Get The App

યુપીઆઇ પ્લેટફોર્મ્સ ઠપ થતાં કરોડો લોકોમાં હેકિંગનો ભય

Updated: Apr 15th, 2025

GS TEAM

Google News
Google News
યુપીઆઇ પ્લેટફોર્મ્સ ઠપ થતાં કરોડો લોકોમાં હેકિંગનો ભય 1 - image

- ફરી 'કેશ ઇઝ કિંગ'નો જમાનો આવી શકે છે

- પ્રસંગપટ

- માર્ચ 2025માં યુપીઆઈ દ્વારા 24.77લાખ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન્સ થયાં હતા

ઓનલાઇન પેમેન્ટ કરવા માટે યુપીઆઇનો ઉપયોગ આપણે ત્યાં સાવ સાવ સામાન્ય થઈ ગયો છે. રસ્તા પર થતી  નાની નાની ખરીદી લઈને મોટાં મોટાં ટ્રાન્ઝેક્શન હવે દરેક વર્ગના લોકો સહજતાથી કરે છે. વેપારજગતમાં યુપીઆઇ દ્વારા થતું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સર્વસ્વીકૃત બની ગયું છે. ગુગલ પે, પેટીએમ, ફોન પે જેવા યુપીઆઇ પ્લેટફોર્મ્સ અચાનક ટેકનિકલ ઇશ્યુનું કારણ બતાવીને બંધ રહે ત્યારે સૌના મનમાં ધ્રાસકો પડે છે કે મારી સાથે કોઇ સાયબર ફ્રોડ તો નથી થયોને?આજકાલ જ્યારે હેકર્સ લોકોના ફોન હેક કરવા નવી નવી ટ્રિક્સ અજમાવતા થયા છે ત્યારે સાયબર એટેકની સંભાવના ઊભી થવી સાવ સ્વાભાવિક કહી છે.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ડેટા અનુસાર, છેલ્લાં પાંચ વર્ષમાં યુપીઆઇ સિસ્ટમ ૧૭ વાર બંધ રહી હતી  જેનો કુલ સમયગાળો ૧,૦૦૦ મિનિટ જેટલો થાય છે. છેલ્લાં બે અઠવાડિયામાં બે વાર યુપીઆઇ ઠપ્પ થઇ ગયું હતું. ૧૨ એપ્રિલે યુપીઆઇ સિસ્ટમ બંધ રહી ત્યારે ટ્રાન્ઝેકશન કરનારા અનેક લોકોના કપાળે પરસેવો વળી ગયો હતો, કેમ કે તેમના પેમેન્ટ અધવચ્ચે લટકી ગયા હતા. યુપીઆઇ સિસ્ટમથી પેમેન્ટ કરતો વર્ગ જાણે છે કે ગણતરીની સેકન્ડોમાં તમારું પેમેન્ટ સામાવાળાના અકાઉન્ટમાં પહેંાચી જાય છે. આ સંજોગામાં અચાનક જ ટેકનિકલ કારણસર સિસ્ટમ બંધ આવે ત્યારે યુઝર્સમાં હેકીંગનો ડર ઊભોે થાય છે.

 અવારનવાર યુપીઆઇ સિસ્ટમ ઠપ થતાં હવે લોકો પેમેન્ટ કર્યા પછી ફોન કરીને કન્ફર્મ કરતા હોય છે કે પેમેન્ટ મળ્યું કે નહીં? તે દર્શાવે છેકે લોકોને હજુ યુપીઆઇની સિસ્ટમ પર પૂરેપૂરો ભરોસો નથી. પેમેન્ટ બહુ મહત્ત્વનો મુદ્દો છે. ટેકનોલોજીની ખામીથી તે અટવાઇ જાય ત્યારે વપરાશકારો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. રિઝર્વ બેંકના કાયદા અનુસાર યુપીઆઇ મારફતે તમે મોકલેલું પેમેન્ટ જો સામેની પાર્ટીને ન મળે, અને જો તમારી બેન્ક તમારા પૈસા પાછા તમારા અકાઉન્ડમાં જમા ન કરી દે તો તમારી બેન્કને પ્રતિ દિન ૧૦૦ રૂપિયા દંડ થઈ શકે છે. ઓનલાઇન પેમેન્ટ કરતા લોકો પાસે યુપીઆઇ પેમેન્ટ સિસ્ટમના વિકલ્પ રૂપે પછી ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો વિકલ્પ બચે છે. નાના દુકાનદારો અને લારીમાં માલ સામાન વેચતા વેપારીઓ પણ યુપીઆઇનો ભરપૂર ઉપયોગ કરે છે ત્યારે રિઝર્વ બેંકે યુપીઆઇ પ્લેટફોર્મ્સ સામે પગલાં લેવાની જરૂર છે. યુપીઆઇ પ્લેટફોર્મને રિઝર્વ બેંક મંજૂરી આપે છે, તેથી રિઝર્વ બેંકની પણ જવાબદારી બને છે.

૨૦૧૬માં યુપીઆઇ ઇન્ટ્રોડયુસ થયું ત્યારે શરૂઆતમાં સ્વાભાવિક રીતે જ તેના પર થતાં ટ્રાન્ઝેક્શન સાવ મામૂલી હતાં, પણ માર્ચ ૨૦૨૫માં પ્રતિ દિન સરેરાશ ૫૯૦ મિલિયન એટલે કે ૫૯ કરોડ ટ્રાન્ઝેક્શન થયાં હતા. આખા માર્ચમાં યુપીઆઇ દ્વારા ૨૪.૭૭ લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ હતી. 

જે લોકોનાં ટ્રાન્ઝેકશન અટવાય છે તેમાંના કેટલાક ફરિયાદ નોંધાવે ત્યારે મોટી કંપનીઓ દિલગીરી વ્યક્ત કરીને ચૂપ થઇ જાય છે. ગુગલ પે અને પેટીએમ જેવી કંપનીઓ વિદેશમાં ખાસ કરીને ય્ દેશોમાં આવી ભૂલ કરે તો તરત જ તેમને મોટો દંડ ફટકારાય છે. ભારતમાં જોકે આવાં કોઇ ત્વરિત પગલાં લેવાતાં નથી.

યુપીઆઇ પ્લેટફોર્મનો ઉપયોગ છૂટક વેપાર કરનારા, શાકભાજી વેચનારા કે પાનના ગલ્લાવાળા સુધ્ધાં કરી શકે છે તેનો અર્થ એ થયો કે તેનું ઓપરેટીંગ બહુ આસાન છે. ડેટા અનુસાર ભારતમાં ફોન પે સૌથી વધારે વપરાય છે. બીજા નંબર પર ગુગલ પે આવે છે. 

યુપીઆઇ પેમેન્ટ ડચકાં ખાવા લાગ્યું ત્યારે અકળાયેલા વપરાશકારોએ સોશિયલ નેટવર્ક પર પોતાનો ઉભરો ઠાલવ્યો હતો. આ દર્શાવે છેકે યુપીઆઇ પેમેન્ટ લોકોને કોઠે પડી ગયું છે અને તેના સિવાય ચાલે એમ નથી. વપરાશકારોએ લખ્યું હતું કે હવે જેમ શહેરમાં વીજળી વિના નથી ચાલતું એમ પેમેન્ટ સિસ્ટમમાં યુપીઆઇ વિના ચાલે એમ નથી. યુપીઆઇ અને એટીએમને  કારણે લોકો બેંકના દાદરા ચઢતા ઓછા થઇ ગયા છે. બીજી બાજુ, એટીએમ બંધ હોવાની કે તેમાં કેશ ન  હોવાની ફરિયાદો પણ વધી રહી છે. 

જ્યારથી યુપીઆઇનો ઉપયોગ વધ્યો છે ત્યારથી લોકો  ખિસ્સામાં રોકડ રાખતા બંધ થઇ ગયા હતા. કરોડો  લોકોનો નાનો મોટો આર્થિક વ્યવહાર યુપીઆઇ મારફતે ચાલે છે. 'કેશ ઇઝ કિંગ' ઉક્તિ લગભગ અપ્રસ્તુત થઈ ગઈ હતી, કેમ કે મોબાઇલથી ફટાફટ પેમેન્ટ કરી શકાય છે... પણ હવે જે રીતે યુપીઆઇની સિસ્ટમ ગમે ત્યારે ઠાગાઠૈયા કરે છે તે જોતાં લાગે છે કે ફરી 'કેશ ઇઝ કિંગ' ઉક્તિ પ્રસ્તુત બની જશેને લોકોએ નવેસરથી ફરજિયાતપણે ખિસ્સામાં ુપૂરતી રોકડ રકમ રાખવી પડશે.