Get The App

બે ઉત્સવ : એક આઝાદીનો બીજો નંદ ઘેર આનંદ ભયો...જય હો

Updated: Aug 15th, 2025

GS TEAM

Google News
Google News
બે ઉત્સવ : એક આઝાદીનો બીજો નંદ ઘેર આનંદ ભયો...જય હો 1 - image

- અધરમ્ મધુરમ્, વદનમ્ મધુરમ્, નયનમ્ મધુરમ્

- પ્રસંગપટ

- ભગવાન કહેવા માગે છે કે આકાશ, વાયુ, જળ, પૃથ્વી આટલી વસ્તુ જો પવિત્ર હોય તો આપણે રોગમુક્ત બનીએ

૧૫ ઓગસ્ટ અને કૃષ્ણ જન્મોત્સવ આગળ-પાછળ ઉજવાઈ રહ્યા છે. ભારત માટે બંને દિવસો ઉત્સવના છે. ૧૫ ઓગસ્ટ ગૌરવવંતો દિવસ છે, તો જન્માષ્ટમીનો સંબંધ કૃષ્ણ કનૈયા સાથે છે.

શ્રીમદ્ ભાગવતજીના દશમ્ સ્કંધના પાંચમાં અધ્યાયમાં નંદ મહોત્સવનું વર્ણન છે. ભગવાન શ્રીકૃષ્ણએ સમગ્ર જગતને આનંદ આપવાવાળા છે. આનંદ એટલે કૃષ્ણ અને કૃષ્ણ એટલે જ આનંદ. એટલે જ્યારે આપણે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાગટય મહોત્સવ મનાવીએ છીએ ત્યારે આપણે બોલીએ છીએ કે, 'નંદ ઘેર આનંદ ભયો.' કૃષ્ણ શબ્દમાં 'કૃષ'ે સત્તાવાચક છે, જ્યારે 'ણ' આનંદવાચક છે. જેની સત્તા સમગ્ર જગતમાં છે અને જેનું નામ એ જીવને આનંદ આપવાવાળું છે એ જ કૃષ્ણ છે.

નંદબાવાને ત્યાં લાલો જન્મ્યો, સૌને આનંદ થયો. ભગવાન વ્રજમાં પધાર્યાં એ સમયે નંદબાવા મોટા મનવાળા બન્યા. એમણે વૈદગ્ન, દૈવગ્ન બ્રાહ્મણોને બોલાવ્યા. જાત કર્મ સંસ્કાર કર્યો. દેવોનું, પિતૃઓનું સ્મરણ કર્યું. ભગવાન પધાર્યાં માટે નંદબાવાએ બ્રાહ્મણોને ગૌદાન કર્યું. 

શુકદેવજી મહારાજ આ પ્રસંગનું વર્ણન કરતાં પરિક્ષિત મહારાજને કહે છે કે, ભગવાન પધાર્યાં એટલે વ્રજ સમૃદ્ધ થયું. ભગવાનની સાથેસાથે લક્ષ્મીજી પણ વ્રજમાં પધાર્યાં. આ પ્રસંગનો જો ભાવાર્થ સમજવા જેવો છે. ભગવાન કહેવા માગે છે કે, 'મારા ભક્તોએ મારા દર્શન કરવા હોય તો મારા મંદિર સુધી પહોંચવું પડે. તો મારા ભક્તજનોને શ્રમ ન થાય એના માટે હું જ ભક્તોને દર્શન આપવા માટે આવું છું.' 

ભગવાન શ્રીકૃષ્ણ આનંદનું તો સ્વરૂપ છે જ પણ, સાથે સાથે સકલ કલાગુરુ છે. સકલ કલાગુરુ એટલે દરેક વિષયોમાં પારંગત. સામાન્યપણે માણસ એકાદ-બે વિષયમાં નિષ્ણાત હોય, પણ ભગવાન તો દરેક વિષયમાં નિષ્ણાત  છે. માટે જ કહેવામાં આવ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણનું બધું જ મધુર છે. 

મધુરાષ્ટકનો એક શ્લોક અહીં સ્મરણ થાય છે કે, 'અધરમ્ મધુરમ્, વદનમ્ મધુરમ્, નયનમ્ મધુરમ્, હસિતમ્ મધુરમ્, હૃદયમ્ મધુરમ્, ગમનમ્ મધુરમ્, મધુરાધિપતે અખિલમ્ મધુરમ્.'

ભગવાન શ્રીકૃષ્ણનું બોલવું પણ મધુર છે. ભગવાન શ્રીકૃષ્ણની વાણી એટલે શ્રીમદ્ ભગવતગીતા. પૂર્વે જે-જે અવતારોમાં ભગવાને લીલા કરી એ સમગ્ર લીલા ભગવાને શ્રીકૃષ્ણ અવતારમાં કરી. ભગવાન શ્રીરામજીએ ભરતજીને પાદુકા આપી. તો ભગવાન શ્રીકૃષ્ણએ ઉદ્ધવજીને પાદુકા આપી. વામન અવતારમાં ભગવાને બલિ મહારાજ પાસે ભિક્ષા માંગી તો શ્રીકૃષ્ણા અવતારમાં ભગવાને જરાસંઘ પાસે ભિક્ષા માંગી. ભગવાન શ્રીકૃષ્ણ પોતાની લીલા દ્વારા ઘણાં બધાં રહસ્યો આપણને સૌને સમજાવે છે. 

ભગવાને માટી ખાધી તો ભૂમિ તત્ત્વને પવિત્ર કર્યું. ભગવાને કાલિનો નિગ્રહ કર્યો તો જળ તત્ત્વને પવિત્ર કર્યું. તૃણાવર્તનો વધ કર્યો તો આકાશ તત્ત્વને પવિત્ર કર્યું. ભગવાન કહેવા માગે છે કે આકાશ, વાયુ, જળ, પૃથ્વી આટલી વસ્તુ જો પવિત્ર હોય તો આપણે રોગમુક્ત બનીએ.

ભગવાન શ્રીકૃષ્ણએ એ સમયમાં સ્વચ્છતા અભિયાન સમજાવ્યું હતું. પ્રદુષણમુક્ત વાતાવરણ એ જ રોગમુક્તિ આપે છે. વ્યક્તિ જેટલું જીવે એટલું તંદુરસ્ત જીવે. શ્રીકૃષ્ણ ભગવાને વ્રજવાસીઓ પાસે ગોવર્ધન પૂજા કરાવી, અન્નકૂટ ધરાવ્યો. શ્રીકૃષ્ણ ભગવાન સમજાવે છે કે, દરેક વ્યક્તિ સુધી મારો પ્રસાદ પહોંચવો જોઈએ. અન્નકૂટ શબ્દનો જો અર્થ કરીએ તો અન્ન એટલે અનાજ અને કૂટ એટલે ઢગલો. એ સમયમાં જે વ્યક્તિને પુરતું અન્ન નહોતું મળતું તો આ પ્રસંગ દ્વારા ભગવાને પ્રસાદની વ્યવસ્થા કરી. માટે જ ભગવાનનું નામ છે વિશ્વંભર. તેઓ દરેક જીવનું પોષણ કરવાવાળા છેે. માટે જ ગીતાજીના પંદરમાં અધ્યાયમાં ભગવાને કહ્યું કે, 'ખાવાનું કામ તમે કરો, પચાવવાનું કામ હું કરીશ.' 

ભગવાન શ્રીકૃષ્ણ એ આપણી વચ્ચે રહેવાવાળા છે. એ પોતે જ આનંદ સ્વરૂપ છે. નંદ શબ્દની જો પરિભાષા કરીએ તો જે બીજાને આનંદ આપે એ જ નંદ અને જે અન્યને યશ આપે એ જ યશોદા. આપણને પ્રાપ્ત થતો આનંદ અને ખુશી બીજાને આપીએ. કોઈપણ કાર્ય કરીએ તો એનો યશ ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરીએ એ જ સાચી જન્માષ્ટમી છે. અસ્તુ!