FMCGક્ષેત્રની સૌથી મોટી કંપની HULમાં પહેલી વાર મહિલા સીઈઓ
- પહેલી ઓગસ્ટથી પ્રિયા નાયર HULમાં સીઇઓ
- પ્રસંગપટ
- સીઇઓ અને એમડી તરીકે મહિલાની નિમણૂક કરવી એટલે જાણે પુરૂષોના ગઢમાં ગાબડાં પાડવા
- પ્રિયા નાયર
ભારતમાં ફાસ્ટ મુવીંગ કન્ઝ્યુમર્સ ગુડસ (FMCG)ક્ષેત્રે સૌથી મોટી માર્કેટ કેપ ધરાવતી હિન્દુસ્તાન લીવર લિમિટેડ (HUL)નું સુકાન પહેલી વાર એક મહિલાને સોંપાતાં કંપનીના શેર્સમાં પાંચ ટકાનો ઉછાળો નોંધાયો છે. પહેલી ઓગસ્ટથી પ્રિયા નાયર HULમાં સીઇઓ અને એમડીનો હવાલો સંભાળશે. કોર્પોરેટ ક્ષેત્રે શીર્ષસ્થ સ્થાનો પર મહિલાઓની હાજરી અત્યંત ઓછી છે. પ્રિયા નાયરને સીઇઓ બનાવીને HULએ કોર્પોરેટ ક્ષેત્રે હિંમતભર્યું અને પ્રોત્સાહક પગલું ભર્યું છે. એફએમસીજી કંપનીઓમાં ટોચ પર મહિલાની કોઇએે કલ્પના કરી નહોતી, પરંતુ HULએ તે કરી બતાવ્યું છે.
પ્રિયા નાયર હાલ કંપનીનાં બ્યુટી અને વેલ-બીઇંગના પ્રસિડેન્ટ છે. તેઓ વર્તમાન સીઇઓે રોહિત જાવાની જગ્યા લેશે. રોહિત જાવા પોતાના આગવા સાહસ માટે કંપનીમાંથી કરવા છૂટા થયા હતા. પ્રિયા નાયરને કંપનીના બોર્ડમાં સ્થાન મળશે તેમજ તેઓ યુનિલીવર લીડરશીપ એેક્ઝિક્યુટિવના સભ્ય તરીકે પણ ચાલુ રહેશે.
કોર્પેારેટ ક્ષેત્ર પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે મહિલાઓને ટોચની પોસ્ટ સામાન્યપણે અપાતી નથી. ૧૦ જુલાઇના ડેટા અનુસાર, ફિફ્ટી-નિફ્ટી કંપનીઓમાંથી એમડી તરીકે ફક્ત બે જ મહિલાઓ કાર્યરત છે. એનએસઇની ૫૦૦માંથી માંડ ૨૪ કંપનીઓમાં મહિલા ટોપ પર છે.
મહિલાઓના ટોપ પોઝિશન આપવાના મામલે છેલ્લા એક દાયકામાં બહુ ઓછો સુધારો થયો છે. મહિલાઓ પર ઘરની જવાબદારી હોય છે, તેથી ઓફિસમાં તે રોજ કલાકો સુધી કે મોડે સુધી કામ ન કરી શકે વગેરે જેવા વાંધાવચકા બતાવીને મહિલાઓને ટોચના હોદ્દા પરથી દૂર રાખવામાં આવે છે.ભારતમાં સીઇઓ અને એમડી તરીકે મહિલાની નિમણૂક કરવી એટલે જાણે પુરૂષોના પ્રભુત્વ ધરાવતા ગઢમાં ગાબડાં પાડવા. સામાન્ય રીતે કોર્પોરેટ ક્ષેત્રે મહિલાઓને ચાવીરૂપ પોસ્ટ અપાતી નથી. તે માટે કોઇ નિશ્ચિત કાયદા-કાનૂન નથી હોતા, પરંતુ 'આગે સે ચલી આતી હૈ'ની જેમ કંપનીઓ મહિલાઓને ચાન્સ નહોતી આપતી. ટોપ પોસ્ટ તો પુરૂષ જ હોય એવું સ્વીકારી લેવાયું હતું. હિન્દુસ્તાન યુનિલીવરે પ્રિયા નાયરને સીઇઓ બનાવીને ચીલો ચાતર્યો છે.
ભારતની મોટી કંપનીઓની મહિલા સીઇઓની વાત કરીએ તો સૌથી પહેલાં પ્રભા નરસિમ્હાનું નામ લેવું પડે. તેઓ સપ્ટેમ્બર ૨૦૨૨માં કોલગેટ પામોલિવ ઇન્ડિયાનાં સીઇઓે તરીકે નિમાયાં હતાં. એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સના સીઇઓ અને એમડી તરીકે વિભા પઢલકર છે. સપ્ટેમ્બર ૨૦૧૮થી તેમણે આ હોદ્દો સંભાળ્યો છે.
નાયકા કંપનીનાં ફાઉન્ડર અને સીઇઓે તરીકે ફાલ્ગુની નાયરે એપ્રિલ ૨૦૧૨થી કંપનીનો હવાલો સંભાળ્યો છે. વેલસ્પન લિવીંગ કંપનીના સીઇઓ અને એમડી તરીકે દિપાલી ગોયેન્કા એપ્રિલ ૨૦૨૩થી કાર્યરત છે. જીંદાલ સૉ કંપનીના એમડીના પદ પર સ્મિનુ જીંદાલ ફેબુ્રઆરી ૨૦૨૧થી સક્રિય છે. સુનિતા રેડ્ડી એપોલો હોસ્પિટલનાં એમડી છે, જ્યારે તેમની બહેન એપોલો હોસ્પિટલનાં જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે.
દેશની ટોપ ફાઇવ ફાસ્ટ મુવીંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ સૌથી પહેલું નામ હિન્દુસ્તાન યુનિલીવરનું આવે છે (માર્કેટ કેપ ૫.૪૮ લાખ કરોડ રૂપિયા), બીજા ક્રમે આઇટીસી લિમિટેડ (માર્કેટ કેપ ૫.૩૧ લાખ કરોડ), ત્રીજે નેસ્લે ઇન્ડિયા (૨.૨૯ લાખ કરોડ), ચોથે વરૂણ બિવરેજીસ (૧.૭૫ લાખ કરોડ) અને પાંચમે સ્થાને બ્રિટાનીયા (૧.૩૦ લાખ કરોડ)નો સમાવેશ થાય છે.
બાયોકોનનાં ફાઉન્ડર કિરણ મજમૂદાર શૉ વારંવાર કહેતાં આવ્યાં છે કે એકવાર મહિલાઓને સીઇઓની પોસ્ટ પર બેસાડી તો જુઓ. કોર્પોરેટ ક્ષેત્ર મહિલાઓને ઉપર ચડવાની સીડી આપવાનું સામાન્યપણે ટાળે છે. મેનજેમેન્ટની ઉપેક્ષાના કારણે કેટલીક મહિલાઓ સંઘર્ષ કરવાને બદલે જોબ છોડી દે છે. હકીકત એ છે કે મહિલાઓ બોસ તરીકે કર્મચારીઓ સાથે સહાનુભૂતિપૂર્વક વર્તે છે, વ્યૂહરચના પ્રમાણે કામ કરે છે અને ગણતરીપૂર્વકનાં જોખમો ઉઠાવી જાણે છે.