ડોગ આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રો સાથે વણાયેલા છે તે ભૂલવું ના જોઇએ.