જોખમ ઉપાડીને બિઝનેસ કરવાની સેન્સ ગુજરાતીઓને ગળથૂથીમાં મળી છે

- બુલેટ અને બિઝનેસઃ અમેરિકામાં મોટેલ ઉદ્યોગ જોખમી
- પ્રસંગપટ
- અમેેરિકામાં આ વર્ષે મોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલી ચાર વ્યક્તિઓની હત્યા થઈ છે
અમેરિકામાં મોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્યાપેલો છે, કેમ કે તેમને ટાર્ગેટ કરવામાં આવે છે. તેમને માત્ર પરેશાન નથી કરાતા, પણ ગોળી મરાય છે. અમેરિકામાં મોટલ ઉદ્યોગ બહુ ગૌરવભર્યો બિઝનેસ છે. આખો પરિવાર આ કામમાં પ્રવૃત્ત હોય છે. અમેરિકા સ્થાયી થયેલા આ ભારતીય પરિવારોમાં સંયુક્ત કુટુંબપ્રથા કોઈક રીતે મોટલ ઇન્ડસ્ટ્રીને કારણે જાણે કે જળવાઈ રહી છે. અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં જ્યારથી ખટાશ આવવી શરૂ થઇ છે ત્યારથી અમેરિકનોના એક વર્ગમાં ભારતીય મૂળના નિવાસીઓ વિરુદ્ધ નકારારાત્મક માહોલ ઊભો કરવા પ્રયાસ કરાઇ રહ્યો છે.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ભારતના નિષ્ણાતોના સિક્કા પડે છે. અનેક ટોપની અમેરિકન આઇટી કંપનીઓના સીઈઓ પદ પર ભારતીયો કામ કરી રહ્યા છે. અમેરિકામાં લગભગ દરેક ક્ષેત્રે ભારતીયોની સંખ્યા જોવા મળે છે. આઇટી ઇન્ડસ્ટ્રીની ય પહેલાં મોટલ ઉદ્યોગ દાયકાઓથી ભારતના લોકોની પસંદગીનો ઉદ્યોગ બની રહ્યો છે. જે મોટલ ગુજરાતીની હોય ત્યાં અમેરિકન લોકોને જોબ પર નથી રાખવામાં આવતા એવી માન્યતા પ્રસરેલી છે. ઉદાહરણ તરીકે, પટેલ કટુંબની મોટલ હોય તો તે પોતાના સંબંધીને અમેરિકા બોલાવી, પોતાને ત્યાંજ નોકરી પર રાખી, એમને સેટલ કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. ગુજરાતીઓનું આખું કુટુંબ મોટેલ બિઝનેસ સાથે સંકળાયેલું હોવાથી તેમના માટે એક પછી એક મોટેલ ઊભા કરતાં જવાનું પ્રમાણમાં આસાન રહે છે.
અમેરિકામાં ગન કલ્ચર નવી વાત નથી. મુખ્ય વસાહતથી દૂરના વિસ્તારોમાં મોટેલ ચલાવનારા ગુજરાતીઓને સામાન્યપણે ગન કલ્ચરનો બહુ ડર લાગતો હોતો નથી. તેઓ સંયુક્ત કુટુંબમાં રહીને સફળ બિઝનેસ કરતા હોય છે. મોટેલને સ્પર્શીને અથવા મોટલના એક હિસ્સામાં જ એમનું ખુદનું ઘર હોય છે. મેાટેલમાં રૂમ ભાડે લેતા લોકોની સરભરા સહિતનું મેનેજમેન્ટ કુટુંબના સભ્યો કરતા હોય છે. સામાન્યતઃ આ પ્રકારના ફેમિલી મેનેજમેન્ટમાં અમેેરિકનોને કે અન્ય દેશના લોકોને જોબ માટે ખાસ તક અપાતી નથી.
નવી મોટેલ ઊભી કરવી હોય ત્યારે અમેરિકન ગુજરાતીઓ વતનમાં રહેતા સંબંધીઓને બોલાવીને તેમાં સેટ કરવાની કોશિશ કરતા આવ્યા છે. વિઝા સિસ્ટમ થોડી સરળ હતી ત્યારે જોબ લેટર પર લોકો અમેરિકા પહોંચી શકતા હતા. હવે વિઝા સિસ્ટમ મેંાઘી અને કડક બનાવી દેવામાં આવી હોવાથી પહેલાંની જેમ અમેરિકા જવું આસાન બનવાનું નથી.
કેટલાક ગુજરાતી પટેલ પરિવારોની મોટેલની ચેઇન છે. ત્યાં તેમના કાકા-મામાના પરિવાર સિવાય બીજું કોઇ કામ કરતું નથી. મોટેલમાં રહેવા-જમવા ઉપરાંત કાર વોશિંગ અને રીપેરીંગ જેવા સવલતો પણ ઊભી કરવામાં આવે છે. કાર વોશિંગનું કામકાજ કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર ચાલતું હોય છે.
૨૦૨૫માં અત્યાર સુધીમાં અમેેરિકામાં સાત ભારતીયોના મર્ડર થયા છે, જેમાંથી કેટલાક મૃતકો મોટલ બિઝનેસ સાથે સંકળાયેલા હતા. એ અલગ વાત છે કે કોઇ ગુજરાતી મોટેલ માલિકે મોટેલ બંધ કરીને અન્ય બિઝનેસ ચાલુ કરવાનું વિચાર્યું નથી.
હોટલ-મોટેલ ઉદ્યોગમાં સતત વિવાદો, દાદાગીરી અને આક્ષેપબાજી ચાલ્યા કરતી હોય છે. જ્યાં ગન અને તેનું લાઇસન્સ છૂટથી મળતું હોય એવા દેશમાં સૌથી વધુ મોટેલ ધરાવતા ગુજરાતીઓની અને તેમની બિઝનેસ સેન્સની પ્રશંસા થવી જોઇએ. ગુજરાતીઓ અમેરિકાના મોટેલ ઉદ્યોગ પર વર્ચસ્વ ધરાવે છે. અમેરિકાનાં મોટેલ ઉદ્યોગમાં ૬૦ ટકા જેટલા ઇન્ડિયન અમેરિકનો છે, તેમાં ૮૦ ટકા જેટલા મૂળ ગુજરાતના છે. આ ગુજરાતી વર્ગમાં પાછા ૬૦ ટકા જેટલા તો નવસારી, સુરત, આણંદના છે. તેમની મોટેલનાં નામ બજેટ ઇન, સનસેટ લોજ,રોયલ મોટર ઇન જેવાં હોય છે. કેટલીક મોટલના કાઉન્ટર પાછળ ઉમિયા માતાજી, સંતરામ મહારાજ કે ડાકોરના રણછોડરાય ભગવાનની તસવીરો દેખાય છે અને દીવો પ્રગટેલો જોવા મળે છે.
જોખમ ઉપાડીને બિઝનેસ કરવાની સેન્સ ગુજરાતીઓને ગળથૂથીમાં મળી છે. એટલેસ્તો તો ગુજરાતી બિઝનેસમેન સર્વત્ર જોવા મળે છે. અમેરિકામાં ગુજરાતીઓના મોટેલ ઉદ્યોગની શરૂઆત ૧૯૭૦ના દાયકામાં થઇ હતી. ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ઓછા ભણતર વાળા લોકો અમેરિકા પહોંચ્યા હતા. તેમનામાં ધંધો કરવાની સૂઝ હતી. મોટેલ ઉદ્યોગે તેમને ત્રણ ચીજો આપી - રહેવાની સવલત, આવક અને સ્વતંત્ર રીતે કામ કરવાની તક. પાંચ દાયકામાં આ ગુજરાતીઓ અબજો પતિ બની ગયા છે. હિંસાની ઘટનાઓ વધતાં હવે મોટેલના કાઉન્ટર પર બુલેટ પ્રૂફ ગ્લાસની સુરક્ષા દીવાલ ઊભી કરવાનું શરુ થયું છે.